રાજસ્થાન હાઈ કોર્ટે સલમાન ખાનને મોટી રાહત આપી છે જેના પગલે હવે તેણે ૧૩ એપ્રિલે જયપુર જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ હાજર થવાની જરૂર નથી. આયોગે અગાઉ તેની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું હતું જેને હાઈ કોર્ટે હાલ માટે સ્થગિત કરી દીધું છે.
ભ્રામક જાહેરાતના કેસમાં સલમાન ખાનને રાજસ્થાન હાઈ કોર્ટ તરફથી મોટી રાહત
રાજસ્થાન હાઈ કોર્ટે સલમાન ખાનને મોટી રાહત આપી છે જેના પગલે હવે તેણે ૧૩ એપ્રિલે જયપુર જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ હાજર થવાની જરૂર નથી. આયોગે અગાઉ તેની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યું હતું જેને હાઈ કોર્ટે હાલ માટે સ્થગિત કરી દીધું છે.
આ સમગ્ર મામલો સલમાન વિરુદ્ધ દાખલ કરાયેલી ફરિયાદ સાથે જોડાયેલો છે. ફરિયાદમાં પાનમસાલા અને તેના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સલમાન પર ભ્રામક જાહેરાતો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પ્રોડક્ટ્સનો પ્રચાર ‘કેસર-યુક્ત ઇલાયચી’ અને ‘કેસર-યુક્ત પાનમસાલા’ તરીકે કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આવા દાવાઓ ગ્રાહકોમાં સુરક્ષા અને ગુણવત્તા વિશે ખોટી સમજણ ઊભી કરે છે, કારણ કે હકીકતમાં પાનમસાલાના સેવનથી કૅન્સર જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.
૬ જાન્યુઆરીએ આયોગે આ પ્રોડક્ટ્સના પ્રચાર અને જાહેરાતો પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો હતો, આમ છતાં ૯ જાન્યુઆરીએ પણ જયપુર, કોટા સહિત અનેક શહેરોમાં હોર્ડિંગ્સ જોવા મળ્યાં હતાં જેને આયોગે પોતાના આદેશનો ભંગ ગણાવ્યો હતો. ત્યાર બાદ આયોગે સલમાન ખાન વિરુદ્ધ વૉરન્ટ બહાર પાડ્યું હતું અને આદેશનું પાલન ન કરાય તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જોકે હવે રાજસ્થાન હાઈ કોર્ટના હસ્તક્ષેપ બાદ સલમાનને આ કેસમાં મોટી રાહત મળી છે.