ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ આ વાતનો કર્યો ખુલાસો
સલમાન ખાન
સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નું નામ બદલીને ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મના મેકર્સે નવા પોસ્ટર સાથે નવા ટાઇટલની જાહેરાત કરી હતી. હવે આ ફેરફાર પાછળનું સાચું કારણ પણ સામે આવ્યું છે. શરૂઆતમાં ઘણા લોકો માનતા હતા કે કદાચ આ નિર્ણય અચાનક લેવાયો હશે, પરંતુ હકીકતમાં એવું નથી. ‘બૅટલ ઑફ ગલવાન’ ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ આ મુદ્દે ખુલાસો કરતાં જણાવ્યું કે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો નહોતો. તેણે કહ્યું કે ‘શરૂઆતથી જ આ ફિલ્મ માટે ‘બૅટલ ઑફ ગલવાન’ અને ‘માતૃભૂમિ’ એમ બે ટાઇટલ રજિસ્ટર કરાયાં હતાં. ફિલ્મ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ટીમને લાગ્યું કે આ ફિલ્મ માત્ર એક યુદ્ધ વિશે નથી પરંતુ માનવતા, સહાનુભૂતિ અને સૈનિકોના નિઃશબ્દ સંઘર્ષોની કહાની પણ રજૂ કરે છે. ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ ફિલ્મના મૂળ ભાવને વધુ સારી રીતે વ્યક્ત કરે છે. આ ટાઇટલ ત્યાગ, દેશપ્રેમ અને માનવતાની ભાવનાઓને વધુ ઊંડાણથી દર્શાવે છે. ફિલ્મમાં આ નામ પર આધારિત એક ગીત પણ છે જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે આ ટાઇટલ વધુ યોગ્ય લાગ્યું છે.’
