Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીનું સ્મિત અને પપ્પાની સેન્સ ઑફ હ્યુમર યાદ આવશે

મમ્મીનું સ્મિત અને પપ્પાની સેન્સ ઑફ હ્યુમર યાદ આવશે

Published : 27 June, 2026 08:02 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જીવનની સપોર્ટ-સિસ્ટમ ગુમાવી દીધી છે એમ જણાવતાં તન્મય કહે છે કે ૮ મહિનામાં મમ્મી અને પપ્પા બન્ને ચાલ્યાં ગયાં એ હું હજી સ્વીકારી નથી શકતો

મમ્મી-પપ્પા સાથે તન્મય

મમ્મી-પપ્પા સાથે તન્મય


‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા તન્મય વેકરિયાના પપ્પા અને વિખ્યાત અભિનેતા અરવિંદ વેકરિયાનું ૨૪ જૂને ૭૬ વર્ષની ઉંમરે અવસાન થયું. ગયા વર્ષે ઑક્ટોબરમાં તન્મયે મમ્મીને ગુમાવ્યાં હતાં. જીવનની સપોર્ટ-સિસ્ટમ ગુમાવી દીધી છે એમ જણાવતાં તન્મય કહે છે કે ૮ મહિનામાં મમ્મી અને પપ્પા બન્ને ચાલ્યાં ગયાં એ હું હજી સ્વીકારી નથી શકતો.

ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા અરવિંદ વેકરિયાનું ૨૪ જૂને અવસાન થયું. તેમના પુત્ર તન્મય વેકરિયા માટે આ સમય અત્યંત કષ્ટદાયક છે. ૮ મહિનાના ટૂંકા ગાળામાં માતા-પિતા બન્નેને ગુમાવવાનો આઘાત તેમના માટે શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં પપ્પાની રંગભૂમિ પ્રત્યેની નિષ્ઠા, મમ્મીનો ત્યાગ અને બાળપણની મીઠી યાદો શૅર કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલા તન્મય કહે છે, ‘મમ્મીને ગુમાવવાના ટ્રૉમામાંથી બહાર નહોતો નીકળ્યો ત્યાં પપ્પા ચાલ્યા ગયા. તેમના અવસાન સાથે જીવનનો આધારસ્તંભ ગુમાવ્યો છે. પેરન્ટ્સની છત્રછાયા વિના જીવવાની કલ્પના પણ નથી કરી શકતો. મમ્મી-પપ્પાની યાદો, તેમનું કામ અને તેમણે આપેલા સંસ્કારો જ હવે અમારા બન્ને ભાઈઓની સૌથી મોટી મૂડી છે.’



સપોર્ટ-સિસ્ટમ ચાલી ગઈ


રીલ લાઇફ અને રિયલ લાઇફ ઘણી જુદી હોય છે. પોતાના કામ દ્વારા દર્શકોને હસાવનારા કલાકારો પણ ઘણી વાર જીવનમાં ખાલીપો અનુભવે છે. તેઓ પોતાના ઇમોશન્સને કન્ટ્રોલ નથી કરી શકતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અભિનયના અલગ અંદાજથી લોકોને હસાવતા તન્મય વેકરિયા થોડા દિવસ પહેલાં સેટ પર દિવંગત મમ્મીને યાદ કરીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. તેમની માનસિક સ્થિતિ જોઈને પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ થોડી વાર માટે શૂટિંગ અટકાવી દીધું હતું. સાથી કલાકારોએ તેમને સાંત્વન આપ્યા પછી તેઓ શાંત થયા હતા. તન્મયનાં મમ્મી ભારતીબહેનને આ સિરિયલ ખૂબ ગમતી. તન્મય કહે છે, ‘એક સીન શૂટ કરતી વખતે મમ્મી યાદ આવી ગઈ. દરેક એપિસોડમાં તે સ્ક્રીન પર મારા આવવાની રાહ જોતી. ગયા વર્ષે ૧૮ ઑક્ટોબરે તેનું નિધન થયું. દર મહિને ૧૮ તારીખ આવે એટલે રડવું આવી જાય. મમ્મીને ગુમાવવાના ટ્રૉમામાંથી હજી બહાર નહોતો નીકળ્યો ત્યાં પપ્પા ચાલ્યા ગયા. ભગવાનની મરજી સામે આપણું કંઈ ન ચાલે એ વાક્ય મનને મનાવવા માટે છે. એક પેરન્ટ જાય ત્યારે આપણે મન કઠણ કરીએ કે બીજાનો હાથ માથા પર છે. બન્ને ચાલ્યા જાય પછી રિયલાઇઝ થાય કે છત્રછાયા જ નથી રહી. અચાનક ઘણીબધી જવાબદારીઓ આવી ગઈ હોય એવું લાગે છે. ૮ મહિનામાં બન્ને પેરન્ટ્સને ગુમાવી દીધા એ હજી સ્વીકારી નથી શકતો. હવે તેમને ફોટોમાં જ જોઈ શકીશ.’


દિવાળીની ઉજવણી કરતો વેકરિયા પરિવાર

મમ્મી સીધીસાદી ગૃહિણી

ગુજરાતી નાટ્યજગતમાં દાદુના હુલામણા નામે ઓળખાતા અરવિંદ વેકરિયાનું મૂળ વતન અમરેલી નજીક વડિયા ગામ. તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. અંધેરીની ચિનાઈ કૉલેજથી અભ્યાસ કર્યો. તેમનાં પત્ની ભારતીબહેન પણ મુંબઈનાં. તેઓ મીઠીબાઈ કૉલેજમાં ભણ્યાં હતાં. બન્નેનાં અરેન્જ્ડ મૅરેજ હતાં. સંતાનમાં બે દીકરા. મોટો તન્મય અને નાનો મનવિત. ભારતીબહેન આજીવન એક સામાન્ય ગુજરાતી ગૃહિણી તરીકે જીવ્યાં. મમ્મીને યાદ કરતાં તન્મય કહે છે, ‘મમ્મી સીધીસાદી ગૃહિણી હતી. અમે આર્થિક સંઘર્ષ ખૂબ જોયો છે. પપ્પાના નાટકના શો ચાલતા હોય ત્યારે બધું બરાબર ચાલે. નાટક પૂરું થાય અને બીજું કામ ન મળે ત્યાં સુધી આર્થિક તંગી રહે. મમ્મી કહેતી કે લાઇફ છે તો ચૅલેન્જિસ રહેવાના. તેની મૅગ્નેટિક પર્સનાલિટી હતી. વાઇબ્સ એવાં હતાં કે મળ્યા પછી તમે મિત્ર બની જાઓ. જે મળે તે એમ જ કહે કેટલી હસમુખી છે. પપ્પા નાટકના રિહર્સલમાં અને ટૂરમાં વ્યસ્ત રહેતા ત્યારે તે બન્ને ભાઈને ચોપાટી ફરવા લઈ જતી. અમારો ઉછેર, ભણતર અને ઘડતરની જવાબદારી મમ્મીએ ઉપાડી છે. દાદા-દાદીની પણ ઘણી સેવા તેણે કરી છે. મેં જ્યારે મનોરંજનજગતમાં કારકિર્દી બનાવવાની વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે જે કરવું હોય તે કરજે, પણ અભ્યાસના ભોગે નથી કરવાનું. તેણે આર્થિક સંઘર્ષના દિવસો જોયા હતા એટલે ભણતર પર ભાર મૂકતી. કદાચ નાટકમાં સફળતા ન મળે તો ક્યાંક નોકરીમાં ગોઠવાઈ જાઉં. ૨૦૧૯માં તેની તબિયત બગડી ત્યારે પણ કહેતી કે તારા કામ પર ધ્યાન આપ. તે ફાઇટર હતી. ૬ વર્ષ રોગ સામે લડી. મમ્મીનું સ્મિત સૌથી વધુ યાદ આવે છે.’

મમ્મીને યાદ કરતાં મનવિત કહે છે, ‘હું મમ્મી સાથે બહુ અટૅચ્ડ હતો. બાળપણમાં મમ્મીનો ખોળો જ મારું ઘોડિયું હતું. જ્યાં સુધી તે પગ હલાવતી રહે ત્યાં સુધી સૂઈ રહું, જેવો પગ હલતો બંધ થાય રડવા લાગું. CAની પરીક્ષાની તૈયારીના એ દિવસો પણ હજી યાદ છે. વાંચવા માટે સવારે ૪ વાગ્યનું અલાર્મ સેટ કરતો. તેને અલાર્મ પર ભરોસો નહોતો. પિન્ટુ (મારું ઘરનું નામ)નું અલાર્મ ન વાગ્યું તો? આવી શંકામાં તે આખી રાત જાગતી. મને ઉઠાડીને ચા બનાવી આપે, હું વાંચવા બેસું એ જુએ પછી તેને સંતોષ થાય. નાનો હતો ત્યારથી મારા માટે તેણે ઘણા ઉજાગરા કર્યા છે. મારી સફળતામાં ૯૦ ટકા ફાળો તેનો છે. તેના ઉજાગરા જીવનભર નહીં ભુલાય. વીસેક વર્ષથી ઑસ્ટ્રેલિયા અને દુબઈમાં છું. જ્યારે પણ લો ફીલ કરતો, મમ્મી યાદ આવતી. તેની સાથે વાત કર્યા પછી નવી ઊર્જાનો સંચાર થાય. ફોનમાં સૌથી પહેલો પ્રશ્ન હોય, બેટા જમ્યો? તે જ્યારે કૅન્સર સામે ફાઇટ કરતી હતી ત્યારે ભાઈ પાસેથી બધી અપડેટ મળતી. તેને પોતાના કરતાં મારા સ્વાસ્થ્યની વધુ ચિંતા રહેતી. મમ્મીના શબ્દો બહુ યાદ આવે છે.’

