Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જે માણસ જીવનને હળવાશથી લે તે કૉમેડી કરી શકે

જે માણસ જીવનને હળવાશથી લે તે કૉમેડી કરી શકે

Published : 03 January, 2026 07:34 PM | Modified : 03 January, 2026 08:28 PM | IST | Baroda
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ગુજરાતી સ્ટૅન્ડ-અપ કૉમેડીની દુનિયાની શરૂઆત કરનારા અમુક ખાસ લોકોમાંનું એક નામ એટલે ચિરાયુ મિસ્ત્રી. દેશ અને દુનિયાના અલગ-અલગ ખૂણે જઈ-જઈને ગુજરાતી કૉમેડીના ૬૦૦થી ઉપર શોઝ કર્યા છે એટલું જ નહીં, તેઓ લેખક પણ છે.

ચિરાયુ મિસ્ત્રી

ચિરાયુ મિસ્ત્રી


ગુજરાતી સ્ટૅન્ડ-અપ કૉમેડીની દુનિયાની શરૂઆત કરનારા અમુક ખાસ લોકોમાંનું એક નામ એટલે ચિરાયુ મિસ્ત્રી. દેશ અને દુનિયાના અલગ-અલગ ખૂણે જઈ-જઈને ગુજરાતી કૉમેડીના ૬૦૦થી ઉપર શોઝ કર્યા છે એટલું જ નહીં, તેઓ લેખક પણ છે. ગુજરાતી ફિલ્મ ‘બચુભાઈ’ની સાથે-સાથે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘થામા’માં ઍડિશનલ ડાયલૉગ-રાઇટર તરીકે તેમણે કામ કર્યું છે. આજે જાણીએ કૉમેડીની દુનિયાની આ જાણીતી વ્યક્તિના જીવનના કેટલાક મજેદાર કિસ્સા અને કેટલુંક ખાસ જાણવા જેવું.

