ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ હાલમાં તેના લગ્નજીવન વિશે વાત કરતી વખતે અનેક આરોપ મૂક્યા છે
શ્વેતા તિવારી
ટેલિવિઝનની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્વેતા તિવારીના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ હાલમાં તેના લગ્નજીવન વિશે વાત કરતી વખતે શ્વેતા પર તેનાં ઘણાં લગ્નેતર અફેર્સ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. રાજાએ દાવો કર્યો છે કે તે અને શ્વેતા જ્યારે પરિણીત હતાં ત્યારે તેનું ‘કસૌટી ઝિંદગી કી’ના કો-ઍક્ટર સેઝાન ખાન સાથે પણ અફેર હતું અને સેઝાને પણ તેની પાસે આ વાત કબૂલ કરી હતી.
શ્વેતા સાથેના પોતાના લગ્નજીવનની ચર્ચા કરતાં રાજા ચૌધરીએ કહ્યું હતું કે ‘શ્વેતાનું ફક્ત સેઝાન ખાન સાથે જ નહીં પણ બીજા ઘણા લોકો સાથે અફેર હતું. મને લાગતું હતું કે તેનું દરેક વ્યક્તિ સાથે અફેર હતું. એ સમયે તે સેઝાન ખાન સાથે કામ કરી રહી હતી અને તેના ઘરમાં પણ સમય પસાર કરતી હતી. અમારા એક કૉમન મિત્ર સામે શ્વેતાએ કબૂલ પણ કર્યું છે કે તેનું સેઝાન સાથે અફેર હતું. સેઝાને પણ મારી સામે કબૂલ કર્યું હતું કે તેનું અને શ્વેતાનું અફેર છે. સેઝાને મને પડકાર પણ ફેંક્યો હતો કે તારામાં હિંમત હોય તો મારા કોલીવાડાના ઘરે આવી જા. મેં તેને કહ્યું કે શું હવે હું તારી સાથે આ લડાઈ-ઝઘડા કરવા બેસીશ? મારો જ સિક્કો ખોટો છે. જોકે શ્વેતાએ ક્યારેય આ વાત કબૂલ કરી જ નહીં.’શ્વેતા તિવારીએ ૧૯૯૮માં પરિવારની વિરુદ્ધ જઈને માત્ર ૧૮ વર્ષની વયે રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ ૨૦૦૦માં તેણે દીકરી પલક તિવારીને જન્મ આપ્યો હતો. એ જ સમયગાળા દરમ્યાન તેણે ટીવી-શો ‘આને વાલા પલ’થી પોતાની અભિનય-કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી ૨૦૦૧માં પ્રસારિત થયેલા લોકપ્રિય શો ‘કસૌટી ઝિંદગી કી’થી તેને દેશભરમાં સારી લોકપ્રિયતા મળી હતી. આ પછી શ્વેતાએ ૨૦૦૭માં છૂટાછેડા માટે અરજી કરી હતી અને આખરે ૨૦૧૨માં શ્વેતા અને રાજાના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા.
