નેટફ્લિક્સ પર આવનારી આ ફિલ્મ એક નવા પ્રકારનો બૉલીવુડ કૉમેડી ડ્રામા છે
‘ધૂમ ધામ’
OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સે ફિલ્મોના શોખીન દર્શકોને ૧૪ ફેબ્રુઆરીએ ખાસ ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કર્યું છે. એ દિવસે નેટફ્લિક્સ પર ‘ધૂમ ધામ’નું સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ફિલ્મ એક નવા પ્રકારનો બૉલીવુડ કૉમેડી ડ્રામા છે. આ ફિલ્મનાં મુખ્ય કલાકારો છે યામી ગૌતમ અને પ્રતીક ગાંધી. ફિલ્મની વાર્તા ખૂબ રસપ્રદ અને મજેદાર છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી ડૉ. વીરની ભૂમિકા ભજવી રહ્યો છે. વીર ગુજરાતનો ૨૯ વર્ષનો પશુચિકિત્સક છે. તે બહુ શરમાળ અને નમ્ર છે. ‘ધૂમ ધામ’માં યામી ગૌતમ કોયલની ભૂમિકા ભજવી રહી છે. કોયલ એક મસ્ત અને બેફિકર મહિલા છે. ફિલ્મમાં વીર અને કોયલનાં લગ્ન થાય છે, પણ લગ્નની પહેલી રાત તેમને માટે મોટી સરપ્રાઇઝ લઈને આવે છે. લગ્ન પછી અચાનક બધી ઊથલપાથલ થાય છે અને લગ્ન પછીનો તેમનો સાથ એક રોમાંચક સાહસમાં ફેરવાઈ જાય છે. આ ઘટનાક્રમમાં અનપેક્ષિત ઘટનાઓ અને મજેદાર વળાંકો આવે છે. ફિલ્મમાં હાસ્ય અને ઍક્શનનું શાનદાર મિશ્રણ છે જે દર્શકોને હસાવશે અને રોમાંચિત કરશે.