૨૦૧૭ની વાત છે. ગુજરાતી સ્ટૅન્ડ-અપ કૉમેડિયન ચિરાયુ મિસ્ત્રી પોતાના પહેલા ઇન્ટરનૅશનલ શો માટે દુબઈ પહોંચ્યા હતા. ત્યાં બ્લૅક બૉક્સમાં તેમનો શો હતો, પણ જઈને ખબર પડી કે ૭૦ ટિકિટો જ વેચાઈ છે. એક દિવસમાં ૭૦ના ૮૦ થઈ શકે એમ હતા, ૧૫૦ તો થવાના નહોતા. કોઈ પણ આંકડો પહેલા આંતરરાષ્ટ્રીય શોનો ઉત્સાહ ઓછો કરી શકે એમ નહોતો. આ શોમાં અડધો કલાક મનન દેસાઈ અને અડધો કલાક ચિરાયુ મિસ્ત્રી પર્ફોર્મ કરવાના હતા. શો સારો જ રહ્યો. લોકોને ખૂબ મજા પડી. મનન દેસાઈનો એ સમયે મુંબઈમાં એક શો હતો એટલે પ્રોગ્રામ પતાવી તેઓ પાછા કરી ગયા, પરંતુ ચિરાયુનો પ્લાન હતો એક દિવસ દુબઈ રોકાઈ ત્યાં ફરીને પાછા આવવાનો. પહેલો આંતરરાષ્ટ્રીય શો સારો જવાનો જોશ ઘણો હતો. ચિરાયુએ ત્યાંથી એક ટૅક્સી કરીને એક દિવસ મસ્ત અબુ ધાબી ફરવાનો પ્લાન બનાવ્યો. ટૅક્સી-ડ્રાઇવર પાકિસ્તાની હતો. મજાનો માણસ હતો. દુબઈમાં ઘણા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન આવે છે એની વાત કરતાં-કરતાં તેઓ ફર્યા. સમય ઓછો હતો છતાં ફરારી વર્લ્ડમાં ૨૪૫ દિરહામ એટલે કે ૬૦૦૦ રૂપિયાની ટિકિટ લઈને ૨-૪ રાઇડની મજા લઈ લીધી. ત્યાંથી ખરીદી કરી, ખાધું-પીધું, મજા કરી. શોખ આપણા બધા રાજા જેવા, પણ પરિસ્થિતિ કેવી પલટાય એ જોવાનું છે. હરી-ફરીને દુબઈ પાછા આવ્યા ત્યારે ટૅક્સીવાળાને પૂછ્યું કે કેટલા રૂપિયા થયા? તેણે કહ્યું કે જેટલા આપવા હોય એટલા આપી દો. ચિરાયુ એ સમયે કાર્ડ લઈને ટ્રાવેલ કરતા નહોતા. ઘરેથી ૧૫૦૦ દિરહામ લઈને નીકળેલા. તેમણે શાનથી ૬૦૦ દિરહામ કાઢીને ટૅક્સીવાળાને આપ્યા તો તે તરત વીફર્યો. તેણે કહ્યું, સર, ૧૦૦૦ તો દેના હી પડેગા. એ સમયે એક પાકિસ્તાની માણસથી લૂંટાઈ જવાનું દુઃખ લઈને ચિરાયુ તેમની ફોર સ્ટાર હોટેલ પહોંચ્યા. ગજવામાં નાના-મોટા ખર્ચા છોડીને ૧૪૦ દિરહામ બચેલા હતા, જેમાંથી ૫૦ દિરહામ તો ઍરપોર્ટ સુધી જવા માટે બચાવવાના જ હતા નહીંતર તે કોઈ કાળે ઘરે નહોતા પહોંચી શકવાના. પણ દુબઈ આવો અને બુર્જ ખલીફા ન જુઓ એ કેમ ચાલે? એ તો જોવા જવું જ છે એમ વિચારીને હોટેલથી પગપાળા બુર્જ ખલીફાની યાત્રા કરવી જરૂરી હતી. ત્યાં ૫૦ દિરહામની ટિકિટ ખર્ચી અને દુબઈ યાત્રા સફળ થયાનું આશ્વાસન મેળવી લીધું. એટલું ઓછું હોય એમ મમ્મી-પપ્પાનો ફોન આવ્યો કે બેટા, પહેલી વાર ઇન્ટરનૅશનલ ટૂર કરી છે તો તારા નાના ભાઈ (કઝિન) માટે એક ટી-શર્ટ લેતો આવજે, તે ખુશ થશે. તો જમવાના જે રૂપિયા બચાવેલા એમાંથી ભાઈ માટે એક ટી-શર્ટ લઈ લીધું. એ દિવસને યાદ કરતાં ચિરાયુ કહે છે, ‘એક સુપરમાર્કેટથી ફ્લેવર્ડ મિલ્કની એક બૉટલ અને ચિપ્સનું એક પૅકેટ લઈને હું મારી ફોર સ્ટાર હોટેલના રૂમમાં બેઠો હતો. ઍરપોર્ટ પર મારી બૅગ ફાટી ગયેલી, જેને સોય-દોરાથી સાંધવામાં લાગેલો. આ મારી શરૂઆત હતી જે ભુલાવવી હોય તો પણ ભુલાય એમ નથી. એ પછી અઢળક ઇન્ટરનૅશનલ ટૂર કરી. USA, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, UK, આયરલૅન્ડ, જર્મની, ફ્રાન્સ, નેધરલૅન્ડ્સ, સિંગાપોર, UAE, થાઇલૅન્ડ જેવા દેશોમાં શોઝ કર્યા છે. વર્ષના ચાર મહિના મારા આ ટૂર્સમાં જ નીકળે છે. દરેક જગ્યાએ કમાણી તો કરીએ જ છીએ પણ રાજાશાહી શોખ હજી પણ અકબંધ છે. ૨૫-૩૦ હજારની બ્રૉડવે થિયેટરની ટિકિટ પણ હોંશે-હોશે ખરીદી લઈએ છીએ. જે ફરવાનું હોય એ બધું જોઈ જ લઈએ છીએ. માણવાનું હોય એ માણી લઈએ છીએ.’

