ભાબીજી ઘર પર હૈંમાં અંગૂરીભાભીનો રોલ કરીને ફેમસ બની છે આ ઍક્ટ્રેસ. શુભાંગી અત્રેના ભૂતપૂર્વ પતિ પીયૂષ પુરેનું નિધન થયું છે. શુભાંગી અને પીયૂષના આ વર્ષે પાંચમી ફેબ્રુઆરીએ છૂટાછેડા થયા હતા અને ડિવૉર્સના બે મહિનામાં જ પીયૂષનું અવસાન થયું છે.
શુભાંગી અત્રે અને ભૂતપૂર્વ પતિ પીયૂષ પુરે
‘ભાબીજી ઘર પર હૈં’માં અંગૂરીભાભીનો રોલ કરનારી શુભાંગી અત્રેના ભૂતપૂર્વ પતિ પીયૂષ પુરેનું નિધન થયું છે. શુભાંગી અને પીયૂષના આ વર્ષે પાંચમી ફેબ્રુઆરીએ છૂટાછેડા થયા હતા અને ડિવૉર્સના બે મહિનામાં જ પીયૂષનું અવસાન થયું છે. રિપોર્ટ પ્રમાણે પીયૂષ સંપૂર્ણ લિવર સિરોસિસથી પીડાતો હતો. તેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. શુભાંગી ઘણા સમયથી પતિથી દૂર રહેતી હતી. પીયૂષના અવસાનના સમાચારથી શુભાંગી આઘાતમાં છે છતાં તેણે તેના શોનું શૂટિંગ રવિવારથી ફરી શરૂ કર્યું છે. શુભાંગી અને પીયૂષનાં લગ્ન ૨૦૦૩માં થયાં હતાં અને તેમને ૧૮ વર્ષની આશી નામની દીકરી છે જે અમેરિકામાં ભણે છે. શુભાંગી અને પીયૂષ ૨૦૨૨થી અલગ રહેતાં હતાં અને તેમણે હાલમાં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા.
ડિવૉર્સ પછી શુભાંગીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘છૂટાછેડા પછી હું ખૂબ ફ્રી અનુભવી રહી છું. એવું લાગે છે જાણે મોટો બોજ ઊતરી ગયો. હું હવે ફરીથી લગ્ન કરવા માગતી નથી, કારણ કે મારી દીકરી મારી પ્રાથમિકતા છે. મારી બહેનો અને મિત્રોએ મને ફરીથી લગ્ન કરવાની સલાહ આપી છે, પરંતુ હું હાલમાં એ વિશે વિચારતી નથી.’
શુભાંગી ૨૦૧૬થી ‘ભાબીજી ઘર પર હૈં’માં અંગૂરી મનમોહન તિવારીની ભૂમિકા ભજવી રહી છે. તેણે આ શોમાં શિલ્પા શિંદેની જગ્યા લીધી હતી. આ પહેલાં ‘ચિડિયાઘર’માં પણ તેણે શિલ્પાને રિપ્લેસ કરી હતી.

