નાનપણમાં જુદી-જુદી થિયેટર વર્કશૉપ કરતી વખતે પર્ફોર્મન્સને લોકો બિરદાવતા અને તાળી પાડતા એ ક્ષણે સિંહે લોહી ચાખી લીધા જેવી હાલત ભક્તિ રાઠોડની હતી.
ભક્તિ રાઠોડ
નાનપણમાં જુદી-જુદી થિયેટર વર્કશૉપ કરતી વખતે પર્ફોર્મન્સને લોકો બિરદાવતા અને તાળી પાડતા એ ક્ષણે સિંહે લોહી ચાખી લીધા જેવી હાલત ભક્તિ રાઠોડની હતી. નાની ઉંમરે ટીવીમાં કામ શરૂ કરનાર ભક્તિના મનમાં ત્યારથી નક્કી હતું કે કરીશું તો ઍક્ટિંગ જ અને આજે તેઓ છેલ્લાં બાવીસ વર્ષથી નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં જુદા-જુદા કિરદારોને જીવી રહ્યાં છે. આવતી કાલે ભક્તિનું નવું ગુજરાતી નાટક રણમાં ઊતરી ગુજરાતણ આવી રહ્યું છે ત્યારે વાતો કરીએ તેમની સફરની
પ્રેક્ષકોના પ્રેમથી વિશેષ એક આર્ટિસ્ટ માટે કંઈ જ નથી. એ જીવનનો સૌથી મોટો લહાવો છે. જે પ્રકારે લોકો તમને પ્રેમ કરે, તમારી નકલ કરે, તમારા ડાયલૉગ બોલે, નાની છોકરીઓ ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશનમાં તમારું પાત્ર ભજવે અને એના તમને વિડિયો કાઢીને મોકલાવે... આ બધું ખૂબ જ આહ્લાદક છે. હું નસીબદાર છું કે મને આ પ્રકારનું જીવન જીવવા મળ્યું.
ADVERTISEMENT
આ શબ્દો છે ફિલ્મ, ટીવી અને સ્ટેજનાં કલાકાર ભક્તિ રાઠોડના. ‘ભાખરવડી’માં ઊર્મિલા ઠક્કર નામના પાત્ર સાથે લોકોના મનમાં વસી જનાર ભક્તિ રાઠોડે હાલમાં ‘ગદર 2’માં પણ મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેમનો પાકિસ્તાની જમાઈવાળો ડાયલૉગ ઘણો ફેમસ થયો હતો. આમ તો ભક્તિએ બાળકલાકાર તરીકે ૧૨ વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને અત્યારે તેઓ ૩૪ વર્ષનાં છે. આમ છેલ્લાં ૨૨ વર્ષથી તેઓ રંગમંચ પર, ટીવી-સિરિયલોમાં અને ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. આ સિવાય ઘણી ઍડ્સમાં પણ તેમણે કામ કર્યું છે.
નાનપણથી ક્રીએટિવ
મલાડમાં જન્મેલાં અને દહિસરની રુસ્તમજી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણેલાં ભક્તિ રાઠોડ ભણવામાં ઍવરેજ સ્ટુડન્ટ હતાં. તેમના મમ્મી નીલા સોની છેલ્લાં ૩૦ વર્ષથી રાજકરણમાં સક્રિય છે. ઘરમાં કોઈ જ વ્યક્તિ આ ફીલ્ડમાં કામ નહોતું કરતું છતાં આ ફીલ્ડમાં કઈ રીતે આવ્યાં એ પ્રશ્નનો જવાબ આપતાં એક યાદગાર કિસ્સો જણાવતાં ભક્તિ કહે છે, ‘હું લગભગ સાતમા-આઠમામાં હતી જ્યારે મેં મારી મમ્મીને કહ્યું હતું કે મમ્મી, હું બીજા લોકોની જેમ નવથી પાંચની જૉબ નહીં કરી શકું. ત્યારે મારી મમ્મીએ કહ્યું હતું કે ન કરી શકે તો ન કરતી, કોઈ વાંધો નથી. આ એક દીકરીને બહેલાવવા માટેના શબ્દો નહોતા, એ સમયે હું જેટલી ક્લિયર હતી એ જોઈને મમ્મીએ મને ભેટમાં આપેલી ફ્રીડમ હતી. એ મમ્મી જ હતાં જેમણે જોયું કે હું ક્રીએટિવ છું. તેમણે મને જુદા-જુદા થિયેટર વર્કશૉપમાં મૂકી. મને યાદ છે કે આ વર્કશૉપમાં જઈએ ત્યારે ખબર પડે કે આ તો વયસ્કો માટે છે. એમાં મમ્મી વિનંતી કરે કે મારી દીકરીને તમે લઈ લો. એ લોકો મને રાખે. એ બધા યુવાનો વચ્ચે હું એક ૧૦-૧૧ વર્ષનું બાળક, તો પણ બેસ્ટ પર્ફોર્મ મેં જ કર્યું હોય અને આ રીતે ઍક્ટિંગની શરૂઆત થઈ.’