કારકિર્દી 
ગુજરાતમાં હાસ્યકલાકારો પહેલેથી જ હતા પરંતુ સ્ટૅન્ડ-અપ કૉમેડીનું જે નવું ફૉર્મેટ છે એ ગુજરાતમાં થોડાં વર્ષોથી પૉપ્યુલર થવાની શરૂઆત થઈ છે. આ ગુજરાતી સ્ટૅન્ડ-અપ કૉમેડીની દુનિયાની શરૂઆત કરનારા અમુક ખાસ લોકોમાંનું એક નામ એટલે ચિરાયુ મિસ્ત્રી. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ સ્ટૅન્ડ-અપ કૉમેડી કરે છે અને આજ સુધીમાં અંદાજે ૬૦૦ જેટલા સ્ટૅન્ડ-અપ શોઝ તેઓ દેશ અને દુનિયામાં કરી ચૂક્યા છે. ૨૦૨૩માં ‘મિસ્ત્રી સૉલ્વ્ડ’ નામે તેમનો એક સોલો કૉમેડી શો ઘણો પૉપ્યુલર બન્યો હતો જે તેમનો પહેલો સોલો ટિકિટ-શો હતો જેમાં ખુદના દમ પર તેમણે ભારતમાં ૧૨ હજાર અને વિદેશમાં ૧૦ હાજર ટિકિટો વેચી. ‘કૉમેડી ફૅક્ટરી’ એક કંપની છે એટલે કે એક પ્રોડક્શન હાઉસ છે અને તેમની યુટ્યુબ ચૅનલ પણ છે. એ કંપનીના ઑફિશ્યલ સાઉન્ડ-આર્ટિસ્ટ ચિરાયુ મિસ્ત્રી છે. ચિરાયુએ ૨૦૨૪-’૨૫માં ૧૨ દેશોમાં મનન દેસાઈ, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ‘ધ લવારી શો’ના ૧૧૦ શો પર્ફોર્મ કર્યા છે. ચિરાયુનો શો મિસ્ત્રી સૉલ્વ્ડ ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં તેમણે કર્યો છે અને આવું કરનાર તે એકમાત્ર હાસ્યકલાકાર છે. ૨૦૧૭માં તેમણે ‘જોશ ટૉક્સ’માં ટૉક આપેલી જે ઘણી વાઇરલ થયેલી. એક સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સિવાય તેઓ રાઇટર પણ છે. ૨૦૧૭માં ‘ચોર બની થનગાટ કરે’ નામની ગુજરાતી ફિલ્મમાં તેમણે અમુક ડાયલૉગ લખ્યા હતા. કૉમેડી શોઝ, ટીવી-શો, ડિજિટલ પ્લૅટફૉર્મ માટે કન્ટેન્ટ, ઍડ્સ, ગિગ્સ, ફિલ્મ્સનું લેખનકાર્ય પણ તેઓ કરે છે. ‘મનનની થેરપી’ વેબ-શો માટે તેમણે લખ્યું. ૨૦૨૪માં સોની ટીવી પર ‘આપકા અપના ઝાકિર’માં પણ એક લેખક તરીકે તેમણે કામ કર્યું. GIFA અવૉર્ડ ૨૦૨૩માં ‘બચુભાઈ’ ફિલ્મ માટે મનન દેસાઈ અને ઓમ ભટ્ટ સાથે કો-રાઇટર તરીકે ચિરાયુ મિસ્ત્રીને બેસ્ટ સ્ટોરી ઑફ ધ યરનો અવૉર્ડ મળેલો. તેમની બીજી ગુજરાતી ફિલ્મ પર કામ ચાલુ છે. આ વર્ષે રિલીઝ થયેલી આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’માં તેમણે ઍડિશનલ ડાયલૉગ-રાઇટર તરીકે કામ કર્યું છે. આ સિવાય ઘણી ગુજરાતી ફિલ્મ્સ જેમ કે ‘ચોર બની થનગાટ કરે’, ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’ અને ‘વિકીડાનો વરઘોડો’માં તેમણે ઍક્ટર તરીકે કામ કર્યું છે. કારકિર્દી વિશે વાત કરતાં ચિરાયુ મિસ્ત્રી કહે છે, “હું ખરેખર આભારી છું કે મનન દેસાઈ અને કૉમેડી ફૅક્ટરી સાથે હું જોડાયો. એ લોકો થકી મને સાચી દિશા મળી અને મારું કામ ઘણું સરળ બન્યું.’

