NCPના વિધાનસભ્ય અમોલ મિટકરીએ સનસનાટીભર્યો દાવો કરીને કહ્યું કે અજિત પવારના પ્લેનના પાઇલટને હિપ્નોટાઇઝ કરવામાં નહોતો આવ્યો એની શું ખાતરી?
અમોલ મિટકરી
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિટકરીએ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના આકસ્મિક મૃત્યુ વિશે અનેક ગંભીર શંકાઓ વ્યક્ત કરી છે. જોકે રવિવારે તેમણે આ બધાની પરાકાષ્ઠાએ પહોંચીને શંકા વ્યક્ત કરી હતી કે અજિત પવારને મારવા માટે તેમના પ્લેનમાં આત્મઘાતી બૉમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. એટલું જ નહીં, અમોલ મિટકરીએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું અજિત પવારના વિમાનના પાઇલટ સુમિત કપૂરને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યો હતો? રવિવારે મીડિયા સાથે વાત કરતી વખતે અમોલ મિટકરીએ આ સનસનાટીભર્યો દાવો કર્યો હતો.
અમોલ મિટકરીએ પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારો સમક્ષ શંકા વ્યક્ત કરીને માહિતી આપતાં કહ્યું હતું કે ‘જે VSR કંપનીના પ્લેનમાં અજિત પવાર મુસાફરી કરી રહ્યા હતા એનો પાઇલટ બે વાર બદલાયો હતો. એ કંપની પહેલેથી જ નબળી હતી. કંપની પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એ જ વિમાન ૨૮ તારીખે અજિતદાદાને આપવામાં આવ્યું હતું. બીજી તરફ ડિસેમ્બર ૨૦૨૫માં VSR કંપનીએ એની ઍરલાઇનના દરેક પાઇલટ માટે ૫૦ કરોડ રૂપિયાનો વીમો લીધો હતો. જો ૫૦ કરોડનો વીમો કાઢવામાં આવ્યો હોય અને જે પાઇલટને સમયસર બદલવામાં આવ્યો હોય તેને શું હિપ્નોટાઇઝ કરવામાં આવ્યો હતો? શું તેને લાલચ આપવામાં આવી હતી? ઘણી જગ્યાએ હિપ્નોટાઇઝ કરીને આત્મઘાતી બૉમ્બરોનો ઉપયોગ કરવામાં આવે છે. અજમલ કસબને પણ આતંકવાદી હુમલા માટે મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ રાજીવ ગાંધીની હત્યા વખતે પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શું પાઇલટને હિપ્નોટાઇઝ કર્યા પછી મોકલવામાં આવ્યો હતો? આ એક મોટો પ્રશ્ન છે, કારણ કે પાઇલટે MAYDAY કૉલ આપ્યો નહોતો. તે થોડા સમયમાં જ પુણે ઉડાન ભરીને કવર કરી શક્યો હોત, પરંતુ પાઇલટે એ કર્યું નહીં. તેથી અમને VSR કંપની પર મોટી શંકા છે. શું તેમણે ૫૦ કરોડનો વીમો કાઢીને પાઇલટ પાસે આ કૃત્ય કરાવ્યું? આની પણ તપાસ થવી જોઈએ.’
ADVERTISEMENT
અમોલ મિટકરીએ આ સંદર્ભે વાતચીત કરવા મંગળવારે બપોરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાતનો સમય માગ્યો છે.
રોહિત પવારની પ્રેસ-કૉન્ફરન્સ મહત્ત્વની
અમોલ મિટકરીએ વધુમાં કહ્યું હતું કે ‘અજિતદાદાના વિમાન-દુર્ઘટનાના કેસમાં વિધાનસભ્ય રોહિત પવાર પરિવારના સભ્ય તરીકે પ્રેસ-કૉન્ફરન્સ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સહિત દેશ તેમની પ્રેસ-કૉન્ફરન્સ પર ધ્યાન આપી રહ્યો છે. મને અપેક્ષા છે કે ૧૦ ફેબ્રુઆરીએ થનારી પ્રેસ-કૉન્ફરન્સમાં ઘણી બાબતો આવરી લેવામાં આવશે. તેમની પાસે જે પણ પુરાવા છે એ તેઓ રજૂ કરશે. એટલા માટે મને લાગે છે કે રોહિત પવારની પ્રેસ-કૉન્ફરન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’


