ઝીનતે પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘ધ ગ્રેટ ગૅમ્બલર’નું ‘દો લફ્ઝોં...’ ગીત ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું
ઝીનત અમાન
ઝીનત અમાને હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ‘ધ ગ્રેટ ગૅમ્બલર’ ફિલ્મના ગીત ‘ઓ દીવાનો દિલ સંભાલો’ની એક વિડિયો-ક્લિપ શૅર કરીને એને પોતાનું ફેવરિટ ગીત ગણાવીને પોતાની યાદગીરી શૅર કરી છે.
ઝીનતે પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘‘ધ ગ્રેટ ગૅમ્બલર’નું ‘દો લફ્ઝોં...’ ગીત ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું છતાં ‘ઓ દીવાનો દિલ સંભાલો’ મારું પર્સનલ ફેવરિટ ગીત છે. આ ગીતમાં સામાન્ય રોમૅન્ટિક ડ્રામા નથી, પરંતુ એક એવી મહિલાનો આત્મવિશ્વાસ અને અંદાજ દેખાય છે જેને ખબર છે કે તે કેટલી આકર્ષક છે. આ ગીતના શૂટિંગ દરમ્યાન મેં ૩ અલગ-અલગ આઉટફિટ પહેર્યાં હતાં. એમાં ગોલ્ડન ટ્રૅક-પૅન્ટવાળું ચમકદાર આઉટફિટ મને સૌથી વધુ મજેદાર લાગ્યું હતું. આ ડ્રેસ થોડો અલગ અને થોડો ‘ઓવર ધ ટૉપ’ હતો. એની સાથે હેર-ટીમે મને નાની ‘પેજબૉય’ સ્ટાઇલની વિગ પણ પહેરાવી હતી. ડાન્સમાસ્ટરે કોરિયોગ્રાફીમાં કેટલીક હાઈ કિક્સ પણ ઉમેરી હતી જે ગીતને વધુ સ્ટાઇલિશ બનાવતી હતી. મને એ સમયની ઘણી અભિનેત્રીઓની જેમ ક્યારેય ઔપચારિક ડાન્સ-ટ્રેઇનિંગ મળી નહોતી. એથી હું મારી જાતને સારી ડાન્સર માનતી નહોતી. મને ડાન્સ આવડતો હતો, પણ મુશ્કેલ કૉરિયોગ્રાફી શીખવી મારા માટે સરળ નહોતી. ’