પપ્પાની સેન્સ ઑફ હ્યુમર

નાનપણથી ઍક્ટિંગનો શોખ હતો, ત્રીજા ધોરણમાં ભણતો ત્યારથી નાટકનાં રિહર્સલ્સ જોવા જતો એમ જણાવતાં તન્મય કહે છે, ‘ત્યાંનો માહોલ ખૂબ ગમતો. અભિનય કરવા સિવાય કશું વિચાર્યું નહોતું. જોકે મમ્મીએ ભણવાની કન્ડિશન રાખી હતી. મલાડની એન. એલ. કૉલેજથી BComનો અભ્યાસ કર્યા પછી નાટકોમાં આવી ગયો. પપ્પાએ મને ક્યારેય રેકમેન્ડ નથી કર્યો. પપ્પાનો સ્વભાવ એવો હતો કે તેમની સાથે બેસો એટલે આખા દિવસનો થાક ઊતરી જાય. તેમની ટિપિકલ કાઠિયાવાડી ભાષા સાંભળવાની મજા આવે. નાટકોમાં જે રીતે બોલતા એવી જ ભાષામાં ઘરે વાતો કરે. મુંબઈમાં મોટા થયેલા યુવાનોને આવો લહેકો અને અમુક શબ્દો સાંભળવા ન મળે. ભાષામાં તેઓ માહેર હતા. ઘરનું વાતાવરણ હળવું રાખવાનું કામ પપ્પા જ કરી શકતા. તેમની કૉમેડી જોઈને ઍક્ટિંગ કરતાં શીખ્યો. પપ્પાની સેન્સ ઑફ હ્યુમર યાદ આવશે. ખાણી-પીણીની વાત જ ન પૂછો. લગ્ન પહેલાંથી ફૂડી હતા. એમાં મમ્મીની રસોઈનો સ્વાદ ભળ્યો. મમ્મીએ એક વાર કહ્યું હતું કે ૧૯૯૫માં તેઓ અમેરિકા ફરવા ગયા ત્યારે ઍરપોર્ટ પર ઇમિગ્રેશન પૂરું થયું પછી બહાર નીકળીને નવી જગ્યા માણવાની જગ્યાએ પપ્પાએ બે મહિના ગાંઠિયા વિના ચલાવવું પડશે એનો અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથી કલાકારો કોઈ પણ શહેરમાંથી પપ્પાને ફોન કરીને પૂછે તો તેઓ ગાંઠિયા ક્યાં મળશે એ જણાવી દેતા. મમ્મી બીમાર પડી પછી પપ્પાએ બધું છોડી દીધું અને સતત જીવનસંગિની સાથે રહ્યા. બન્ને સાથે રહેતાં એટલે હું શાંતિથી કામ કરી શકતો. ભગવાને શ્વાસ આપ્યા ત્યારે જ છેલ્લો શ્વાસ ક્યારે લેવાનો છે એ નક્કી કરી નાખ્યું હોય છે. બન્નેને સાચવવાનો અને બચાવી લેવાનો પ્રયાસ કર્યો પણ જીતી ન શક્યો.’

શો મસ્ટ ગો ઑન

દાદુના અવસાનના સમાચાર આવ્યા ત્યારે તન્મય શૂટિંગમાં વ્યસ્ત હતા. પપ્પાએ તેમને પહેલેથી જણાવ્યું હતું કે મને કંઈ પણ થાય, કામ અધૂરું મૂકીને દોડતો નહીં. ગઈ કાલે પણ (૨૬ જૂને) સવારે ૭ વાગ્યાથી શૂટિંગ હતું. તન્મય કહે છે, ‘અમારું ઘડતર એ રીતે થયું છે કે શો મસ્ટ ગો ઑન. મમ્મીની બીમારી વખતે પણ શૂ​ટિંગ ચાલુ રાખ્યું હતું. પપ્પાની તબિયત એકદમ ડાઉન હતી છતાં મને ઘરે નથી રહેવા દીધો. તેમણે મને શીખવ્યું છે કે નિર્માતાનું આર્થિક નુકસાન ન થવું જોઈએ, રોજીરોટીને સન્માન આપજે અને કામ ચાલુ રાખજે, જે છે એને માણો અને બી વિથ ધ ફ્લો, જીવન ચકડોળ જેવું છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે ચાલતું રહેશે. બન્નેની માંદગી દરમ્યાન મારા સાથી કલાકારોએ અને નિર્માતાએ હંમેશાં સપોર્ટ કર્યો છે જેને કારણે હું પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરી શક્યો. પપ્પાને ગયાને હજી બે દિવસ થયા છે. માનસિક સ્થિતિ બરાબર નથી. અંદરથી તૂટી ગયો છું. તેમના શબ્દોને યાદ કરીને સેટ પર પહોંચી ગયો અને શૂટિંગ પૂરું કર્યું. કલા પ્રત્યેની તેમની નિષ્ઠા પ્રેરણા આપે છે.’

અરવિંદ વેકરિયાની આજે પ્રાર્થનાસભા

૨૪ જૂને અવસાન પામેલા અરવિંદ વેકરિયાની પ્રાર્થનાસભા આજે સાંજે ચાર વાગ્યાથી ૬ વાગ્યા દરમ્યાન કાંદિવલીના રઘુલીલા મૉલના ચોથે માળે આવેલા લોટસ હૉલમાં યોજાશે

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 08:02 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK