અંગ્રેજીમાં friendship શબ્દ એટલા માટે ગમે છે કે એમાં ship શબ્દ સમાયો છે. સાચો મિત્ર તમને તારે છે, ઉગારે છે
લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ
મૈત્રી શબ્દ તો છે બે અક્ષરનો પણ એનો મહિમા મોટો છે. લોકો કહેતા ફરતા હોય છે કે અમારું ફ્રેન્ડસર્કલ મોટું છે પણ એનું કેન્દ્રબિંદુ અગત્યનું છે. એમાં તમારો સાચો મિત્ર ઊભો હોય છે. સુરેશ દલાલ કહેતા, અંગ્રેજીમાં friendship શબ્દ એટલા માટે ગમે છે કે એમાં ship શબ્દ સમાયો છે. સાચો મિત્ર તમને તારે છે, ઉગારે છે. જીવનમાં આવો એક મિત્ર પણ મળે તો ધન્ય થઈ જવાય.
લક્ષ્મીકાન્ત પ્યારેલાલની મૈત્રીનાં મૂળિયાં નાનપણથી જ મજબૂત બનતાં ગયાં અને સમય જતાં વટવૃક્ષ બનીને ફૂલતાં ફાલતાં રહ્યાં. તેમના સંબંધની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરતાં પ્યારેલાલજી કહે છે :
ADVERTISEMENT
‘નાનપણમાં પિતા સાથે ફેમસ સ્ટુડિયોમાં જતો. ઘણી વાર સ્ટુડિયોના કમ્પાઉન્ડમાં અમે ક્રિકેટ રમતા. સંગીતકાર હુસનલાલ ક્રિકેટના શોખીન એટલે ત્યાં આવ્યા હોય ત્યારે ફુરસદના સમયે બાળકો સાથે ક્રિકેટ રમે. એક દિવસ એક છોકરો ત્યાં આવ્યો. અમને ક્રિકેટ રમતાં જોયા કરે. તેને પંડિત હુસનલાલ પાસે સંગીતની તાલીમ લેવી હતી. પંડિતજીએ તેની ઓળખાણ કરાવી. તેનું નામ હતું લક્ષ્મીકાન્ત. તે મારાથી ત્રણ વર્ષ મોટા. નાનપણથી સરસ મેન્ડોલિન વગાડે. ધીમે-ધીમે અમે નજીક આવ્યા અને મૈત્રીની શરૂઆત થઈ. સૌપ્રથમ ૧૯૫૨માં અમે ‘જોગન’માં એકસાથે મ્યુઝિશ્યન તરીકે કામ કર્યું.
‘અમારું ટ્યુનિંગ ખૂબ સારું હતું. રોજ મળવાનું થાય. રેકૉર્ડિંગના અનુભવ એકમેક સાથે શૅર કરીએ. ૧૪ વર્ષની ઉંમરે મેં પહેલી વાર ‘ફિર સુબહ હોગી’ના ટાઇટલ ગીત માટે અરેન્જમેન્ટ કરી. આ ગીત મુકેશજી અને માલા સિંહાએ ગાયું હતું. પાછળથી એ આશાજીના સ્વરમાં રેકૉર્ડ થયું. મારી કામગીરી જોઈ ખય્યામસાબ ઉપરાંત રાજ કપૂર ખૂબ રાજી થયા અને આશીર્વાદ આપ્યા. કલ્યાણજી આણંદજીની ‘ચંદ્રસેના’ના ગીતનું રેકૉર્ડિંગ હતું. અરેન્જર હતા સેબૅસ્ટિયન. સંજોગવશાત તે ન આવી શક્યા. ગીતમાં લક્ષ્મીજી અને હું મ્યુઝિશ્યન તરીકે હતા. લક્ષ્મીજી કહે, ‘તું અરેન્જમેન્ટ કર.’ મેં કહ્યું, ‘આપણે બન્ને સાથે મળીને કરીએ.’ એ દિવસથી અમારી જોડી અરેન્જર તરીકે કામ કરવા લાગી. ‘હિમાલય કી ગોદ મેં’ સુધી અમે કલ્યાણજી આણંદજીના અસિસ્ટન્ટ હતા. તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અમને ફુલ ફ્રીડમ આપે એટલું જ નહીં, પ્રોત્સાહન આપે અને બીજા પ્રોડ્યુસરને અમારા નામની ભલામણ પણ કરે.’
