આ કારણ આપીને KD : ધ ડેવિલના વિવાદાસ્પદ ગીતના મામલામાં સંજય દત્તે રાષ્ટ્રીય મહિલા આયોગ સામે હાજર થઈને માફી માગી...
સંજય દત્ત અને નોરા ફતેહી
સંજય દત્ત હાલમાં કન્નડા ફિલ્મ ‘KD : ધ ડેવિલ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું એક ગીત પહેલેથી જ રિલીઝ કરવામાં આવ્યું હતું જેના બોલ ‘સરકે ચુનર તેરી સરકે’ હતા. આ ગીતમાં સંજય દત્ત સાથે નોરા ફતેહી જોવા મળી હતી. આ ગીત રિલીઝ થતાં જ એને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદમાં રાષ્ટ્રીય મહિલા આયોગે આ ગીત સામે કડક વલણ અપનાવ્યું હતું જેના પગલે સંજય અને નોરાને આયોગ સમક્ષ હાજર થવા માટે સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમન્સના પગલે સંજય ગઈ કાલે દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ સામે હાજર થયો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગે ‘સરકે ચુનર તેરી સરકે’ના વિવાદના મામલે સંજયની પૂછપરછ કરી હતી જેના પછી સંજયે આયોગ સમક્ષ માફી માગી હતી અને કહ્યું કે ગીત જ્યારે રેકૉર્ડ કરવામાં આવ્યું ત્યારે અન્ય ભાષામાં હતું તેમ જ તેને શબ્દોની જાણકારી નહોતી. આ સિવાય સંજયે સ્વેચ્છાએ ૫૦ આદિવાસી બાળકોના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ પણ આપ્યો છે.
