Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ: લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે જવાબદારી સ્વીકારીને આપી ધમકી

ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ: લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે જવાબદારી સ્વીકારીને આપી ધમકી

Published : 02 February, 2026 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નાનું ટ્રેલર છે, અમારી વાત ન માની તો હવે અંદર તેના બેડરૂમમાં ગોળી ચાલશે છાતી પર: બૉલીવુડને પણ ચેતવણી આપીને કહ્યું કે સુધરી જાઓ નહીંતર બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ હાલ કરીશું

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયા બાદ પોલીસે ફૉરેન્સિક તપાસ હાથ ધરી હતી, જેમાં પાંચ બુલેટ કાર્ટ્રિજ મળી આવી હતી. બુલેટ જે જગ્યાએ મારવામાં આવી હતી એ જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયા બાદ પોલીસે ફૉરેન્સિક તપાસ હાથ ધરી હતી, જેમાં પાંચ બુલેટ કાર્ટ્રિજ મળી આવી હતી. બુલેટ જે જગ્યાએ મારવામાં આવી હતી એ જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.


ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ મુજબ આરોપીઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એ સમયે રોહિત શેટ્ટી ઘરમાં જ હતો. મામલાની ગંભીરતા જોતાં આ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે અને રોહિત શેટ્ટીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ ગોળીબારની જવાબદારી કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી છે. સોશ્યલ મીડિયા પર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે હવે ઘરની બહાર નહીં, સીધી બેડરૂમમાં ગોળી ચાલશે અને છાતી પર વાગશે.

મળતી માહિતી અનુસાર શનિવારે મોડી રાતે ૧૨.૪૫ વાગ્યે રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. ઘટના પછી એ વિસ્તારમાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ-સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હુમલાખોર બાઇક પર જુહુ પહોંચ્યા હતા. એ પછી થોડે દૂર બાઇક ઊભી રાખીને શેટ્ટી ટાવરના પહેલા માળે ગોળીઓ છોડી હતી. આ જગ્યા રોહિત શેટ્ટીનું ઘર છે અને જ્યાં ગોળી વાગી એ તેનો જિમ-એરિયા હોવાનું કહેવાય છે. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.



રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગનો મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો ત્યારે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી લીધી છે અને એ બાબત સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટના સ્ક્રીનશૉટ મુજબ એમાં લખવામાં આવ્યું છે, ‘મુંબઈમાં શેટ્ટી ટાવર ખાતે ફિલ્મ-ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘર પર જે ફાયરિંગ થયું છે એની જવાબદારી અમે શુભમ લોણકર, આરઝૂ બિશ્નોઈ, હરિ બૉક્સર અને હરમન સંધુ લઈ રહ્યા છીએ. અમે તેને ઘણી વાર મેસેજ મોકલ્યા કે અમારા કામમાં દખલ ન દે, પણ તે માન્યો નહીં. આ એક નાનું ટ્રેલર છે. આગળ પણ જો અમારી વાત ન માની તો હવે ઘરની બહાર નહીં, અંદર તેના બેડરૂમમાં ચાલશે ગોળી તેની છાતી પર.’


આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘બૉલીવુડને ચેતવણી છે કે સમય છે તો સુધરી જાઓ નહીં તો હાલત ખરાબ થશે. બાબા સિદ્દીકીથી પણ ખરાબ હાલ કરીશું. જેમને અમે ફોન કર્યા છે તેઓ સમયસર અમારી લાઇન પર આવી જાઓ, નહીંતર સંતાવા માટે જગ્યા પણ ઓછી પડશે. અમારા તમામ દુશ્મનો તૈયાર રહો, જલદી મુલાકાત થશે. નોંધ – એક જ હતી, એક જ છે અને એક જ રહેશે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ.’


રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયા બાદ લૉરેન્સ બિશ્નોઈ ગ્રુપના શુભમ લોણકર અને અન્ય સભ્યોએ સોશ્યલ મીડિયા પર આ બનાવની જવાબદારી લેતી પોસ્ટ શૅર કરી હતી.

મહેરબાની કરીને બે દિવસ સુધી મારા ઘરે ન આવતા

પોતાના ઘર પર થયેલા ફાયરિ‍‍‍ંગ પછી રોહિત શેટ્ટીએ મિત્રોને વિનંતી કરી

રોહિત શેટ્ટીના જુહુના રહેઠાણ શેટ્ટી ટાવરની બહાર શનિવારે રાતે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ હતો. આ ઘટના બાદ રોહિત શેટ્ટીએ આગામી બે દિવસના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે. તેણે નજીકના મિત્રોને વિનંતી કરી છે કે ઓછામાં ઓછા ૪૮ કલાક સુધી ઘરે ન આવતા. હાલમાં રોહિત શેટ્ટી મુંબઈ પોલીસને તપાસમાં સહયોગ આપી રહ્યો છે. અત્યારે તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તે હવે માત્ર ફોન તથા મેસેજ દ્વારા ઇન્ડસ્ટ્રીના લોકો સાથે વાત કરી રહ્યો છે. 

પુણે પોલીસે કરી પાંચ જણની અટકાયત

જુહુ વિસ્તારમાં આવેલા ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં પુણે પોલીસે કુલ પાંચ જણની અટકાયત કરી છે જેને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. 
રિપોર્ટ પ્રમાણે પ્રથમ આરોપીનું નામ અમન આનંદ મારોટે છે જેની ઉંમર ૨૭ વર્ષ છે. બીજા આરોપીનું નામ આદિત્ય ગાયકી છે જેની ઉંમર ૧૯ વર્ષ છે. ત્રીજા આરોપીનું નામ સિદ્ધાર્થ દીપક યેનપુરે છે અને તેની ઉંમર ૨૦ વર્ષની છે. ચોથા આરોપીનું નામ સમર્થ પોમાજી છે જેની વય ૧૮ વર્ષ છે, જ્યારે પાંચમા આરોપીનું નામ સ્વપ્નીલ બંડુ સકટ છે જેની ઉંમર ૨૩ વર્ષ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK