જીવનને કંઈ બીજું જ મંજૂર હતું એટલે આજે તે સાયન્ટિસ્ટને બદલે ટીવીની જાણીતી કલાકાર છે. માત્ર ૬ વર્ષની ઉંમરથી ઍક્ટિંગ કરતી ઝલકે અઢળક ટીવી-શો કર્યા છે. હાલમાં તે ‘અનુપમા’ સિરિયલમાં કામ કરી રહી છે
ઝલક દેસાઈ
ઍક્ટિંગ કરવાના ડ્રીમ ખાતર ભણવાનું છોડી દેનારા અઢળક લોકોના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પણ બાયોટેક્નૉલૉજી ભણીને જીન થેરપીમાં રિસર્ચ કરવા માગતી ચાઇલ્ડ આર્ટિસ્ટ ઝલક દેસાઈએ એક સમયે દિયા ઔર બાતી હમ જેવા શોને ના પાડી હતી, કારણ કે તે પોતાનું ગ્રૅજ્યુએશન સારી રીતે કરવા માગતી હતી. જોકે જીવનને કંઈ બીજું જ મંજૂર હતું એટલે આજે તે સાયન્ટિસ્ટને બદલે ટીવીની જાણીતી કલાકાર છે. માત્ર ૬ વર્ષની ઉંમરથી ઍક્ટિંગ કરતી ઝલકે અઢળક ટીવી-શો કર્યા છે. હાલમાં તે ‘અનુપમા’ સિરિયલમાં કામ કરી રહી છે
૧૯૯૮ની આસપાસનો સમય. ૬ વર્ષની ઝલક તેનાં મમ્મી ફાલ્ગુની દેસાઈ સાથે તેમના શૂટિંગ પર ગઈ હતી. કોણ જાણે તેને ત્યાં શું ગમી ગયું. કદાચ ઝગમગિયાં કપડાં કે ચળકતો મેકઅપ, પણ તે દોડીને મમ્મી પાસે ગઈ અને કહ્યું કે આ કામ તો મને પણ કરવું છે. વર્ષોથી ટીવી અને થિયેટરમાં ઍક્ટિંગ કરનારાં ફાલ્ગુનીબહેનને કોઈ જ વાંધો નહોતો અને ઝલકે ઍક્ટિંગ શરૂ કરી દીધી, પણ તે બીજા ચાઇલ્ડ આર્ટિસ્ટ કરતાં ઘણી જુદી હતી. ઝલક ભણવામાં ખૂબ જ હોશિયાર અને માર્ક્સ સ્કોર કરી જાણનાર હતી. ભણવું તેને ગમતું. દસમા ધોરણ પછી જ્યારે સાયન્સ લીધું ત્યારે પણ તેને એક સિરિયલ મળી હતી જેનું નામ હતું ‘સજન ઘર જાના હૈ’. આ સિરિયલ સાઇન કરતી વખતે પહેલી શરત એ જ હતી કે આવતા વર્ષે બારમું ધોરણ એટલે કે બોર્ડ છે અને ત્યારે હું બિલકુલ જ કામ નહીં કરું. મેકર્સે કહ્યું, એ તો ત્યારે જોઈશું. જોકે ઝલક ક્લિયર હતી કે બોર્ડમાં કામ નથી કરવું. બારમા પછી BSc વિથ બાયોટેક્નૉલૉજીમાં ઍડ્મિશન લીધું. એ સમયે સ્ટાર પ્લસ માટે ‘દિયા ઔર બાતી હમ’ નામનો શો બનાવનારા પ્રોડ્યુસર ઝલકના ઘરે પહોંચ્યા. તેનાં મમ્મી ફાલ્ગુની દેસાઈને તેમણે કહ્યું કે આ શોમાં ઝલકને અમે લીડ તરીકે લેવા માગીએ છીએ. ત્યારે ફાલ્ગુનીબહેને પ્રોડ્યુસર્સને ના પાડી અને કહ્યું કે તેને ભણવામાં રસ છે, તેને ગ્રૅજ્યુએશન સારી રીતે કરવું છે એટલે આ શો તે નહીં કરી શકે. એ સમયે એના પ્રોડ્યુસર્સ ઝલકને કહીને ગયેલા કે ભવિષ્યમાં તને ક્યારેય કામ કરવું હોય તો અમને ચોક્કસ મળજે. એ દિવસો યાદ કરતાં ઝલક કહે છે, ‘મને અબ્રૉડ જવું હતું કારણ કે બાયોટેક્નૉલૉજીમાં રિસર્ચ કરવું હોય તો બહાર જ વધુ સારી રીતે થઈ શકે એમ હતું. ભારતમાં એ સમયે એ બ્રાન્ચ થોડી નવી હતી. મને ઍડ્મિશન અને અમુક ટકા સ્કૉલરશિપ પણ મળી ગઈ હતી પરંતુ મારો પ્લાન ૨-૩ વર્ષ માટે જવાનો હતો. છેલ્લી ઘડીએ તેમણે એ કોર્સ પાંચ વર્ષનો કરી નાખ્યો. હું એક મધ્યમવર્ગની દીકરી હતી. મારા આ ભણતર માટે મમ્મી-પપ્પા તેમના જીવનભરનું બધું જ સેવિંગ મારી પાછળ વાપરી નાખે એ મને જરાય મંજૂર નહોતું. મારાથી નાનો એક ભાઈ હતો જેનું ભણતર બાકી હતું. એટલે ત્યાં જવાનું કૅન્સલ કર્યું. મારા જીવનનો કપરો સમય હતો એ. જે સપનાંઓ જોયાં હતાં એ તૂટી ગયાં, જેટલી મહેનત કરી હતી એ બધા પર પાણીઢોળ થઈ ગયું હતું. હું રોકાઈ ગઈ. એ જ પ્રોડ્યુસર પાસે પાછી ગઈ અને કહ્યું કે મને આ કામ કરવું છે. હું રોકાઈ ગઈ એના છ મહિનાની અંદર મમ્મીને મોટી શ્વાસની બીમારી આવી. એ સમયે પપ્પા રિટાયર થઈ ગયા અને ભાઈનું ગ્રૅજ્યુએશન ચાલુ થઈ ગયું હતું. મને એ વખતે જીવને સમજાવ્યું કે જે થાય એ સારા માટે. હું ત્યાં હોત તો મમ્મીનું ધ્યાન કેવી રીતે રાખત? અફસોસ છે કે જેટલું ભણવું હતું એ ન ભણી શકી. સેકન્ડ કોવિડ વખતે મમ્મી ગુજરી ગયાં એટલે જો મમ્મી સાથે ન રહી શકી હોત તો એના જેટલો વધુ અફસોસ બીજો કોઈ ન હોત મારા માટે. અહીં રહી તો ઍટ લીસ્ટ તેની સાથે રહી શકી.’
ADVERTISEMENT
કરીઅર
ઝલક દેસાઈએ નાનપણમાં ગુજરાતી ટીવી-સિરિયલોથી શરૂઆત કરેલી. તેની પહેલી સિરિયલ હતી ‘સ્વપ્ન કિનારે’, જે ઈટીવી ગુજરાતી પર આવતી હતી. એ પછી ‘અપરાજિતા’, ‘માસી મા’ નામની સિરિયલો પણ તેણે કરી. બાળકલાકાર તરીકે તેનો પહેલો હિન્દી શો હતો ‘હમ દો હૈં ના’. ‘લગાન’વાળી ગ્રેસી સિંહ સાથે એક મૂવી કરવાનો ચાન્સ પણ તેને મળ્યો જેનું નામ હતું ‘ચંચલ’, જ્યાં તે શીખી ઘણું પરંતુ એ મૂવી રિલીઝ જ ન થઈ. એ પછી તેણે ‘સાત ફેરે-સલોની કા સફર’ સિરિયલ કરી. ગ્રૅજ્યુએશન પતી ગયા પછી જ્યારે તેણે નિર્ણય લીધો કે હું ઍક્ટિંગને જ કરીઅર બનાવીશ એ પછી તેણે ‘લાડો-2’, ‘સજન ઘર જાના હૈ’, ‘હમ આપકે ઘર મેં રહતે હૈં’, ‘મુંહબોલી શાદી’, ‘રાધા ક્રિશ્ન’, ‘સિયા કે રામ’, ‘એક રિશ્તા સાઝેદારી કા’, ‘લાલ ઇશ્ક’, ‘નમઃ લક્ષ્મીનારાયણ’, ‘શુભારંભ’, ‘કર્માધિકારી શનિદેવ’, ‘કાશી વિશ્વનાથ’ જેવી હિન્દી સિરિયલોમાં કામ કર્યું. હાલમાં સ્ટાર પ્લસ પર આવતી ‘અનુપમા’ સિરિયલમાં ખ્યાતિ પટેલ કોઠારી નામનું પાત્ર તે ભજવી રહી છે.
