બહેન વિજયતા પંડિતે જણાવ્યું કે હિપની ઈજા અને અનેક સર્જરી બાદ તેઓ ૧૬ વર્ષ સુધી પથારીવશ હતાં
સુલક્ષણા પંડિત
૭૦ અને ૮૦ના દાયકાની પ્રસિદ્ધ ઍક્ટ્રેસ અને ગાયિકા સુલક્ષણા પંડિતનું ગુરુવારે ૭૧ વર્ષની વયે હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. તેઓ જાણીતી અભિનેત્રી વિજયતા પંડિતનાં બહેન અને મેવાતી ઘરાણાનાં પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનાં ભત્રીજી હતાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુલક્ષણા પંડિતની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ કોઈને ઓળખી પણ શકતાં નહોતાં.
સુલક્ષણા પંડિત પોતાની કરીઅર ઉપરાંત વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યાં હતાં. હકીકતમાં સુલક્ષણા પંડિત રિયલ લાઇફમાં સંજીવકુમાર સાથે લગ્ન કરવા માગતાં હતાં પણ તેમણે સુલક્ષણાનો લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. એ પછી સુલક્ષણાએ ક્યારેય લગ્ન કર્યાં નહોતાં તેમ જ સંજીવકુમાર પણ આખી જિંદગી અવિવાહિત રહ્યા હતા. સંજીવકુમારનું નિધન ૧૯૮૫ની ૬ નવેમ્બરે થયું હતું અને ખાસ વાત તો એ છે કે સુલક્ષણાનું નિધન પણ તેમના પ્રિય પાત્રના નિધનના બરાબર ૪૦ વર્ષે ૬ નવેમ્બરે જ થયું છે.
આ સંયોગ વિશે વિજયતાએ કહ્યું હતું કે ‘શું આ સંયોગ નથી કે સુલક્ષણાનું અવસાન એ જ દિવસે થયું જ્યારે સંજીવકુમારની પુણ્યતિથિ હતી? બધાને તેમના ઊંડા સંબંધ અને પ્રેમ વિશે ખબર છે. દીદી આખી જિંદગી અવિવાહિત રહી, કારણ કે સંજીવકુમાર તેમની સાથે લગ્ન કરી શક્યા નહીં. સંજીવકુમારને અમારા પરિવાર સાથે ઘણો લગાવ હતો, પરંતુ તેમનો સંબંધ ક્યારેય લગ્નમાં પરિવર્તિત થઈ શક્યો નહીં. બન્ને આખી જિંદગી કુંવારાં રહ્યાં અને મને લાગે છે કે બ્રહ્માંડે તેમના સંબંધને ફરી એક વાર મંજૂરી આપી દીધી છે. સુલક્ષણાદીદીનું અવસાન પણ એ જ તારીખે થયું જે તારીખે સંજીવકુમારનું અવસાન થયું હતું.’
ADVERTISEMENT
સુલક્ષણા પંડિત છેલ્લાં ૧૬ વર્ષથી પથારીવશ હતાં
સુલક્ષણા પંડિતના અવસાન પછી નાની બહેન વિજયતા પંડિતે એક ઇન્ટરવ્યુમાં મોટી બહેનના અંતિમ સમયનીસ્થિતિ વિશે વાત કરી છે. વિજયતા પંડિતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સુલક્ષણાદીદી મારી બીજી મમ્મી જેવી હતી. હિપની ઈજા અને અનેક સર્જરી બાદ તેઓ ૧૬ વર્ષ સુધી પથારીવશ જ હતાં. આ બધાં વર્ષોમાં મેં અને મારા પરિવારે તેમની સંભાળ લીધી હતી. અમે માત્ર ઘરનો સભ્ય નહીં, એક પ્રતિભાશાળી ગાયિકા અને અભિનેત્રીને ગુમાવ્યાં છે, જેમણે તેમના સમયમાં મોટા-મોટા કલાકારો સાથે કામ કર્યું હતું.’


