KBCના પ્રીમિયર એપિસોડમાં પ્રીતિ ઝિન્ટાએ ખુલાસો કર્યો કે તેના ૪ વર્ષનાં ટ્વિન્સ જય અને જિયા અમિતાભ બચ્ચનને ફિલ્મોથી નહીં પરંતુ ‘મિસ્ટર નટવરલાલ’ના લોકપ્રિય ગીતથી ઓળખે છે.
પ્રીતિ ઝિન્ટાનાં ટ્વિન્સ બાળકો અમિતાભ બચ્ચનને મિસ્ટર નટવરલાલના ગીતથી ઓળખે છે
‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના પ્રીમિયર એપિસોડમાં સીઝનના પ્રથમ અતિથિ તરીકે બૉલીવુડનાં કલાકારો સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને આમિર ખાને હાજરી આપી હતી. હૉટ સીટ પર શોના હોસ્ટ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની હળવી ક્ષણો દરમ્યાન પ્રીતિ ઝિન્ટાએ ખુલાસો કર્યો હતો કે બિગ બી તેમના ઘરમાં સૌથી વધુ લોકપ્રિય છે.
વાતચીત દરમ્યાન પ્રીતિ ઝિન્ટાએ અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી મારા ઘરમાં સૌથી વધુ લોકપ્રિય કોણ છે એનો તમે અંદાજ લગાવી શકો છો?’
એના જવાબમાં બિગ બીએ રમૂજી અંદાજમાં કહ્યું હતું, ‘કોઈ નહીં.’
ત્યાર બાદ પ્રીતિ ઝિન્ટાએ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારાં ૪ વર્ષનાં ટ્વિન્સ બાળકો જય અને જિયા અમિતાભ બચ્ચનને તેમની ફિલ્મોને કારણે નહીં પરંતુ ૧૯૭૯ની હિટ ફિલ્મ ‘મિસ્ટર નટવરલાલ’ના પ્રખ્યાત ગીત ‘મેરે પાસ આઓ મેરે દોસ્તો...’થી ઓળખે છે.’
પ્રીતિએ ઉમેર્યું હતું કે ‘સૉરી, પણ મારાં બાળકો તમારી ફિલ્મો માટે નહીં પરંતુ તમારું એ ગીત સાંભળે છે. તેઓ મને કહે છે કે મમ્મી, પેલું સિંહવાળું ગીત વગાડો... મેરે પાસ આઓ મેરે... તમે એમાં જે ધૂન લલકારો છો એની મારાં બાળકો હંમેશાં નકલ કરે છે.’
પ્રીતિ ઝિન્ટાની આ વાત સાંભળીને સેટ પર ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા હતા. આ વાત પર અમિતાભ બચ્ચને પણ પોતાની પચાસ-પંચાવન વર્ષની ફિલ્મી સફર અને આજની નવી પેઢીના દૃષ્ટિકોણ વિશે એક રમૂજી અનુભવ શૅર કર્યો હતો.
બિગ બીએ હસતાં-હસતાં કહ્યું હતું કે ‘ચાલો, આભાર કે તેઓ કોઈ ફિલ્મ દ્વારા મને ઓળખે તો છે. મને કેટલાંય એવાં નાનાં બાળકો મળે છે જેમનાં માતા-પિતા અહીં આવીને કહે છે કે સર, અમારો પાંચ વર્ષનો છોકરો તમને જોતાં જ બોલે છે કે KBCવાળા અંકલ. એટલે કે ૫૦-૫૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, આટલી બધી ફિલ્મો કરી છતાં કોઈ મારા પાત્રનું નામ નથી લેતું. તેમને માત્ર KBC જ યાદ આવે છે.’
