Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : હૉલીવુડમાં વિજય સેતુપતિની મહારાજાની બનશે રીમેક

Entertainment Update : હૉલીવુડમાં વિજય સેતુપતિની મહારાજાની બનશે રીમેક

Published : 17 September, 2026 06:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય સેતુપતિની ફિલ્મ ‘મહારાજા’ની હૉલીવુડ રીમેક બનાવવાની તૈયારી ચાલી રહી છે. મેકર્સે સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે ‘મહારાજા’ મોટી હૉલીવુડ સ્ટુડિયો દ્વારા રીમેક થનારી પહેલી તામિલ ફિલ્મ બનશે.

હૉલીવુડમાં વિજય સેતુપતિની મહારાજાની બનશે રીમેક

હૉલીવુડમાં વિજય સેતુપતિની મહારાજાની બનશે રીમેક


સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની બે વર્ષ પહેલાં આવેલી ‘મહારાજા’ની રીમેક બનાવવાનું હૉલીવુડમાં પ્લાનિંગ ચાલી રહ્યું છે. 
‘મહારાજા’ના મેકર્સે સોશ્યલ મીડિયા પર ફિલ્મની હૉલીવુડ રીમેકને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આ એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. આમ ‘મહારાજા’ એવી પ્રથમ તામિલ ફિલ્મ બનશે જેનું નિર્માણ હૉલીવુડના એક મોટા સ્ટુડિયો દ્વારા કરવામાં આવશે.

સેન્સર બોર્ડમાં પંકજ ​ત્રિપાઠી, સુનીલ શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા, મનોજ જોશી, રૂપાલી ગાંગુલી, પલ્લવી જોશીની એન્ટ્રી



ભારત સરકારે પુનર્ગઠન કરીને નવા ૧૮ સભ્યોની નિમણૂક કરી


ભારત સરકારે બુધવારે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નું પુનર્ગઠન કર્યું છે. નવી વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. નવા બોર્ડમાં ફિલ્મઉદ્યોગ, સંગીત, સાહિત્ય અને કલાજગત સાથે જોડાયેલા અનેક જાણીતા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
નવા CBFC બોર્ડમાં કુલ ૧૮ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે જેમાં પંકજ ત્રિપાઠી, સુનીલ શેટ્ટી, મનોજ જોશી, પ્રોસેનજિત ચૅટરજી, પ્રીતિ ઝિન્ટા, રૂપાલી ગાંગુલી, પલ્લવી જોશી, પ્રિયદર્શન તેમ જ અભિષેક જૈન જેવી જાણીતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 
નવા બોર્ડમાં સિનેમા ઉપરાંત સંગીત, સાહિત્ય અને વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. CBFCનું મુખ્ય કાર્ય ફિલ્મોને જાહેર પ્રદર્શન માટે પ્રમાણપત્ર આપવાનું છે અને એના નિર્ણયો ફિલ્મોની રિલીઝ પર સીધી અસર કરે છે. નવા બોર્ડની રચના બાદ આ ૧૮ સભ્યો સેન્સર-સંબંધિત મહત્ત્વના નિર્ણયોમાં ભાગ લેશે. નવા સભ્યોનો કાર્યકાળ વધુમાં વધુ ત્રણ વર્ષનો રહેશે.

કન્નડા સિનેમાના દિગ્ગજ કલાકાર અનંત નાગને મળશે દાદાસાહેબ ફાળકે અવૉર્ડ


ભારતીય સિનેમાના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા દાદાસાહેબ ફાળકે અવૉર્ડની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે કન્નડા સિનેમાના દિગ્ગજ કલાકાર અનંત નાગને ભારતીય ફિલ્મઉદ્યોગમાં તેમના બહુમૂલ્ય પ્રદાન અને પેઢીઓને પ્રેરણા આપતી ભવ્ય સિનેમૅટિક સફર બદલ આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવશે. દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. અનંત નાગને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર બાવીસ સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયા ખાતે યોજાનારા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમ્યાન એનાયત કરવામાં આવશે.
અનંત નાગને આ સર્વોચ્ચ સન્માન મળવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર વિશેષ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે લખ્યું હતું કે ‘અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન. છેલ્લા ઘણા દાયકાઓથી તેમના સહજ અભિનય, અસાધારણ વૈવિધ્ય અને તેજસ્વી કલાકારીએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડા ફિલ્મઉદ્યોગ પર ઊંડી છાપ છોડી છે. તેમણે ભજવેલા દરેક પાત્રમાં અદ્ભુત ઊંડાણ અને પ્રામાણિકતા લાવી આપી છે. એક સાચા પ્રતિષ્ઠિત કલાકાર માટે આ ખરેખર સર્વોચ્ચ અને યોગ્ય સન્માન છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 06:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK