કૃતિકાએ થોડા સમય પહેલાં જ જાણીતા ટીવી-પ્રેઝન્ટર અને ઍક્ટર ગૌરવ કપૂર સાથેના સંબંધની જાહેરાત કરી હતી અને રિપોર્ટ છે કે બન્ને હવે માર્ચ મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
‘કિતની મોહબ્બત હૈ’માં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર ટીવી ઍક્ટ્રેસ કૃતિકા કામરા આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેણે થોડા સમય પહેલાં જ જાણીતા ટીવી-પ્રેઝન્ટર અને ઍક્ટર ગૌરવ કપૂર સાથેના સંબંધની જાહેરાત કરી હતી અને રિપોર્ટ છે કે બન્ને હવે માર્ચ મહિનામાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જોકે આ મામલે કપલ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ મામલે કૃતિકા અને ગૌરવના નજીકના એક મિત્રએ કહ્યું છે કે ‘કૃતિકા અને ગૌરવ સાથે ખુશ છે અને સારી જિંદગી જીવી રહ્યાં છે. તેઓ હવે પોતાના સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે ઉત્સાહિત છે. તેઓ માર્ચના અંતિમ દિવસોમાં અથવા એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. આ લગ્ન સમારોહમાં તેમના પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહેશે.’
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે કૃતિકા અને ગૌરવ મુંબઈમાં સાત ફેરા લેશે. હાલમાં તેઓ લગ્નની તમામ વિધિઓની તૈયારીઓમાં વ્યસ્ત છે. જોકે તમામ ફંક્શન્સ વિશે હજી સુધી કંઈ અંતિમ નક્કી થયું નથી કે પરંતુ મુંબઈમાં ઇન્ડસ્ટ્રીના લોકો માટે રિસેપ્શન આપવાનું તેઓ ચોક્કસપણે આયોજન કરી રહ્યાં છે.
કૃતિકા સાથે લગ્ન કરવા તૈયાર થયેલા ગૌરવ કપૂરે પહેલાં અભિનેત્રી અને મૉડલ કિરત ભટ્ટલ સાથે ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં, પરંતુ બાદમાં બન્ને અલગ થઈ ગયાં હતાં. બીજી તરફ કૃતિકાનું નામ અગાઉ સહઅભિનેતા કરણ કુન્દ્રા અને જૅકી ભગનાણી સાથે જોડાઈ ચૂક્યું છે પણ ત્યાં વાત આગળ વધી શકી નહોતી.


