કાસ્ટિંગ કાઉચ પર છલકાયું મનીષા રાનીનું દર્દ
મનીષા રાનીની તસવીર
‘ઝલક દિખલા જા 11’માં વિજેતાનો તાજ મેળવનાર મનીષા રાનીને પણ કાસ્ટિંગ કાઉચના શિકાર થવું પડ્યું હતું. એક માણસે તેને રાતે ત્રણ વાગ્યે કૉલ કરીને ઘરે મળવા બોલાવી હતી અને તેણે જ્યારે ના પાડી તો તે માણસ ખૂબ ગુસ્સે થયો હતો. ‘બિગ બૉસ OTT 2’માં તે સેકન્ડ રનર અપ હતી. એ અજાણ્યા માણસે પોતે ‘બિગ બૉસ’ની ટીમનો હોવાનું જણાવ્યું હતું. સાથે જ મનીષાને ખાતરી આપી હતી કે તેને તે ‘બિગ બૉસ’માં મોકલશે. એ આખી ઘટના વિશે મનીષા કહે છે, ‘હું એક વખત બિહાર મારા ઘરે માત્ર ૪-૫ દિવસ માટે ગઈ હતી. એ સમયે તેણે મને કૉલ કરીને પૂછ્યું કે શું તને કલર્સમાં નથી જવું, ‘બિગ બૉસ’માં નથી જવું? ઘરે જઈને બેસી ગઈ છે. તું અત્યારે જ મુંબઈ આવી જા. એથી હું મુંબઈ માટે સ્પેશ્યલ ટિકિટ લઈને આવી કે મને તો ‘બિગ બૉસ’માં જવાની તક મળશે.’ મનીષાએ અડધી રાતે તેના ઘરે જવાની ના પાડતાં તે માણસ ખૂબ ભડકી ગયો હતો. એ વિશે મનીષા કહે છે, ‘એક વખત તેણે રાતે ૩ વાગ્યે કૉલ કરીને કહ્યું કે મારા ઘરે આવી જા. તો મેં તેને ચોખ્ખી ના પાડી દીધી હતી. ફાઇનલી મને હવે એ સમજમાં આવી ગયું છે કે કોઈ કોઈની મદદ નથી કરતું.’