રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે ‘રામાયણ’ના ટ્રેલરની પ્રશંસા કરી. યશ અને સાઈ પલ્લવીના લુકના વખાણ કરતાં તેમણે ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરને લઈને શરૂઆતમાં શંકા હોવાનું પણ જણાવ્યું.
રામાનંદ સાગરના પૌત્રએ રામાયણ માટે યશ અને સાઈ પલ્લવીને પર્ફેક્ટ પસંદગી ગણાવી છે
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ એના પર સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે પણ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે યશ અને સાઈ પલ્લવીના લુકનાં વખાણ કર્યાં, પણ ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરની પસંદગીને લઈને શરૂઆતમાં તેને શંકા હોવાનું જણાવ્યું.
સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા એક વિડિયોમાં શિવ સાગરે ‘રામાયણ’ના ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મેં રિલીઝ થયેલું ટ્રેલર જોયું. આ ટ્રેલર ચોક્કસપણે ટીઝર કરતાં ઘણું સારું છે, કારણ કે અગાઉના ટીઝરમાં બહુ ઓછી માહિતી હતી. આ લાંબા ટ્રેલરમાં વધુ પાત્રો, વધુ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને યશના રાવણના પાત્રની પણ સારી ઝલક જોવા મળી.’
શિવ સાગરે રાવણના પાત્રમાં યશ અને માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવીની પસંદગીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘મને રાવણના પાત્રમાં યશ ખૂબ જ ગમ્યો અને સીતાના પાત્રમાં સાઈ પલ્લવી પણ ખૂબ ગમી. તેઓ દક્ષિણ ભારતનાં કલાકારો છે અને આપણી પૌરાણિક કથાઓને ખૂબ સારી રીતે સમજે છે. બાળપણથી જ દાદા-દાદી પાસેથી આવી કથાઓ સાંભળતાં આવ્યાં હોવાથી તેઓ આ પાત્રોનાં સ્વભાવ અને ભાવનાઓને સારી રીતે સમજી શકે છે. મને લાગે છે કે તેથી જ તેઓ પોતાના અભિનયમાં આ પાત્રોને જીવંત બનાવી શક્યાં છે.’
રણબીર કપૂરે આ ખુલાસો કરતાં કહ્યું કે હનુમાનજીનું પાત્ર ભજવતા સની દેઓલને પાર્ટ ટૂમાં વધુ સ્ક્રીન-સ્પેસ મળશે
ADVERTISEMENT
ભારતીય સિનેમાની સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંની એક ‘રામાયણ’ને લઈને સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે તેણે ફિલ્મ વિશે વાત કરતાં બીજા ભાગને લઈને મોટો ખુલાસો કર્યો છે.
‘રામાયણ’ના બીજા ભાગ વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થાય એ પહેલાં જ બીજા ભાગનું પચાસ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનો બીજો ભાગ પ્રથમ ભાગ કરતાં વધુ ભવ્ય અને રોમાંચક હશે. ભગવાન હનુમાનનું મુખ્ય પાત્ર બીજા ભાગમાં જોવા મળશે. ફિલ્મમાં ભગવાન હનુમાનની ભૂમિકા સની દેઓલ ભજવી રહ્યા છે. પ્રથમ ભાગમાં તેમનો રોલ ઘણો નાનો છે, જ્યારે બીજા ભાગમાં તેમને વધુ સ્ક્રીન-સ્પેસ મળશે. ‘રામાયણ’ જેવી મહાગાથા ૧૦ ભાગમાં પણ બની શકે, કારણ કે આટલી વિશાળ કથાને માત્ર બે ભાગમાં દર્શાવવી ખૂબ જ મુશ્કેલ બાબત છે. ફિલ્મને બ્લૉકબસ્ટર બનાવવા માટે મૂળ કથામાં કોઈ પણ પ્રકારની છેડછાડ કે મનગમતા ફેરફારો કરવામાં નહીં આવે. વિશ્વભરના લાખો લોકો માટે ભગવાન શ્રી રામ માર્ગદર્શક છે. યોગ્ય કાર્ય, દયા, અહંકારનો ત્યાગ અને ક્ષમા જેવા તેમના આદર્શો આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે.’