યાદગાર કિસ્સો
ભક્તિ જ્યારે ૧૫ જ વર્ષનાં હતાં એ સમયનો એક કિસ્સો યાદ કરતાં તેઓ કહે છે, ‘હું એક ઍક્ટિંગની વર્કશૉપમાં ગયેલી જ્યાં અમારે જાતે એકાંકી લખવાનું, ડિરેક્ટ કરવાનું અને અભિનય કરવાનો. એ જગ્યાએ મેં જે લખ્યું હતું એને અમારા મેન્ટરે સુધાર્યું અને મને કહ્યું કે આ બે લાઇન ન બોલીશ. મારે તો એ બોલવી જ હતી એટલે મેં તેમનું કંઈ સાંભળ્યું નહીં. મેં પુરજોશમાં પર્ફોર્મ કર્યું. એ સમયે શશી કપૂર આવેલા અને તેઓ મારો પર્ફોર્મન્સ જોઈને ખૂબ ખુશ થયા. તેમણે મારી પીઠ થપથપાવી અને મને કહ્યું કે તું ખૂબ સારું કરે છે, આમ જ કરતી રહેજે. આ દિવસે, આ ઘટનાએ મારી અંદર આત્મવિશ્વાસ ફૂંક્યો હતો.’
ઍક્ટિંગ જ કેમ?
સારું પર્ફોર્મ કરવાને લીધે એ પછી કોઈ ને કોઈ ભક્તિનું નામ ઑડિશનમાં રેકમન્ડ કરી દેતું. ચાઇલ્ડ આર્ટિસ્ટની તો સતત ડિમાન્ડ રહેતી જ હોય એટલે ધીમે-ધીમે ભક્તિને કામ મળવા લાગ્યું. પરંતુ કઈ રીતે ખબર પડી કે મારે તો ઍક્ટિંગને જ કરીઅર તરીકે લેવી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ભક્તિ કહે છે, ‘સ્ટેજ પર પહેલી વાર જાઓ, એક વાર તાળીઓ સાંભળોને એટલે સિંહે લોહી ચાખ્યા જેવું થાય. પછી રહી ન શકાય. પછી તો તમને એ જ જોઈએ. મારી સાથે પણ એવું જ થયું. મને નાની ઉંમરથી ફક્ત ઍક્ટિંગ જ કરવી હતી અને મેં એ જ કર્યું. એના સિવાય મને કશું જ કરવું નહોતું, પણ ડિગ્રી તો લેવાની જ હતી એટલે લૉ ભણી. ડિગ્રી લીધી પણ પ્રૅક્ટિસ જેવું કશું કર્યું જ નહીં, કારણ કે કામની દિશા તો પહેલેથી જ નક્કી હતી.’
