Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણની પાઇરસી કરનારા લોકો સામે કડક કાર્યવાહીની નિર્માતાઓની ચેતવણી

રામાયણની પાઇરસી કરનારા લોકો સામે કડક કાર્યવાહીની નિર્માતાઓની ચેતવણી

Published : 12 November, 2026 12:01 PM | Modified : 12 November, 2026 12:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રામાયણ’ રિલીઝ થાય એ પહેલાં જ બૉમ્બે હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો કે ફિલ્મ ઑનલાઇન લીક કરનારાઓ અથવા એની વિડિયો-ક્લિપ્સ ગેરકાયદે રેકૉર્ડ કરીને અપલોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રામાયણનો સીન

રામાયણનો સીન


ટેક્નૉલૉજીના યુગમાં ફિલ્મ રિલીઝ થતાં જ એને ઑનલાઇન લીક કરી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થિયેટરમાં ફિલ્મનું ગેરકાયદે રેકૉર્ડિંગ કરીને બનાવેલી ક્લિપ્સ પણ સોશ્યલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાઇરલ થતી હોય છે. હવે નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’ પણ પાઇરસીનો ભોગ બની છે. બૉમ્બે હાઈ કોર્ટના કડક આદેશ છતાં આ ફિલ્મની ગેરકાયદે રેકૉર્ડ કરેલી ક્લિપ્સ પાઇરસી વેબસાઇટ્સ અને સોશ્યલ મીડિયા નેટવર્કિંગ સાઇટ્સ પર ફેલાવવામાં આવી રહી છે. આ મામલે હવે ‘રામાયણ’ના નિર્માતાઓએ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

‘રામાયણ’ રિલીઝ થાય એ પહેલાં જ બૉમ્બે હાઈ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો કે ફિલ્મ ઑનલાઇન લીક કરનારાઓ અથવા એની વિડિયો-ક્લિપ્સ ગેરકાયદે રેકૉર્ડ કરીને અપલોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ આદેશ છતાં પાઇરસીની પ્રવૃત્તિ પર નિયંત્રણ આવતું દેખાતું નથી. હવે ફિલ્મના નિર્માતાઓએ આ મામલે કાનૂની પગલાં લેવાની જાહેરાત કરી છે.



નિર્માતાઓએ સોશ્યલ મીડિયા પર કાનૂની નોટિસ શૅર કરીને જણાવ્યું હતું કે ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે નમિત મલ્હોત્રાની ફિલ્મ ‘રામાયણ’નાં ફુટેજ થિયેટરોની અંદર પરવાનગી વિના રેકૉર્ડ કરવામાં આવી રહ્યાં છે અને સોશ્યલ મીડિયા તથા મેસેજિંગ પ્લૅટફૉર્મ પર ફેલાવવામાં આવી રહ્યાં છે. માનનીય બૉમ્બે હાઈ કોર્ટે આદેશો દ્વારા તમામ જાણીતી અને અજાણી વ્યક્તિઓને ફિલ્મ અથવા એના કોઈ પણ ભાગને પરવાનગી વિના રેકૉર્ડ કરવા, અપલોડ કરવા, શૅર કરવા કે અન્ય કોઈ રીતે પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કૉપીરાઇટનું ઉલ્લંઘન છે. ૧૯૫૭ના કૉપીરાઇટ ઍક્ટ અને ૧૯૫૨ના સિનેમૅટોગ્રાફ ઍક્ટ, ૨૦૨૩ની ભારતીય ન્યાય સંહિતા અને  ૨૦૦૦ના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ આ ગુનાહિત કૃત્ય છે. આ કાયદાઓ હેઠળ જેલની સજા અને દંડ થઈ શકે છે. આ ઉપરાંત કોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી એને કોર્ટની અવમાનના પણ ગણવામાં આવી શકે છે. કોઈએ પણ આવા ગેરકાયદે કન્ટેન્ટને રેકૉર્ડ કરવું, પોસ્ટ કરવું કે શૅર કરવું નહીં. જેમણે અગાઉ આવી કોઈ ક્લિપ્સ પોસ્ટ કરી હોય તેમણે પણ એને તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઈએ. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની જાણ સંબંધિત અધિકારીઓ અને પ્લૅટફૉર્મને કરવામાં આવશે. આવા લોકો સામે કોઈ વધુ નોટિસ આપ્યા વિના ગુનાહિત, સિવિલ અને કોર્ટની અવમાનનાને લગતી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK