ચિરંજીવીએ કમેન્ટ કરતાં કહ્યું કે મને ડર છે કે મારો દીકરો રામ ચરણ ક્યાંક ફરી પાછો પુત્રીનો પિતા ન બની જાય
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી વિવાદમાં ફસાયા છે. ચિરંજીવીએ ‘બ્રહ્મ આનંદમય’ ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં એક ચોંકાવનારું નિવેદન કર્યું છે અને એ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ રહી છે. ચિરંજીવી ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અને ત્યાં તેમણે પરિવારના વારસાને આગળ વધારવા માટે પૌત્ર જોઈતો હોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઇચ્છા વ્યક્ત કરતી વખતે ચિરંજીવીએ કમેન્ટ કરતાં કહ્યું કે મને ડર છે કે મારો દીકરો રામ ચરણ ક્યાંક ફરી પાછો પુત્રીનો પિતા ન બની જાય.
ચિરંજીવીએ જરાય ખચકાટ વિના જણાવ્યું હતું કે ‘જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે મને એવું નથી લાગતું કે હું સંતાનોનાં સંતાન સાથે છું. મને એવું લાગે છે કે હું લેડીઝ હૉસ્ટેલ વૉર્ડન છું જે ચારે બાજુ મહિલાઓથી ઘેરાયેલો છે. હું રામ ચરણને કહું છું કે ઓછામાં ઓછો એક પુત્ર હોવો જોઈએ જેથી અાપણો વારસો આગળ વધે. તેની પુત્રી તેની આંખનો તારો છે... મને ડર છે કે દીકરાને ત્યાં ફરી પુત્રી ન જન્મે.’
ADVERTISEMENT
ચિરંજીવીની આ કમેન્ટ પછી તેઓ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ચિરંજીવી જેવો મેગાસ્ટાર સિનેમાના પડદા પર મહાન વ્યક્તિત્વ ધરાવે છે પણ તેની વિચારસરણી ખૂબ નાની છે.
ચિરંજીવીના પરિવારની વાત કરીએ તો રામ ચરણ સિવાય તેમની પોતાની બે દીકરીઓ છે શ્રીજા કોનીડેલા અને સુસ્મિતા કોનીડેલા. શ્રીજાની બે પુત્રીઓ છે નવિષ્કા અને નિવરતી. સુસ્મિતાની પણ બે પુત્રીઓ છે, સમારા અને સંહિતા. પરિવારમાં રામ ચરણ અને ઉપાસનાની પુત્રી સૌથી નાની છે અને ચિરંજીવીની એકમાત્ર પૌત્રી છે.

