લાઇસન્સ સસ્પેન્ડ કરતાં પહેલા નિયમ મુજબ અપાતી ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ ન આપી હોવાનો અરજીમાં દાવો
ફોર્ટમાં આવેલી છ દાયકા જૂની પ્રસિદ્ધ પૂર્ણિમા રેસ્ટોરાં.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ફોર્ટમાં આવેલી પ્રખ્યાત રેસ્ટોરાં પૂર્ણિમાનું ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને સ્ટૉપ-બિઝનેસની નોટિસ ફટકારવામાં આવી એની વિરુદ્ધ રેસ્ટોરાંએ બૉમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી છે. કાર્યવાહી કરતી વખતે યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનો અને લાઇસન્સ સસ્પેન્ડ કરતાં પહેલાં અપાતી ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ ન અપાઈ હોવાનો દાવો હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં રેસ્ટોરાં દ્વારા કરવામાં આવ્યો છે. FDA દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદે હોવાનું અરજીમાં છે. FDA દ્વારા અચાનક ઇન્સ્પેક્શન કરાયા બાદ ૨૩ જુલાઈએ અપાયેલી નોટિસને રદ કરવામાં આવે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે. આ સિવાય FDAએ આપેલા સસ્પેન્શન અને ક્લોઝર ઑર્ડર પર વચગાળાનો સ્ટે મૂકીને જ્યાં સુધી આ મામલે કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી રેસ્ટોરાં શરૂ રાખવા દેવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.
બૅક ઇન બિઝનેસ: પારસી ડેરી ફાર્મ ફરી ખૂલી ગયું
ADVERTISEMENT
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા અચાનક રેઇડ પાડીને ફૂડ-સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ સાઉથ મુંબઈની પ્રખ્યાત પારસી ડેરી ફાર્મનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું એનાં લગભગ બે અઠવાડિયાં બાદ ગઈ કાલે એને ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ૧૪ જુલાઈએ રેઇડ પાડવામાં આવી ત્યારે ખાદ્ય સુરક્ષાના નિયમોનું અને સ્વચ્છતાના નિયમોનું ગંભીર ઉલ્લંઘન થતું હોવાનું જણાતા એનું ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.
બૉમ્બે હાઈ કોર્ટનો સવાલ: FDAની ઝુંબેશમાં સરકારી અને અર્ધ-સરકારી કૅન્ટીનો આવરી લેવાઈ છે કે નહીં?
બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માગી છે કે ખાદ્ય પદાર્થો અને રસોડાની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં રાજ્ય તથા અર્ધ-સરકારી સંસ્થાઓ અને મંત્રાલયની કૅન્ટીનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં. આ સાથે જ અદાલતે મંત્રાલયની કૅન્ટીનમાં તાત્કાલિક નવેસરથી નિરીક્ષણ કરી શુક્રવાર સુધીમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
નવી મુંબઈની ‘પાર્ક ઇન બાય રૅડિસન’ હોટેલ દ્વારા એના ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ મોકૂફીના આદેશ સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જજ ગૌતમ અણખડની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમ્યાન બેન્ચે ટિપ્પણી કરી હતી કે માત્ર બે વાંદાઓ મળવાના કારણે લાઇસન્સ મોકૂફ રાખવું યોગ્ય નથી અને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વ્યાવહારિક વલણ અપનાવવું જોઈએ. આ સાથે જ અદાલતે હોટેલના લાઇસન્સ પરનો સ્ટે હટાવવાનો સંકેત આપ્યો હતો.
સુનાવણી દરમ્યાન અદાલતે તીખો સવાલ કર્યો હતો કે ‘FDA દ્વારા માત્ર ખાનગી સંસ્થાઓ સામે જ કાર્યવાહી કરવી યોગ્ય નથી. અત્યાર સુધીમાં કેટલી સરકારી કચેરીઓ, હાઈ કોર્ટ કે મંત્રાલય જેવી મહત્ત્વપૂર્ણ ઇમારતોની કૅન્ટીનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે?’
સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી કે આ ઝુંબેશમાં કોઈ પક્ષપાત રખાતો નથી અને અગાઉ પણ અનેક સરકારી તથા ક્લબની કૅન્ટીનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયની કૅન્ટીનનું નિરીક્ષણ ગત વર્ષે કરાયું હોવાનું જણાવતાં નામદાર અદાલતે ત્યાં તુરંત ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
