ફિલ્મ-ફેસ્ટિવલમાં દીપપ્રાગટ્ય પહેલાં જૂતાં ઉતારી દેવાના વર્તને ફૅન્સનાં દિલ જીતી લીધાં
આમિર ખાન
આમિર ખાને શુક્રવારે એક ફિલ્મ-ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ ઇવેન્ટ દરમ્યાનનો તેનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં આમિરની સાદગી અને સંસ્કારનાં લોકો બહુ વખાણ કરી રહ્યા છે. આ સમારોહની શરૂઆત માટે મુખ્ય મહેમાન આમિરને મંચ પર બોલાવવામાં આવ્યો હતો જેથી તે પરંપરાગત રીતે દીવો પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરે. જોકે આ વિધિ પહેલાં તેણે થોડી ક્ષણ માટે રોકાઈને પોતાનાં જૂતાં ઉતારી દીધાં અને પછી દીવો પ્રગટાવ્યો.. તેની આ સરળ અને સંસ્કારસભર હરકત ત્યાં હાજર લોકોના ધ્યાનમાં તરત જ આવી ગઈ. હાલમાં આ ક્ષણનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે અને ફૅન્સ આમિરના વર્તનનાં વખાણ કરીને કહી રહ્યાં છે કે તેણે ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું માન રાખ્યું છે.
ખરેખર... આમિર ખાન જેવો માત્ર એક જ હોઈ શકે: ગઈ કાલે ઍક્ટરની ૬૧મી વર્ષગાંઠે સાયરા બાનુએ પાઠવી શુભેચ્છા
ADVERTISEMENT
ગઈ કાલે આમિર ખાનની ૬૧મી વર્ષગાંઠ હતી. આ દિવસે સાયરા બાનુએ સોશ્યલ મીડિયા પર આમિરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેની સાથે પસાર કરેલી ભાવુક પળોને યાદ કરી. સાયરા બાનુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘થોડા દિવસ પહેલાં આમિર ખાન જ્યારે ગૌરી સાથે મને મળવા આવ્યા ત્યારે દિલમાં એવી ઉષ્મા અનુભવી જે માત્ર પોતાના અને નજીકના લોકોની હાજરીથી જ મળે છે. મારા અનુભવ મુજબ આમિર હંમેશાં ખૂબ જ વિનમ્ર, સંવેદનશીલ અને વિચારશીલ વ્યક્તિ રહ્યા છે. દિલીપસાહેબ માટે તેમનું માન માત્ર દૂરથી કરવામાં આવતી પ્રશંસા નહોતું, પરંતુ એ સાચા સ્નેહ અને લાગણીમાંથી જન્મેલું સન્માન હતું જે વર્ષો દરમ્યાન વારંવાર દેખાતું રહ્યું છે. ખુશીની પળો હોય કે મુશ્કેલ સમય, આમિર હંમેશાં અમારી નજીક રહ્યા. દિલીપસાહેબના પુસ્તકને સાકાર બનાવવા જેવી જટિલ પ્રક્રિયામાં પણ તેમણે ખૂબ કાળજી અને સમર્પણ સાથે અમને સહારો આપ્યો હતો.’ સાયરા બાનોએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે ‘બીમારીના દિવસોમાં જ્યારે હૉસ્પિટલના કૉરિડોર લાંબા અને ભારે લાગતા હતા ત્યારે પણ તેઓ ત્યાં શાંત સાથ અને એવી માનવતા સાથે હાજર રહેતા જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. આવી નાની લાગતી પરંતુ ખૂબ અર્થપૂર્ણ લાગણીભરી હરકતો જ માણસના સાચા સ્વભાવને બતાવે છે. તેથી થોડા દિવસ પહેલાં જ્યારે તેઓ મારા ઘરે આવ્યા ત્યારે એ માત્ર એક મુલાકાત નહોતી, મને એવું લાગ્યું કે પરિવારનો જ કોઈ પ્રિય સભ્ય મળવા આવ્યો હોય. આ ખાસ દિવસે જ્યારે આખી દુનિયા તમારો જન્મદિવસ ઊજવી રહી છે આમિર, ત્યારે હું માત્ર એટલું જ કહેવા માગું છું કે લાખો લોકો તમારા કલાકાર રૂપની પ્રશંસા કરે છે, પરંતુ અમને જેમને તમને નજીકથી ઓળખવાનો મોકો મળ્યો છે તેઓ તમારા અંદરના અદ્ભુત માનવને વધુ પ્રેમ કરે છે. ખરેખર, આમિર જેવો માત્ર એક જ હોઈ શકે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.’
આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાનને મળતી હતી અન્ડરવર્લ્ડની ધમકીઓ : ફારાહ ખાન
ફિલ્મમેકર અને કૉરિયોગ્રાફર ફારાહ ખાને ૧૯૯૦ના દાયકાના બૉલીવુડ વિશે એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે એ સમય દરમ્યાન ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પર અન્ડરવર્લ્ડનું ભારે દબાણ હતું અને ઘણા મોટા કલાકારોને ધમકીભર્યા ફોન આવતા હતા. ફારાહ ખાનના જણાવ્યા મુજબ એ સમય એવો હતો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું સહેલું નહોતું. તેણે કહ્યું કે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સહિત ઘણા લોકોને અન્ડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળતી હતી અને આ સમય બહુ ડરામણો હતો. ફારાહે એક ખાસ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના પ્રીમિયર પહેલાં ડિરેક્ટર કરણ જોહરને પણ અન્ડરવર્લ્ડ તરફથી ધમકી મળી હતી. એ સમયે સ્થિતિ એટલી તંગ હતી કે ફિલ્મનું પ્રીમિયર રદ કરવું કે નહીં એ વિશે ચર્ચા થવા લાગી હતી. સુરક્ષા પણ વધારવામાં આવી હતી અને કરણ જોહર ખૂબ સ્ટ્રેસમાં હતો.’
