ભારતીય દર્શકો ગીતો સાથે ત્રણ કલાકથી વધુ લાંબી ફિલ્મો જોવા માટે ટેવાયેલા છે, પણ વૈશ્વિક દર્શકો માટે આવું નથી. આ જ કારણસર નિર્માતાઓએ અંગ્રેજી વર્ઝનની લંબાઈ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
રામાયણનું અંગ્રેજી વર્ઝન ૩૦ મિનિટ નાનું હશે, એમાં ગીતો પણ નહીં હોય
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર અને ‘જય જય રામ’ ગીતે પહેલેથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મનું શૂટિંગ હિન્દીમાં કરવામાં આવ્યું છે, પણ એને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. જોકે રિપોર્ટ પ્રમાણે અંગ્રેજી વર્ઝનનો રનટાઇમ મૂળ હિન્દી ફિલ્મ કરતાં ઓછો હશે. મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’નું અંગ્રેજી વર્ઝન હિન્દી વર્ઝન કરતાં ૩૦ મિનિટ ટૂંકું હશે તેમ જ અંગ્રેજી વર્ઝનમાં ગીતો રાખવામાં આવશે નહીં. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દર્શકોને ધ્યાનમાં રાખીને કેટલાક સીન પણ ટૂંકા કરવામાં આવશે.
હકીકતમાં ભારતીય દર્શકો ગીતો સાથે ત્રણ કલાકથી વધુ લાંબી ફિલ્મો જોવા માટે ટેવાયેલા છે, પણ વૈશ્વિક દર્શકો માટે આવું નથી. આ જ કારણસર નિર્માતાઓએ અંગ્રેજી વર્ઝનની લંબાઈ ઘટાડવાનો નિર્ણય લીધો છે.
નિર્માતાઓએ ‘રામાયણ’નું અંગ્રેજી ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ અંગ્રેજીમાં કરવામાં આવ્યું નથી, તેમ છતાં ટ્રેલરમાં લિપ-સિન્ક એકદમ સચોટ જોવા મળી રહ્યું છે. અહેવાલો અનુસાર નિર્માતાઓએ તમામ ભાષાઓમાં લિપ-સિન્ક સચોટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. આ કારણે માત્ર અંગ્રેજી ટ્રેલરમાં જ નહીં, પ્રાદેશિક ભાષાઓના પ્રોમોઝમાં પણ કલાકારોનું લિપ-સિન્ક એકદમ સચોટ જોવા મળી રહ્યું છે.
