અનેક લોકપ્રિય ટીવી-શોના સાપ્તાહિક TRP જાહેર કરવામાં નહીં આવે
હવે ‘અનુપમા’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ સહિત અનેક લોકપ્રિય ટીવી-શોના સાપ્તાહિક TRP જાહેર કરવામાં નહીં આવે.
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ટૂંક સમયમાં જ જનરલ એન્ટરટેઇનમેન્ટ ચૅનલ્સ પર પ્રસારિત થતી ટીવી-સિરિયલોના સાપ્તાહિક ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) જાહેર કરવાનું બંધ કરવા જઈ રહી છે. હવે ‘અનુપમા’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’, ‘વસુધા’ સહિત અનેક લોકપ્રિય ટીવી-શોના સાપ્તાહિક TRP જાહેર કરવામાં નહીં આવે.
BARCના જણાવ્યા મુજબ ટીવી-રેટિંગ્સની નવી પૉલિસી હેઠળ આગામી આદેશ સુધી તમામ TRP જાહેર કરવા પર રોક લગાવવામાં આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ટીવી-ઇન્ડસ્ટ્રી અને જાહેરાતજગતમાં ભારે હલચલ મચી ગઈ છે. લાંબા સમયથી TRPના આધારે જ નક્કી થતું હતું કે કઈ સિરિયલ દર્શકોને કેટલી પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં સાપ્તાહિક TRP પર રોક લાગતાં એની અસર માત્ર ટીવી-ઇન્ડસ્ટ્રી પર જ નહીં, જાહેરાતબજાર પર પણ જોવા મળી શકે છે.
ADVERTISEMENT
અત્યાર સુધી દર અઠવાડિયે જાહેર થતા TRPથી એ જાણી શકાતું હતું કે કયો શો દર્શકોની પ્રથમ પસંદ છે અને કયો શો પાછળ ચાલી રહ્યો છે. હવે સાપ્તાહિક TRP જાહેર થવાનું બંધ થતાં સિરિયલો વચ્ચે નંબર વન બનવાની હરીફાઈ પણ સમાપ્ત થઈ જશે. જે શોના TRP ઓછા આવતા હતા તેમને આ નિર્ણયથી રાહત મળી શકે છે. જોકે સતત ટોચ પર રહેતા મોટા શો અને ચૅનલ્સ માટે આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
