મંજૂર થયેલા બિલ્ડિંગ-પ્લાન અને બાંધકામના નિયમોના ઉલ્લંઘનના આરોપોને કારણે કરવામાં આવી આ કાર્યવાહી
બાદશાહની ચંડીગઢ સ્થિત નાઇટક્લબ SAGO By Badshah
રૅપર અને ગાયક બાદશાહની ચંડીગઢ સ્થિત નાઇટક્લબ SAGO By Badshahને ચંડીગઢ પ્રશાસને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી મંજૂર થયેલા બિલ્ડિંગ-પ્લાન અને બાંધકામના નિયમોના ઉલ્લંઘનના આરોપોને કારણે કરવામાં આવી છે. ચંડીગઢના સેક્ટર-૨૬માં આવેલી આ ક્લબને અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. પ્રશાસનના જણાવ્યા મુજબ ક્લબના સંચાલકોને ગેરકાયદે બાંધકામ અને અન્ય ખામીઓ દૂર કરવા માટે પૂરતો સમય અને અનેક તક આપવામાં આવી હતી પણ આમ છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. આ પછી પ્રશાસને ક્લબને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ પ્રમાણે ક્લબમાં ચેકિંગ દરમ્યાન ખબર પડી હતી કે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને બીજા માળ પર મંજૂરી વગર કૅબિન, પાર્ટિશન, ટૉઇલેટ, રસોડું અને સ્ટોરેજ વિસ્તાર બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખુલ્લી જગ્યાઓને સ્ટીલ-સ્ટ્રક્ચર અને શીટથી ઢાંકીને મંજૂર નકશામાં ફેરફાર કરાયેલા હોવાનું પણ જણાયું હતું. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં બિલ્ડિંગ-નિયમોના ઉલ્લંઘન સામે ઝીરો-ટૉલરન્સ નીતિ અપનાવવામાં આવી રહી છે જેના કારણે ક્લબ સીલ કરવામાં આવી છે.
