મ્યુઝિક કમ્પોઝર પાર્થ ઠક્કરે આગળ કહ્યું “હું કોઈપણ લોકગીતને રિક્રિએટ કરવામાં એક શરત મૂકું છું. જેમાં જો હું કોઈ મ્યુઝિક રિક્રિએટ કરું છું તો તેમાં મારા પોતાના કમ્પોઝિશનને ઉમેરીશ અને તેમાં મારા મ્યુઝિક સાથે ગીતમાં કેટલાક બોલ પણ મારા હશે.
ગુજરાતી લોકગીતોને રિક્રિએટ કરવાનો પ્રયોગ થઈ રહ્યો છે સફળ
ભારતની વૈવિધ્યભર સંસ્કૃતિમાં લોકકલાઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. નવરાત્રી ટાણી ગુજરાતની લોકકલાની ચર્ચા ન કરીએ તો ન ચાલે. ગુજરાતી લોકગીતો અજર-અમર રહ્યા છે, તે ગરબા રૂપે હોય કે પ્રશસ્તિ કાવ્યો હોય કે પ્રભાતીયાં હોય. એક સમય હતો જ્યારે લોકગાયકોને એમ લાગતું કે લોકગીતો ક્યાંક ખોવાઇ જશે તો શું થશે. પરંતુ ડિજીટલ સૅવી નવી પેઢીને પોતાના સંગીતમાં, પોતાની કલાઓમાં, પોતાની ભાષામાં ઉંડો રસ છે એટલે એ ચિંતા હવે અસ્થાને છે. વળી ગુજરાતી ફિલ્મોનો જે દોર ચાલુ થયો છે તેમાં ગુજરાતી લોકગીતોના પ્રસારને એક નવો મંચ મળ્યો છે અને નવો આયામ પણ.
ADVERTISEMENT
આજે પણ આ લોકગીતોની ધૂન સંભળાય તો પગ થનગની ઊઠે છે. હવે આ લોકગીતોને એક નવી ઓળખ મળી રહી છે અને જેનું શ્રેય નવી પેઢીને પણ આપવું રહ્યું. એ જેમણે આ ગીતોને ગુંજતા કર્યા, વધુ લોકો સુધી પહોંચાડ્યા અને એ પણ જેઓ આ ગીતોના તાલે ઝૂમી ઉઠી છે. છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતી ફિલ્મોમાં વિવિધ લોકગીતોની કેટલીક લાઇન્સને આધુનિક મ્યુઝિક અને રૅપ સાથે મિક્સ કરી તેને રિમેક કરવાનો કે રિક્રિએટ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ઢોલિવૂડ ફિલ્મોમાં છેલ્લા અનેક સમયથી આ ટ્રેન્ડ વિસ્તર્યો અને સફળ થઈ રહ્યો છે. આવા ગીતોની યાદી તો ઘણી લાંબી છે.
છેલ્લા એક વર્ષમાં ફિલ્મ ‘હાહાકાર’નું ગીત‘મધરો દરૂડો’હોય, તાજેતરમાં રિલીઝ થયેલું આરોહી પટેલ અને તત્સત મુનશીનું ગીત ‘સનેડો’ હોય કે પછી આવનારી ફિલ્મ ‘ચણીયા ટોળી’નું ‘પાંજરામાં પોપટ બોલે’ જેવા ગીતોએ રિલીઝ થયાની સાથે જ ધૂમ મચાવી છે અને લોકોમાં મનમાં જૂની યાદોને ફરી તાજી કરી છે. કેટલાક માટે આ જૂનું છે જે નવા વાઘા સાથે આવ્યું છે તો એક પેઢી માટે આ નવું છે અને પછી તેઓ તેનું મૂળ પણ શોધી કાઢે છે. આ ગીતોમાં એક બાબત નોંધવા જેવી છે કે આ ત્રણેય ગીતો મૂળ લોકગાયક મણિરાજ બારોટના છે. ગુજરાતી ફિલ્મોમાં આ લોકગીતોને મોડર્ન ટચ આપાવામાં આવે છે તે અંગે ‘મધરો દરૂડો’ અને ‘સનેડો’ના મ્યુઝિક કમ્પોઝર પાર્થ ભરત ઠક્કર સાથે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ વાત કરી હતી.