બાળપણ
ઝલકના પપ્પા મૂળ વલસાડના હરિયા ગામના હતા. મમ્મી મુંબઈનાં. ઝલકનો જન્મ પણ મુંબઈમાં જ. અંધેરીમાં તે જન્મી અને મોટી થઈ. ભણતર તેણે આર. એન. શાહ હાઈ સ્કૂલ, જુહુમાં કર્યું જ્યાં આ વર્ષે ૨૬ જાન્યુઆરીએ ચીફ ગેસ્ટ બનીને તે ધ્વજારોહણ માટે ગઈ હતી. મીઠીબાઈ કૉલેજમાંથી આગળનું ભણતર તેણે પૂરું કર્યું હતું. પોતાના નાનપણની વાતો વાગોળતાં તે કહે છે, ‘મને ઍક્ટિંગ કરવી ગમતી પણ એક બાળક તરીકે મને યાદ છે મને હંમેશાં અફસોસ થતો કે મને રમવા નથી મળતું. એટલે એક વર્ષ હું કામ કરતી અને બીજા વર્ષે હું બ્રેક લેતી. ખૂબ રમતી, ફરી એક વર્ષ કામ અને એ પછી પાછો બ્રેક. આવું કર્યા કરતી. જેમ કે બીજા ધોરણમાં મેં બ્રેક લીધો હતો. ત્રીજામાં કામ કર્યું. ચોથામાં ફરી બ્રેક અને પાંચમામાં કામ કર્યું. પાંચમામાં મને યાદ છે કે મને કમળો થયેલો. એ સમયે રજા ન મળી. મમ્મી મારી સાથે આવેલી શૂટ પર. ગુજરાતી સિરિયલોમાં એ સમયે લાઇવ લોકેશન હોય, રૂમ જેવી કોઈ સુવિધાઓ ન હોય. જેવો મારો સીન પતે એટલે કોઈ ઘરના ઓટલે મમ્મીના ખોળામાં સૂઈ જતી. ખૂબ નાની ઉંમરે મમ્મીએ મને સમજાવેલું કે કામ એટલે કામ, કોઈ પણ સંજોગોમાં એ અટકી ન શકે.’
ચાઇલ્ડ આર્ટિસ્ટનું જીવન
ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તમે કામ શરૂ કર્યું હોય ત્યારે નાનપણથી જ કામનું મહત્ત્વ તમને સમજાવા લાગે છે. પ્રોફેશનલિઝમ કોને કહેવાય એની સમજ આવતી જાય છે એટલું જ નહીં, દરેક વ્યક્તિ અહીં રિપ્લેસેબલ છે. આજે તમે છો અને કાલે તમારી જગ્યા કોઈ બીજું લઈ જશે જેવા કટુ અનુભવો પણ ખૂબ નાની ઉંમરે બાળકના જીવનમાં આવે છે. આવો જ એક કિસ્સો બનેલો જ્યારે ઝલકને સ્કૂલમાંથી પિકનિક પર લઈ જવાના હતા. એના વિશે વાત કરતાં તે કહે છે, ‘એક વર્ષ મને મમ્મી-પપ્પાએ સ્કૂલ પિકનિક પર જવા નહોતી દીધી અને બીજા વર્ષે પિકનિક થઈ નહોતી. હું છઠ્ઠામાં આવી ત્યારે પિકનિક થવાની હતી એ સમયે હું ‘હમ દો હૈં ના’ નામની સિરિયલ કરી રહી હતી. મેં છુટ્ટી માગી તો તેમણે ના પાડી દીધી. હું ખૂબ રડી. ૩ વર્ષથી હું રાહ જોઈ રહી હતી પિકનિક પર જવાની અને આ વર્ષે તો મારે જવું જ હતું. મેં મમ્મીને કહ્યું કે કંઈ પણ કરો, મારે પિકનિક પર જવું છે. મમ્મીએ મને સમજાવ્યું કે બધું જ જીવનમાં શક્ય નથી, અમુક ઇચ્છાઓનો ભોગ તો આપવો જ પડે; જો તને કામ ન કરવું હોય તો છોડી દે. હું પિકનિક પર જવા માટે કામ છોડવા પણ તૈયાર થઈ ગઈ ત્યારે પ્રોડક્શને મને કહ્યું કે સારું, તમે કામ ન છોડો, અમે ઍડ્જસ્ટ કરીએ છીએ; તમે પિકનિક પરથી આવીને પાછા જોડાઈ જજો. પિકનિક પર હું ગઈ. પાછી આવી. મેં રેગ્યુલર કામ શરૂ કર્યું. એક દિવસ હું સવારે શૂટ પર ગઈ. લંચ-બ્રેક પડ્યો. હું જોઉં છું કે મારી સામે મારો જ કૉસ્ચ્યુમ પહેરીને બીજી એક છોકરી ઊભી છે. મને કહેવામાં આવ્યું કે આજથી તમે છુટ્ટા. કોઈ નોટિસ-પિરિયડ નહીં, કોઈ જાણકારી નહીં. બસ, આમ જ એ જ ક્ષણે તમારી જગ્યાએથી તમને હટાવી દીધા. પિકનિક માટે હું રડી હતી એ જ રીતે હું એ દિવસે પણ ખૂબ રડી. ખૂબ નાની ઉંમરમાં મોટો પાઠ ભણી લીધેલો મેં.’
