સુનીતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે સારો પિતા અને દીકરો છે, પણ હસબન્ડ તરીકે બિલકુલ યોગ્ય નથી
ફાઇલ તસવીર
અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ગોવિંદા સાથેના પોતાના સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને જણાવ્યું છે કે હું નથી ઇચ્છતી કે આગલા જનમમાં ગોવિંદા મારો પતિ બને. આ નિવેદન આપીને સુનીતાએ જણાવ્યું છે કે એક સુપરસ્ટારની પત્ની બનવા માટે ઘણું સહન કરવું પડે છે. ગોવિંદા અને સુનીતાએ ૧૯૮૭માં લગ્ન કર્યાં હતાં અને તેમનાં લગ્નજીવનને ૩૮ વર્ષ થઈ ગયાં છે.
સુનીતાએ આ ઇન્ટરવ્યુમાં પતિ સાથેના પોતાના સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ગોવિંદા સારો પિતા છે, સારો દીકરો છે, પણ સારો પતિ નથી. હું તેને ફરી ક્યારેય પતિરૂપે નથી ઇચ્છતી. મારા માટે આ જનમમાં તેનો સાથ પૂરતો છે. હું ગોવિંદાને કહી ચૂકી છું કે આવતા જનમમાં તું મારો દીકરો બનીને જનમજે, પતિ તરીકે તું મને ન જોઈએ. એક સ્ટારની પત્ની બનવા માટે પથ્થરનું દિલ બનાવવું પડે છે, કારણ કે સ્ટાર પોતાની પત્ની કરતાં ફિલ્મની હિરોઇનો સાથે વધારે સમય વિતાવે છે. મને આ વાત સમજવામાં ૩૮ વર્ષ નીકળી ગયાં.’


