ફારાહ અલી ખાને દિવંગત મમ્મી ઝરીન ખાનને માનવતાનું જીવતું ઉદાહરણ ગણાવ્યું
ફારાહ અલી ખાન
સંજય ખાનનાં પત્ની ઝરીન ખાનનું શુક્રવારે અવસાન થયું હતું અને હવે મમ્મીના અવસાનના એક દિવસ બાદ તેમની દીકરી ફારાહ અલી ખાને સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ નોટ શૅર કરી છે જેમાં તેણે પોતાની મમ્મીને દયા, ગૌરવ અને માનવતાનું પ્રતીક ગણાવી છે.
ફારાહે પોતાની માતાનો એક સુંદર ફોટો શૅર કરીને લખ્યું છે, ‘મારી મમ્મી ઝરીન ખાન એક ખૂબ જ ખાસ સ્ત્રી હતી. તેમનું જીવનદર્શન હતું ‘ફર્ગેટ ઍન્ડ ફર્ગિવ’. તેઓ અત્યંત દયાળુ હતાં. તેઓ પોતાના મિત્રો અને પરિવારનાં પ્રિય હતાં અને પોતાના આસપાસના દરેક માણસની ખરા અર્થમાં ચિંતા કરતાં હતાં.’
ADVERTISEMENT
ફારાહે પોતાની નોંધમાં લખ્યું, ‘તેમનો જન્મ પારસી તરીકે થયો, તેમણે મુસ્લિમ સાથે લગ્ન કર્યાં અને તેમના અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ-રિવાજો અનુસાર થયા. તેઓ માનવતાનું જીવતું ઉદાહરણ હતાં. તેમનો વારસો અમારા જીવનનો હિસ્સો રહેશે. તેઓ અમારા પરિવારને જોડનારું બંધન હતાં અને અમારી ઇચ્છા તેમના વારસાને જીવંત રાખવાની છે.’