પ્યારેલાલજીની વાતોને થોડો વિરામ આપીને સાદી ભાષામાં અરેન્જરનું શું કામ હોય એ સમજી લઈએ. જ્યારે સંગીતકાર ગીતની ધૂન બનાવે છે ત્યારે (મોટા ભાગે હાર્મોનિયમ અને તબલા કે ઢોલક પર) મુખડા અને અંતરાની સૂર અને લયમાં બાંધણી કરે છે. આ ગીતનું મૂળભૂત માળખું (સ્કેલેટન) કહેવાય. એમાં ગીતની શરૂઆતનું અને અંતરા વચ્ચેનું સંગીત, મુખ્ય વાજિંત્રો અને બીજી ટેક્નિકલ વાતોની જવાબદારી અરેન્જરની હોય છે. બેશક, આ બધી વાતો સંગીતકાર સાથે ચર્ચા થયા બાદ જ ફાઇનલ થતી હોય છે. ટૂંકમાં કહેવું હોય તો લગ્નપ્રસંગે નવવધૂને ઘરેણાં અને મેકઅપની મદદથી ફૅશન-ડિઝાઇનર સૌંદર્યવતી બનાવે એવી આ વાત છે. In short, the arranger is doing the job of ornamentist for the song. આ ટેક્નિકલ મુદ્દા પર ઘણી રસપ્રદ વાતો થઈ શકે. આજે ફરી પાછા લક્ષ્મીકાન્ત પ્યારેલાલની સંગીત સફર પર આવી જઈએ.
૧૭ વર્ષની ઉંમરે પ્યારેલાલજીએ નિર્ણય કર્યો કે મારે મુંબઈની હિન્દી ફિલ્મસંગીતની દુનિયાને છોડીને વિયેના જવું છે. ત્યાંનું ગ્રીન કાર્ડ લઈને, જેમને પોતાનો આદર્શ માનતા હતા એવા વાયોલિનના વિશ્વવિખ્યાત કલાકાર યહૂદી મેનુહીનની સિમ્ફની ઑર્કેસ્ટ્રામાં કામ કરવાનું તેમનું સપનું હતું. આ વાતની મિત્ર લક્ષ્મીકાન્તને ખબર પડી એટલે તેમણે કહ્યું, ‘વિદેશ જઈને શું કરીશ? આપણે અહીં જ સાથે મળીને કામ કરીશું.’ જિગરજાન મિત્રની ઇચ્છા અને આગ્રહને માન આપીને પ્યારેલાલજીએ નિર્ણય બદલ્યો અને વિયેના જવાનું મુલતવી રાખ્યું.
સાથી અને પરમ મિત્ર વિશે વાત કરતાં પ્યારેલાલજી કહે છે, ‘અમે એકમેકની ખૂબ મસ્તી કરતા. લક્ષ્મીજીના ફેવરિટ હતા દિલીપકુમાર અને મારા રાજ કપૂર. હું કહું કે દિલીપકુમાર તો સાવ રોતલ હીરો છે. તો લક્ષ્મીજી કહે, દિલીપકુમાર જેવી ઍક્ટિંગ કરતાં રાજ કપૂરની જિંદગી નીકળી જશે. અમારી જોડી ઉપરવાળાએ બનાવીને મોકલી છે. મને અથવા લક્ષ્મીજીને કોઈ મળે તો એલ. પી. કહીને જ બોલાવે. મારે ત્યાં પુત્રજન્મ થયો તો લોકો કહેતા લક્ષ્મીકાન્ત પ્યારેલાલને ત્યાં દીકરો આવ્યો છે.
‘અમે બન્ને શંકર જયકિશનના સંગીતના દીવાના. મ્યુઝિશ્યન તરીકે તેમના અનેક રેકૉર્ડિંગમાં ભાગ લીધો છે. રેકૉર્ડિંગ વખતે અભિભૂત થઈને તેમનું કામ જોતા. અમે તેમની સ્ટાઇલથી ખૂબ પ્રભાવિત પરંતુ અમારાં ગીતો પર અમારો સ્ટૅમ્પ રહેતો. તેમની જેમ ૧૦૦- ૧૫૦ પીસ ઑર્કેસ્ટ્રા લઈને ગીતો રેકૉર્ડ કરતા. લક્ષ્મીજી જયકિશનજીના એટલા મોટા
ફૅન હતા કે તેમના દરજી પાસે તેમની જ સ્ટાઇલનાં કપડાં સિવડાવે. તેમની જેમ કૉલર ઊંચા રાખે. જયકિશનની જેમ જ લક્ષ્મીજી જમણા હાથમાં ઘડિયાળ પહેરતાં. મારાં લગ્નમાં જયકિશનજીએ મને ચાંદીનું વાયોલિન ભેટ આપ્યું હતું.
‘લક્ષ્મીજીનું સંગીતનું જ્ઞાન અને સમજ અદ્ભુત હતાં. ‘દોસ્તી’ હિટ થઈ અને અમને ‘મિલન’ મળી ત્યારે તેમણે કહ્યું કે આપણે મોહમ્મદ રફી નહીં પણ મુકેશજી પાસે ગીત ગવડાવીશું. મેં કહ્યું, મુકેશજી ઉમદા કલાકાર છે પણ રફીસા’બ સાથે આપણાં ગીતો હિટ થયાં છે તો બીજો વિચાર શું કામ કરવો?’ તો કહે, ‘ફિલ્મનો સબ્જેક્ટ અલગ છે. હીરો દેહાતી છે. અહીં મુકેશજીના સ્વરનો અલગ રીતે ઉપયોગ કરીએ.’ તેમની વાત સાચી હતી. ‘મિલન’માં મુકેશજીએ ગાયેલાં ગીતોની લોકપ્રિયતામાં લક્ષ્મીજીનો મોટો ફાળો છે.’
પ્યારેલાલજી પાસે બેઠાં હોઈએ ત્યારે હલેસા વિનાની હોડી જેવો પ્રવાસ થાય. એક વિષયની વાત થતી હોય ત્યાં મને કોઈ એક પ્રસંગ કે ગીત યાદ આવે એટલે વાતનું વહેણ બીજી દિશામાં ફંટાઈ જાય. તમને પણ એટલા જ ધ્યાનથી સાંભળે. નિખાલસ એટલા કે હું તેમના સંગીત વિશેના કોઈ પ્રશ્ન મૂકું તો કોઈ પણ જાતના છોછ વિના સાચી હકીકત જણાવે. કેવળ શંકર જયકિશન નહીં, નૌશાદ અને મદન મોહનના સંગીત પરથી પ્રેરણા લઈને તેમણે પોતાની રીતે જે ગીતો કમ્પોઝ કર્યાં છે એની છણાવટ કરે ત્યારે જલસો પડી જાય.
રાજ કપૂરની ‘બૉબી’ ફિલ્મ તેમને કેવી રીતે મળી એ રોમાંચક વાત કરતાં પ્યારેલાલજી કહે છે. ‘પિયા કા ઘર’ની ટ્રાયલ હતી. ત્યાં મુકેશજીએ કહ્યું, ‘તમારે માટે ગુડ ન્યુઝ લાવ્યો છું. રાજસા’બ ‘બૉબી’ માટે તમારો વિચાર કરે છે તો જરા તેમને મળી લો.’ આ સાંભળી હું અને લક્ષ્મીજી એકમેકને જોવા લાગ્યા. પછી કહ્યું, ‘અમે આ કામ હાથમાં ન લઈ શકીએ. આજે જયકિશનજી નથી, શંકરજી એકલા છે. તેમના હિસ્સાનું કામ ન લેવાય.’
મુકેશજી કહે, ‘રાજજીએ સમજી વિચારીને નિર્ણય કર્યો છે. શંકરજીનું કામ છીનવીને આ ફિલ્મ નથી લેવાની. રાજજી શંકરજીને બીજી ફિલ્મ આપવાના છે.’ અમે કહ્યું, ‘એમ વાત છે? તો પછી અમે કામ કરીશું. શંકર જયકિશન અમારા જ છે.’
‘અમારું પહેલું સિટિંગ હતું ત્યારે આનંદ બક્ષી સાથે ‘હમ તુમ એક કમરે મેં બંદ હો’ની ધૂન બનાવીને તેમને મળવા ગયા હતા. અમને એમ કે ‘બૉબી’ છોકરાનું નામ હશે પણ તેમને મળ્યા બાદ ખબર પડી કે એ તો હિરોઇનનું નામ છે. બક્ષીસાહેબે શબ્દોમાં અને અમે ધૂનમાં થોડા ફેરફાર કર્યા. ધૂન સાંભળતાં જ તેમણે પાસ કરી. અમને સોનાની ગિની શુકનમાં આપી. અમે રાજસા’બનાં ગીતો માટે એક જ ધૂન બનાવતા અને એ જ તેમને પસંદ આવતી. તેમની પાર્ટીઓ મશહૂર હતી. લક્ષ્મીજી તો બાર વાગે એ પહેલાં જ નીકળી જતા. હું વહેલી સવાર સુધી તેમની સાથે રહેતો.
‘રાજસા’બનું સંગીતનું જ્ઞાન બહોળું હતું. પોતે તબલાં વગાડે, હાર્મોનિયમ વગાડે, ડફ વગાડે. અમે ગીત વિશે ચર્ચા કરીએ ત્યારે સંગીતની અનેક પૂરક માહિતીઓ આપે, સૂચનો કરે. ‘સત્યમ શિવમ સુંદરમ’ના ‘ભોર ભયે પનઘટ પર’ના અંતરામાં એક મ્યુઝિકલ પીસ છે એ તેમનો છે. અમે તેમની ફિલ્મોમાં શંકર જયકિશન જેવું એમ છતાં અલગ પ્રકારનું સંગીત આપ્યું. તે કહેતાં, તમે શંકર જયકિશનની યાદો તાજી કરી દીધી.’
પ્યારેલાલજી, પત્ની સુનીલા અને પુત્ર ગૌતમ સાથે મેં અને ભારતીએ અનેક સાંજો ગાળી છે. મારી જેમ પ્યારેલાલજી મીઠાઈના અને ફરસાણના શોખીન એટલે ઘાટકોપરની ફેમસ વાનગીઓ ખાતાં, અલકમલકની વાતો અને મજાકમસ્તી કરતાં એ સાંજોનાં સંભારણાં જીવનનું યાદગાર ભાતું છે.