અંગત જીવન
ઝલક ૨૦ વર્ષની હતી ત્યારે મિત્રોના ગ્રુપ સાથે તે મળી નીરવ શાહને અને બન્ને પ્રેમમાં પડ્યાં. ઘરના બધાને કંઈ વાંધો નહોતો એટલે તેઓ ૨૦૨૦ના ડિસેમ્બરમાં પરણ્યાં. એ સમયે ઝલક ૨૫ વર્ષની હતી. લગ્ન લાંબાં ખેંચાત પણ ઝલકનાં મમ્મીની તબિયત ખરાબ રહેતી હતી. તેમને હતું કે તેમની સામે જ લગ્ન થઈ જાય. લગ્નના પાંચ મહિના પછી મમ્મી મૃત્યુ પામ્યાં. આ સમયે પણ ઝલકને લાગ્યું કે જે પણ થાય એ સારા માટે જ થાય છે. નીરવ શાહ બિઝનેસમૅન છે. બ્રાહ્મણની દીકરી જૈન કુટુંબમાં પરણીને ગઈ છે. સાસુ-સસરા, દિયર-દેરાણી સાથે સંયુક્ત પરિવારમાં પ્રેમથી જીવન વ્યતીત થઈ રહ્યું છે.
જલદી ફાઇવ
શેનાથી ડર લાગે? : દરેક પ્રકારના પ્રાણીથી. મને જ્યારે ‘અનુપમા’માં કામ મળ્યું ત્યારે કૉન્ટ્રૅક્ટ સાઇન થઈ ગયો એ પછી મને ખબર પડી કે સેટ પર અઢળક કૂતરાઓ છે. એ બે રાત હું સૂઈ ન શકી. ત્રીજા દિવસે ડરતાં-ડરતાં કામ પર ગઈ. મેં તેમના પ્રોડક્શનવાળા લોકોને કહ્યું પણ ખરું કે તમે મને કેમ ન કહ્યું કે તમારા સેટ પર આટલા કૂતરાઓ છે? એ લોકો પણ મારો ડર જોઈને હસતા હતા. આટલો સમય થયો કામ કરતાં-કરતાં, હવે ડર ઓછો છે, પણ છે તો ખરો.
શોખ : મને બૅડ્મિન્ટન રમવાનો શોખ છે. ડ્રાઇવ કરવાનો શોખ છે. ફરવાનો પણ ખૂબ શોખ છે. ભારતમાં પણ ઘણી જગ્યાએ અને ભારતની બહાર થાઇલૅન્ડ, દુબઈ, શ્રીલંકા, હૉન્ગકૉન્ગ, કમ્બોડિયા, વિયેતનામ, મ્યાનમાર હું ફરી આવી છું.
પ્રથમ પ્રેમ : મારી મા
અફસોસ : મને એ અફસોસ છે કે મમ્મી પાસેથી મેં તેની રેસિપીઝ ન શીખી. તે જતી રહી પછી હું તેને અને તેના ફૂડને ખૂબ મિસ કરું છું. મમ્મી એક ડિશ બનાવતી જેને અમે બેક્ડ ડિશ જ નામ આપેલું એ મને ખૂબ ભાવતી. તેનો બનાવેલો સાંભાર, તેના હાથની પાંઉભાજી અને બનાના-વૉલનટ કેક મને તેના જેવાં બનાવતાં નથી આવડતું એનો અફસોસ છે. ક્યાંક એ રેસિપીઝ લખી લેવી જોઈતી હતી.
બકેટ લિસ્ટ : મેં હંમેશાં અલગ-અલગ પ્રકારનું કામ કર્યું છે. મેં ફૅમિલી-ડ્રામા, કૉમેડી, માઇથોલૉજીમાં કામ કર્યું છે. હવે મને વેબ-શોઝમાં કામ કરવું છે. કોઈ સરસ વાર્તા મળે એવી ઇચ્છા રાખું છું.
