ઉજવણી ઘરે પરિવાર સાથે સાદગીભર્યા આધ્યાત્મિક વાતાવરણમાં : ૨૦૦થી ૨૫૦ ફૅન્સને સવારે સાડાસાતથી સાડાઆઠ વાગ્યા સુધી મળશે : ચાહકોને તેમની રીરિલીઝ થયેલી ફિલ્મ ‘પદયપ્પા’ થિયેટરમાં જોવાની કરી અપીલ
રજનીકાન્ત
આજે રજનીકાન્તની ૭૫મી વર્ષગાંઠ છે અને આ દિવસની ઉજવણી તેમના ઘરમાં સાદાઈથી અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં થશે. રજનીકાન્ત હંમેશાં ગ્રૅન્ડ પાર્ટી કે મીડિયા-ગ્લૅમરથી દૂર રહીને પરિવાર અને નજીકના મિત્રો સાથે શાંતિથી વર્ષગાંઠ ઊજવે છે. આ વખતે પણ ચેન્નઈમાં આવેલા તેમના ઘરમાં નજીકના વીસ-પચીસ સ્વજનોની હાજરીમાં નાનકડો કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટ પ્રમાણે સવારે રજનીકાન્ત પરિવાર સાથે ગુરુ રાઘવેન્દ્ર સ્વામીની વિશેષ પૂજા કરશે. એ પછી બપોરે સાદું તામિલ શાકાહારી ભોજન જમશે અને એમાં કોઈ વિદેશી મેનુ કે લક્ઝરી કેટરિંગ નહીં હોય. સાંજે પાંચથી સાત વાગ્યા સુધી કમલ હાસન, મોહનલાલ, ચિરંજીવી અને અમિતાભ બચ્ચન જેવા ૧૫-૨૦ મિત્રો સાથે વિડિયો-કૉલ પર વાત કરશે અને કેક-કટિંગ કે ડાન્સ-સિન્ગિંગને બદલે ફૂલહાર અને અભિવાદનનું આયોજન કરવામાં આવ્યું છે. એ સિવાય રજનીકાન્ત સવારે સાડાસાતથી સાડાઆઠ વાગ્યા સુધી ઘરની બહાર બસો-અઢીસો ચાહકોનું અભિવાદન કરશે. એ સમયે મીડિયાને અંદર એન્ટ્રી નહીં હોય. રજનીકાન્તે ૭૫મી વર્ષગાંઠની ઉજવણી માટે ફૅન ક્લબ્સને વિડિયો-મેસેજમાં કહ્યું છે કે ‘મારો જન્મદિવસ હું શાંતિથી ઘરે ઊજવીશ. તમે ‘પદયપ્પા’ થિયેટરમાં જોઈને મને સૌથી મોટી ભેટ આપજો.’
ADVERTISEMENT
ફૅન્સમાં રજનીકાન્તની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીનો અનોખો ઉત્સાહ
આજે રજનીકાન્તની ૭૫મી વર્ષગાંઠ છે અને આ વર્ષે સિનેમામાં તેમનાં ૫૦ વર્ષ પૂર્ણ થયાં છે એને કારણે તેમના ફૅન્સમાં ઉજવણીનો જબરો ઉત્સાહ છે. આ દિવસ ઊજવવા આજથી વિશ્વભરનાં થિયેટરોમાં ૧૯૯૯માં રિલીઝ થયેલી રજનીકાન્તની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘પદયપ્પા’ 4K રીમાસ્ટર્ડ વર્ઝનમાં ફરી રિલીઝ થશે. રજનીકાન્તે કહ્યું હતું કે આ ફિલ્મને OTT પર નહીં, થિયેટરમાં જ જોવાની મજા છે અને આ મારા ફૅન્સ માટે મારી ‘રિટર્ન ગિફ્ટ’ છે.
આ ફિલ્મ જોવા માટે ચેન્નઈ, મદુરાઈ, કોઈમ્બતુર, બૅન્ગલોર, મુંબઈ સુધી ફૅન્સે થિયેટરો બુક કરાવી દીધાં છે. એ સિવાય રજનીકાન્તની ફૅન ક્લબ્સ દ્વારા અનાથાશ્રમોમાં ભોજન, વૃદ્ધાશ્રમમાં ફળ-કપડાંનું વિતરણ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.