ચાઇલ્ડ આર્ટિસ્ટ
નાનપણમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જેવો મોકો મળ્યો કે તરત ભક્તિએ ટીવી-સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ‘ક્યૂંકિ... સાસ ભી કભી બહૂ થી’માં તુલસી અને મિહિરની દીકરી શોભાનું પાત્ર ૧૧ વર્ષની ભક્તિએ નિભાવ્યું હતું. એ પછી અરુણા ઈરાનીના પ્રોડક્શન હેઠળ બનેલી ‘દેસ મેં નિકલા હોગા ચાંદ’માં કામ કર્યું. ‘સજદા તેરે પ્યાર મેં’, ‘કુછ સ્માઇલ હો જાએ’, ‘થોડા સા બાદલ થોડા સા પાની’ જેવી સિરિયલો પણ કરી. હાલમાં ખાસ્સી લોકપ્રિય થયેલી ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં સોનલ પારેખનું પાત્ર તે ભજવે છે. ‘પતિ થયો પતી ગયો’ નામની ગુજરાતી સિરિયલ પણ તેમણે કરી છે. ૨૦૧૯માં તેમણે ‘ધ લાસ્ટ કોઅન’ નામની સિરીઝ કરી. ઑસ્ટ્રેલિયન ડિરેક્ટર દ્વારા બનાવવામાં આવેલી આ સિરીઝ ઘણા ફિલ્મ-ફેસ્ટિવલમાં ગઈ અને ક્રિટિકલી એનાં ઘણાં વખાણ થયાં છે. આ સિરીઝ અંગ્રેજી અને હિન્દી બન્નેમાં રિલીઝ થઈ હતી.
ભક્તિ રાઠોડે ‘લજ્જા તને મારા સમ’, ‘હાથના કર્યા હૈયે વાગ્યા’, ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’, ‘અદૃશ્યમ’, ‘સાસુ વહુની ૨૦-૨૦’, ‘ટૂ ઇડિયટ્સ’, ‘ભરી લઉં આંખમાં જિંદગી’, ‘બા રિટાયર થાય છે’, ‘ઝીરો બની ગયો હીરો’, ‘બા મારી મધર ઇન્ડિયા’, ‘ફૅમિલીની દાંડીકૂચ’, ‘સાત તેરી એકવીસ’ અને ‘હું ને સ્વરા... એ બન્ને પણ ખરા’ વગેરે જેવાં ઘણાં ગુજરાતી નાટકો કર્યાં છે. નાટકો વિશે વાત કરતાં ભક્તિ કહે છે, ‘મને નાટકો ખૂબ ગમે. હું જીવનના અંત સુધી નાટકો કરતી રહીશ, કારણ કે એ કરવાની મજા ઘણી જુદી છે. વળી નાટકોએ મને ઘણું શીખવ્યું છે.’
નાટકનો અનુભવ
હોમી વાડિયા સાથે પહેલું કમર્શિયલ નાટક કર્યું એ સમયની વાત યાદ કરતાં ભક્તિ કહે છે, ‘હું ૧૮ વર્ષની હતી ત્યારે. એ નાટક ચાલુ હતું ત્યારે ઑડિયન્સમાંથી અવાજ-અવાજના નામની બૂમો સંભળાઈ. એટલે કે ઑડિયન્સમાં મારો અવાજ જ સંભળાતો નહોતો. મને ખૂબ જ શરમ આવી. હું શો પત્યો એ પછી કોઈને પણ મળ્યા વગર ભાગી ગઈ. બીજા દિવસે બે કલાક વહેલી થિયેટરમાં પહોંચી. સ્ટેજ પર જોર-જોરથી ડાયલૉગ બોલવાનું શરૂ કરી દીધું. એ સમયે સ્ટેજ પર સેટ ગોઠવાતો હોય, લોકો કામ કરતા હોય એનો અવાજ હોય, એની વચ્ચે, વૉચમૅન કે થિયેટરના કારીગરોને અલગ-અલગ જગ્યાએથી અવાજ સાંભળવા મેં કહ્યું. તેઓ મને કહેતા ગયા કે તેમને સંભળાય છે કે નહીં. આમ મેં બધું જ મારી જાતે, મહેનતથી, જોઈ-જોઈને શીખ્યું છે. મને હજી યાદ છે હું સરિતા જોશીનાં નાટકો ફક્ત તેમના ફુટવર્ક અને તેમની સાડી પહેરવાની ઢબને શીખવા માટે જોતી. જેને શીખવું જ છે તે શીખી શકે છે. મહેનત કરવાની છે એ જ એક રસ્તો છે.’
