Kundaalu Trailer Launch: ગુજરાતી ફિલ્મ જગતમાં નવી ઉમંગ જગાવતી ફિલ્મ ‘કુંડાળુ`નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક રોહિત પ્રજાપતિ છે, જેમણે સામાજિક વાસ્તવિકતાને એક અનોખા દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
`કુંડાળુ` ફિલ્મ પોસ્ટર
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મ જગતમાં નવી ઉમંગ જગાવતી ફિલ્મ ‘કુંડાળુ` (Kundaalu) નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક રોહિત પ્રજાપતિ (Rohit Prajapati) છે, જેમણે સામાજિક વાસ્તવિકતાને એક અનોખા દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મનો ટ્રેલર જોતાં સ્પષ્ટ થાય છે કે ‘કુંડાળુ’ માત્ર એક વાર્તા નથી, પરંતુ માનવ જીવનના સંઘર્ષ, આશા અને અટલ નિશ્ચયની વાર્તા છે.
ટ્રેલર ધીમે ધીમે એક ગામની શાંતિપૂર્ણ પૃષ્ઠભૂમિથી શરૂ થાય છે, જ્યાં જીવનની કઠોર પરિસ્થિતિઓ વચ્ચે માનવ લાગણીઓ અને સંવેદનાઓ સ્પષ્ટપણે દેખાય છે. દરેક ફ્રેમમાં દિગ્દર્શકનો ભાવનાત્મક સ્પર્શ અને ફિલ્મની આત્મા જણાય છે.
આ ફિલ્મમાં સોનાલી લેલે દેસાઈ, વૈભવ બિનિવાલે અને સ્વયં ગઢવી મુખ્ય ભૂમિકામાં છે. બંને કલાકારોએ તેમના પાત્રોને સુંદર રીતે રજૂ કર્યા છે. ફિલ્મના સંવાદો વિચારપ્રેરક છે અને વર્તમાન સમાજના વાસ્તવિક દ્રષ્ટિકોણને સ્પર્શે છે. દ્રશ્યો અને સંગીત બંને પ્રભાવશાળી છે, દરેક ક્ષણ એક નવી લાગણી ઉદભવે છે.
સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું
"કુંડાળુ" નું ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ટ્રેલરને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો કહે છે કે ટ્રેલર એક અનોખી ગુજરાતી ફિલ્મની ઝલક આપે છે, જે માનવતા, સમાજ અને બદલાતા સમય વચ્ચેના સંઘર્ષને અનોખી રીતે રજૂ કરે છે.
પ્રોડક્શન ક્વોલિટી, સિનેમેટોગ્રાફી અને લોકેશન
ફિલ્મનું નિર્માણ 3 Peepul Productions અને Geet Theatre દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડક્શન ક્વોલિટી, સિનેમેટોગ્રાફી અને લોકેશનની પસંદગી ફિલ્મના વાસ્તવિક તત્વોને વધુ જીવંત બનાવે છે. ફિલ્મના પોસ્ટર્સ અને ફર્સ્ટ લુકને પહેલાથી જ વિવેચકોની પ્રશંસા મળી ચૂકી છે, અને હવે ટ્રેલરે તે ઉત્સાહને વધુ વેગ આપ્યો છે.
‘કુંડાળુ’ ૭મી નવેમ્બરથી સિનેમાઘરોમાં રજૂ થવાની છે. રોહિત પ્રજાપતિની આ ફિલ્મ એવા સમયની વાર્તા છે જ્યારે આશા અને હિંમત વચ્ચેનું સંતુલન જીવનનો સાર બની જાય છે. તે એક એવી કલાકૃતિ હોઈ શકે છે જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક નવી દિશા નક્કી કરશે.
આ ફિલ્મને ફીચર ફિલ્મ કેટેગરીમાં અલગ–અલગ ક્ષેત્રોમાં કુલ સાત પુરસ્કારોથી સંમાનિત કરવામાં આવી છે, જેમાં “Green Rose Award” (The Film Which Gives Global Message), “Yellow Rose Award” (Upcoming Film With World Premiere), બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ સાઉન્ડ એન્ડ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન તથા બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન જેવા પુરસ્કારો છે.
આ વર્ષે, રોહિત પ્રજાપતિની ફિલ્મ `કટલા કરી` એ દર્શકો અને ફિલ્મ વિવેચકો બંનેનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. તે ગ્રામીણ ગુજરાત પર આધારિત એક સમલૈંગિક લવ સ્ટોરી હતી. બંને, કટલા કરી અને કુંડાળુ ગ્રામીણ ગુજરાત પર આધારિત છે અને સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ પર વાત કરે છે, જે ગુજરાતી સિનેમામાં ખૂબ જ દુર્લભ છે.


