જમાઈ શર્મન જોશીએ ડૉક્ટરોનો આભાર માન્યો
પ્રેમ ચોપડાની ફાઇલ તસવીર
૯૦ વર્ષના પ્રેમ ચોપડાને ૮ નવેમ્બરે બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૭ દિવસ પછી તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે પ્રેમ ચોપડાને હૃદયને લગતી સમસ્યાઓ હતી, એનો યોગ્ય ઉપચાર કરવામાં આવ્યો છે અને હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. હવે પ્રેમ ચોપડાના જમાઈ અને ઍક્ટર શર્મન જોશીએ જણાવ્યું છે કે તેના સસરાને સિવિયર એઑર્ટિક સ્ટેનોસિસની સમસ્યા હતી. એના માટે તેમની એક ખાસ પ્રોસીજર કરવામાં આવી હતી જેમાં હૃદયના એઑર્ટિક વાલ્વને ઓપન હાર્ટ સર્જરી વિના સરખો કરવામાં આવ્યો હતો.
શર્મન જોશીએ જણાવ્યું હતું કે પ્રેમ ચોપડા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હૉસ્પિટલમાંથી ઘરે પરત ફરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સિવિયર એઑર્ટિક સ્ટેનોસિસ એક એવી હૃદયસંબંધી સ્થિતિ છે જેમાં એઑર્ટિક વાલ્વ પાતળો થઈ જાય છે. એના કારણે હૃદયની મુખ્ય ચેમ્બરમાંથી શરીર અને એઑર્ટા (મહાધમની)માં લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે. આ સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને બેહોશી જેવી સમસ્યાઓ થાય છે.
ADVERTISEMENT
શર્મન જોશીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું હતું કે ‘મારા પરિવાર તરફથી હું હૃદયરોગ વિશેષજ્ઞ ડૉ. નીતિન ગોખલે અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. રવીન્દર સિંહ રાવનો દિલથી આભાર માનું છું. તેમણે મારા સસરા પ્રેમ ચોપડાજીનો અત્યંત ઉત્તમ ઉપચાર કર્યો. પાપાને સિવિયર એઑર્ટિક સ્ટેનોસિસ હોવાનું જાણવા મળ્યું હતું અને ડૉ. રાવે ઓપન હાર્ટ સર્જરી વિના ટ્રાન્સકથીટર એઑર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન (TAVI) પ્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક વાલ્વ બદલી દીધો. દરેક તબક્કામાં ડૉ. ગોખલેના સતત માર્ગદર્શનથી અમને આત્મવિશ્વાસ મળ્યો. પાપા હવે ઘરે છે અને ખૂબ સારો અનુભવ કરી રહ્યા છે. તેમને મળેલા અસાધારણ સહયોગ અને કાળજી માટે અમે હંમેશાં આભારી રહીશું.’