ગુજરાતી લોકગીતોને ફિલ્મોમાં રિક્રિએટ કરવાના ટ્રેન્ડ વિશે વાત કરતાં પાર્થ ઠક્કરે જણાવ્યું કે આ પહેલા પણ અનેક વખત લોકગીતોને રિક્રિએટ કરવામાં આવ્યા હતા. ગુજરાતી લોકગીતોના અમૂલ્ય વારસા એવા આ લોકગીતોને રિક્રિએટ કરવું તે ખૂબ મોટી જવાબદારીનું કામ હોય છે. પાર્થે કહ્યું “આપણાં પહેલાની પેઢીએ જે ગીતો કે સંગીત સાંભળ્યાં હોય તે હવે આજની જનરેશન સુધી પહોંચે એટલે તેમને ગમે તેવું ગીત બનાવવું તે જરૂરી છે.”
રિક્રિએટ કરવા અંગે પાર્થ મૂકે છે શરત
મ્યુઝિક કમ્પોઝર પાર્થ ઠક્કરે આગળ કહ્યું “હું કોઈપણ લોકગીતને રિક્રિએટ કરવામાં એક શરત મૂકું છું. જેમાં જો હું કોઈ મ્યુઝિક રિક્રિએટ કરું છું તો તેમાં મારા પોતાના કમ્પોઝિશનને ઉમેરીશ અને તેમાં મારા મ્યુઝિક સાથે ગીતમાં કેટલાક બોલ પણ મારા હશે. ‘રંગ મોરલા’ હોય કે પછી ‘મધરો દરૂડો’ જે પણ ગીતો મેં રિક્રિએટ કર્યા છે તેમાં કોઈને કોઈ સારા બદલાવ કર્યા જ છે.”
ઓઢણી ઓઢું રિક્રિએટ કરવાની ના પાડી
‘ગુજ્જુભાઈ: મોસ્ટ વૉન્ટેડ’ આ ફિલ્મમાં પાર્થે મ્યુઝિક આપ્યું છે. જોકે ફિલ્મમાં પ્રખ્યાત લોકગીત ‘ઓઢણી ઓઢું’ તેને કમ્પોઝ કરવાની પાર્થે ના પાડી દીધી હતી. પાર્થે ફિલ્મના ડિરેક્ટર ઇશાન રાંદેરિયાને કહ્યું કે પોતે આ ગીતમાં કંઇ નવું ઉમેરી નહીં શકે.
“લોકગીતોનું મૂલ્ય થાય તે બહુ જરૂરી છે. અત્યારના યૂથને આ ગીતોથી પરિચય કરાવવો હોય તો કોઈ નવા ગીતોમાં લોકગીતની કેટલીક લીટીઓ ઉમેરવામાં કોઈ ખોટું નથી. જોકે ફક્ત બળજબરી કોઈ બોલને તેમાં ઉમેરી તેને બગાડી દેવું તે તો ખોટું છે એને એમ કરીને તમે આ ગીત જેણે પહેલા બનાવ્યું હતું તેનું કામ ખરાબ કરી રહ્યા છો,” પાર્થે કહ્યું. તેમણે આગળ ઉમેર્યું કે “ `જીજા સાલા જીજા’ આ ફિલ્મનું ‘હોકાલિયો’ આ ગીતને રિક્રિએટ કરવાનો અનુભવ ખાસ અને નવો હતો.”
આગામી સમયમાં પણ ચારથી પાંચ એવા લોકગીતોને રિક્રિએટ કરવાના પ્રોજેકટ પર પાર્થ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે “જે પણ લોકગીતોને આપણે રિક્રિએટ કરી રહ્યા છે તેના ગાયકના પણ આપણને આશીર્વાદ મળવા જરૂરી છે."