ઇચ્છા હૉલીવુડની
ભક્તિએ ‘આપણે તો ધીરુભાઈ’, ‘વૉસઅપ ઝિંદગી’, ‘મિસ્ટર જાસૂસ’ જેવી ગુજરાતી ફિલ્મો કરી છે. હિન્દીમાં તેમણે ‘ગદર-ટૂ’ કરી છે. આ સિવાય ગુજરાતી વેબ-સિરીઝ ‘કાચો પાપડ-પાકો પાપડ’ પણ તેમણે ૨૦૨૦માં કરી છે. પોતાની તીવ્ર ઇચ્છા વિશે જણાવતાં ભક્તિ કહે છે, ‘મને ખૂબ કામ કરવું છે. બકેટ-લિસ્ટમાં તો હૉલીવુડ સુધી પહોંચવાની ઇચ્છા છે. ખબર નથી કઈ રીતે શક્ય બનશે, પણ એવું લાગે કે ત્યાં જઈને પણ જોઈ આવીએ કે કામ કરવાની તેમની રીત કેવી છે. મને ઍક્ટિંગ સિવાય બીજા કોઈ શોખ ભાગ્યે જ છે. મને બીજા શોખોની જરૂર જ નથી, મારું કામ જ મને સ્વસ્થ રાખે છે. રીજુવિનેટ કરે છે.’
ફક્ત ઍક્ટર નહીં, રાઇટર પણ
ભક્તિનું બે-ત્રણ મહિના પહેલાં ‘સ્ટૅન્ડ અપ મિસ્ટર ખુરાના’ નામનું હિન્દી નાટક રિલીઝ થયું હતું જે તેમનું લખેલું પહેલું હિન્દી નાટક છે. ઍક્ટિંગ કરતાં-કરતાં લેખન તરફ કઈ રીતે ઢળ્યાં એ વાતનો જવાબ આપતાં ભક્તિ કહે છે, ‘એક વાર જેડીભાઈ (જે. ડી. મજીઠિયા) સાથે એક રાઇટિંગ મીટિંગમાં બેઠી અને એમાં તેમણે ૩-૪ લેખકોને એક વિષય પર લખવાનું સજેશન કર્યું. મને થયું કે હું પણ કોશિશ કરું. એ બધામાંથી મારું લેખન તેમને ગમ્યું. પછી મળીને અમે એ નવો શો તૈયાર કર્યો. લગભગ ૬-૮ મહિના મેં એના પર લખ્યું પણ કોઈ કારણસર એ શો બન્યો નહીં. એ જે લખ્યું હતું એણે મને ખાસ્સો આત્મવિશ્વાસ આપ્યો કે હું લખી શકું છું.’
એ પછી એક કૉફી-શૉપમાં એક મીટિંગ માટે કોઈની રાહ જોતા સમયે કંઈક સ્ફૂર્યું. ત્યાં પેપર નૅપ્કિન પર લખવાનું શરૂ કર્યું. જે મળવા આવવાની હતી એ વ્યક્તિ ૩ કલાક મોડી આવી. એ જ્યારે મળવા આવી ત્યાં સુધીમાં ભક્તિ ક્લાઇમૅક્સ પર પહોંચી ગયાં હતાં અને આ સ્ક્રિપ્ટ એટલે ‘સાસુ-વહુની ૨૦-૨૦’, જેમાં તેમણે અભિનય પણ કર્યો. એ લખાઈ પહેલાં, પણ નાટક બન્યું ૨૦૧૮-’૧૯ની આસપાસ. એ દરમિયાન સિદ્ધાર્થ રાંદેરિયાને મળ્યાં ત્યારે તેમણે એક લાઇનનો કન્સેપ્ટ ભક્તિને આપ્યો. લાગ્યું કે તે ડેવલપ કરી શકે છે. એ કન્સેપ્ટ પરથી બન્યું નાટક ‘મિસ્ટર અને મિસ બારોટ’, જે એક બાપ-દીકરીની વાત હતી. એ પછી ૨૦૨૩માં ‘રમાના ડ્રામા’ નાટક લખ્યું અને એ પછી હિન્દી ડ્રામા. લેખન વિશે વાત કરતાં ભક્તિ કહે છે, ‘અભિનય જેવી ફાવટ નથી મને લેખનમાં, પણ મને આ કામ એક જુદો આનંદ આપે છે એટલે લખવાનું છોડીશ નહીં. ઍક્ટિંગની સાથે-સાથે એ પણ કરતી રહીશ.’