નાનપણ 
ચિરાયુ મિસ્ત્રી વડોદરામાં રહે છે. તેમનો જન્મ મમ્મીના પિયર સુરતમાં થયો હતો અને એ પછી પપ્પાનું કામ ફરીદાબાદમાં હતું એટલે તેમનું નાનપણ ત્યાં વીત્યું. એ પછી ત્રીજા ધોરણથી તેઓ વડોદરા સ્થાયી થયા. એ દિવસો વિશેની વાત કરતાં ચિરાયુ કહે છે, ‘હું દિલ્હીમાં CBSEમાં ભણતો અને વડોદરા આવીને ગુજરાત બોર્ડમાં ઍડ્‌મિશન લીધું. એ મારા માટે ખૂબ અઘરું હતું. ફરીદાબાદમાં હું ફક્ત ગુજરાતી બોલતો હતો, પણ મને ગુજરાતી લખતાં-વાંચતાં મમ્મીએ શીખવ્યું. આમ તો એ ઉંમરનું તો મને એટલું જ યાદ છે કે ચકડોળ પર બેસીને હું ખૂબ ઊલટીઓ કરતો. ભણવામાં મને પહેલેથી રસ હતો. ક્લાસમાં ૧-૧૫ બાળકોમાં ફરતું-ફરતું મારું નામ આવી જતું. માર્ક્સ સારા આવ્યા એટલે સાયન્સ લઈ લીધું પણ ૧૧-૧૨મા ધોરણમાં જોઈએ એવા માર્ક્સ આવ્યા નહીં. એ પછી મેકૅનિકલ એન્જિનિયરિંગ ભણ્યો. મમ્મી-પપ્પા પહેલેથી ઘણાં કૂલ હતાં પણ એ પણ એવું માનતાં કે ટીવી જોઈએ તો બાળક ભણે નહીં એટલે ઘરમાંથી કેબલ કઢાવી લીધેલું. જોકે હું તો ફ્રીમાં આવતી ચૅનલો પણ જોતો. મિત્રોને, કઝિન્સને જોક્સ સંભળાવવા મને ગમતા. ક્લાસમાં ૪૦-૫૦ જણ તમને સાંભળે અને તમે જે કહો એના પર જોરથી હસે એ વાતમાં મને મોજ પડતી, પણ એવું કંઈ ધારેલું નહીં કે આમાં કંઈ કરવું છે.’

શરૂઆત 
તો કઈ રીતે સ્ટૅન્ડ-અપ કૉમેડી તમારા જીવનમાં આવી? આ પ્રશ્નનો જવાબ આપતાં ચિરાયુ કહે છે, ‘૨૦૧૨માં હું ફેસબુક પર મનન દેસાઈને ફોલો કરતો હતો જેમાં તેઓ એ સમયે કોઈ કૅપ્શન કૉન્ટેસ્ટ રાખતા જેમાં એકમાં હું જીતી ગયેલો. એ પછી બરોડામાં કૉમેડી ફૅક્ટરીના ૨-૩ શોઝ મેં જોયેલા. એ સમયે હજી નવું-નવું શરૂ થયેલું. હું એ જોઈને ખૂબ ખુશ થયેલો. ધીમે-ધીમે એ ઇન્સ્પિરેશન બનતું ગયું. એ પછી એક વર્ષ સતત મેં મનનભાઈને મેસેજ કરેલા કે મને તમારી સાથે કામ કરવું છે. તેમણે મને ઓપન માઇક વિશે જાણકારી આપી. ૨૦૧૫માં મેં પહેલું ઓપન માઇક કર્યું.’

તો શું એ કરીને એમ લાગ્યું કે મારે આ જ કરવું છે જીવનમાં? આ પ્રશ્નનો એકદમ પ્રૅક્ટિકલ જવાબ આપતાં ચિરાયુ કહે છે, ‘આવું કોઈ રિયલાઇઝેશન મને નથી થયું. એ સમયે ઘણા સેલ્ફ- ડાઉટ હોય છે. મારાથી આ થશે કે નહીં, હું જે કરી રહ્યો છું એ ખબર નથી કેટલું ચાલે, લોકોને ગમશે કે નહીં, કામ મળશે કે નહીં, મળશે તો કેટલું મળશે આવા સવાલો સતત મગજમાં હોય છે. કામ મળતું જાય અને તમે કરતા જાઓ. રસ્તાઓ બનતા જાય. કામ ચાલુ કર્યું ત્યારે મજા આવી એટલું જ સત્ય છે; પણ આ કામ જ કરવું છે, સ્ટેજ પર જ રહેવું છે, આ જ મારું કૉલિંગ છે એવું કશું હોતું નથી. મોટા ભાગે કામ ચાલી નીકળે પછી લોકો આવા સાંભળવા ગમે એવા જવાબો આપતા હોય છે, પણ એવું હોતું નથી.’

લેખનકાર્ય 
કૉમેડી ફૅક્ટરીમાં એ પછી ધીમે-ધીમે તેઓ જોડાઈ ગયા. લેખનની શરૂઆત પણ ત્યાંથી જ થઈ એમ જણાવતાં ચિરાયુ મિસ્ત્રી કહે છે, ‘આ જગ્યાએ બધાએ પોતપોતાનાં કામ વહેંચી લીધેલાં જેમાં મેં લેખનનું કામ હાથમાં લીધું હતું. મેં સ્વિગી, ટિન્ડર, ક્રોમા, સ્પ્રાઇટ, ફૉર્ચ્યુન જેવી બ્રૅન્ડ માટે પણ લખ્યું છે. ભાવનગરની એક સમાજસેવી સંસ્થા માટે ટૉઇલેટના વપરાશ પર જાહેરાતો બનાવી હતી એટલે ગ્રાઉન્ડ લેવલ પર બદલાવ લાવવાનું કામ પણ કર્યું છે. ‘કાલા ચશ્મા’નું ગુજરાતી વર્ઝન લખવાનો ચાન્સ મળ્યો, જે ગજબ વાઇરલ થયું. એ પછી ગુજરાતી ફિલ્મ ‘બચુભાઈ’ લખી. મનનભાઈને કારણે હું ૨૦૨૧માં નિરેનભાઈ (લેખક નિરેન ભટ્ટ)ને મળ્યો. તેમને ખબર હતી કે હું શું-શું લખું છું એટલે તેમણે મને કહ્યું કે એક ફિલ્મ પર તેઓ કામ કરી રહ્યા છે એમાં કો-રાઇટર તરીકે તું કામ કરીશ? એ ફિલ્મ હજી બની નથી પણ એ કામ નિરેનભાઈને ગમી ગયું હતું. એ પછી એક દિવસ પ્રતીક ગાંધીના ઘરે એક પાર્ટીમાં તેઓ મળી ગયા. એ સમયે ‘સ્ત્રી 2’ રિલીઝ થઈ હતી અને મેં તેમને કહ્યું કે નિરેનભાઈ, ગાભા કાઢી નાખ્યા. તેમણે કહ્યું કે અમે આખું એક યુનિવર્સ બનાવી રહ્યા છીએ, એને લગતી બીજી ફિલ્મો આવશે, તને કામ કરવું હોય તો કહેજે. મારા માટે તો આટલું જ પૂરતું હતું. એક વસ્તુમાં મેં મહારત હાંસલ કરી છે, એ છે ફૉલો-અપમાં. મનનભાઈને પણ ફૉલો-અપ કરી-કરીને મેં કામ માગેલું. નિરેનભાઈને પણ દર ૧૦-૧૫ દિવસે એક મેસેજ નાખતો. શું થયું એ પ્રોજેક્ટનું? કોઈ અપડેટ? આપણે વ્યક્તિને ડિસ્ટર્બ ન કરીએ પણ તેને ભૂલવા પણ ન દઈએ. હું છું અહીં એ યાદ દેવડાવતા રહીએ. એમાં આપણને શરમ નહીં. ફાઇનલી ફિલ્મ બની. હિન્દી ફિલ્મમાં મોટા પડદે નોરા ફતેહી પછીનું ચોથા નંબરે મારું નામ હતું એટલે એટલું કામ તો આપણે કરેલું, પણ સાચું કહું તો ૨૦૧૫માં મેં કૉમેડી શરૂ કરેલી. ૨૦૧૭માં કૉમેડીમાં મારી જે આવડત બનેલી એટલી જ આવડત હજી લેખનમાં મારી છે. હું શીખી રહ્યો છું. પ્રયાસ ચાલુ છે.’

હાસ્ય 
ચિરાયુ કૉમેડીને લખે પણ છે અને ભજવે પણ. કોણ વ્યક્તિ કૉમેડી કરી શકે એ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, ‘આવું બધું મને ખબર નથી. મને એ કરતાં અાવડે છે પણ સમજાવતા નહીં. તો પણ પ્રયત્ન કરું તો એમ કહી શકું કે જે માણસ જીવનને હળવાશથી લે તે કૉમેડી કરી શકે. જીવન ઘણું ભારે-ભરખમ છે પણ એમાં પણ હળવા રહીએ તો એમાંથી હાસ્ય જન્મે. બાકી માણસ ક્યારે અને કયા સંજોગોમાં હસી શકે એ ખૂબ સબ્જેક્ટિવ છે. તમે ગમે તેટલું લખો પણ બધાને ખુશ ન કરી શકો. ક્રાઉડમાં અમુક લોકો તો એવા હોવાના જ કે જે પ્રોગ્રામ પતી જાય પછી DM કરશે કે આમાં મજા ન આવી. તમે વિચારો કે આખું થિયેટર તો ખડખડાટ હસતું હતું, મને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું અને આ કેમ આવું કહે છે? પણ ત્યારે એ સમજણ જન્મે કે તમે દુનિયામાં બધાને ખુશ નથી કરી શકતા. એટલે જ દરેક વ્યક્તિને તમે હસાવી શકો એવું નથી. આમ જે ખુશ ન થયું એની જવાબદારી હું ન લઈ શકું. લાફ્ટર એ બીજું કંઈ નહીં, ખુદનું રિફ્લેક્શન છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2026 08:28 PM IST | Baroda | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK