શાસ્ત્રોમાં અમુક વાત, વ્યક્તિ અને પ્રાણીઓને શુભ સંકેત તરીકે જોવામાં આવે છે, એ શુભ સંકેત શું છે એ જાણવા જેવું છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં ‘શુકન’નું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કામ માટે ઘરેથી નીકળીએ અને કેટલીક ખાસ વસ્તુઓ કે વ્યક્તિઓ સામે મળે તો એ કાર્ય સફળ થવાના સંકેત આપે છે. આ વ્યક્તિ કે વસ્તુઓ શું છે એ જાણ્યું હોય તો એનાથી કામ કરવાનો વિશ્વાસ પણ વધી જાય છે.
ગાયનું સામે મળવું
ADVERTISEMENT
ઘરેથી નીકળતી વખતે જો ગાય સામે મળે તો એ કાર્યસિદ્ધિનો સંકેત છે. એમાં પણ જો વાછરડું અને ગાય એટલે કે મા અને સંતાન બન્ને સાથે જોવા મળે તો એ અતિ ઉત્તમ સંકેત માનવામાં આવે છે. કાર્યસિદ્ધિ સમાન મનાતા આ સંકેતમાં કહેવામાં આવ્યું છે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો એ કાર્ય તમારા હિતમાં હશે તો ચોક્કસ પૂર્ણ થશે. એટલે જો કાર્ય સંપન્ન ન થાય તો એને પણ કુદરતનો શુભ સંકેત માનવો જોઈએ.
પાણી ભરેલું પાત્ર
શહેરમાં આ વાત જરા અજુગતી લાગે પણ જો ઘરેથી નીકળો અને કોઈ સ્ત્રી પાણી ભરેલા ઘડા કે માટલા સાથે સામે આવે તો એને ધનલાભ અને સફળતાની સાઇન ગણવામાં આવે છે. આ જ કારણે ધીમે-ધીમે શહેરમાં એક પ્રથા શરૂ થઈ હતી કે ઘરના મોભી ઘરેથી નીકળતા હોય ત્યારે પત્ની કે અન્ય કોઈ સ્ત્રી પાત્ર તેને પાણીનો ગ્લાસ આપે. આ એક સહેજ રીતે થતી પ્રક્રિયા હોવી જોઈએ. પાણી જો આપવામાં આવે તો એ ગ્લાસ માટીનો કે તાંબાનો હોવો જોઈએ.
આરતી કે ઘંટારવ
જો ઘરેથી નીકળતી વખતે જ કાને મંદિરની આરતી કે ઘંટારવ સંભળાય, આરતીનાં દર્શન થાય કે અનાયાસ જ ધૂપદીવા કરતી કોઈ વ્યક્તિ જોવા મળી જાય તો એને ઈશ્વરીય આશીર્વાદ માનવા અને દિવસ દરમ્યાન મળનારી અડચણોમાંથી સાંગોપાંગ બહાર નીકળશો એવો સંકેત ગણવો. જો કોર્ટ કે અન્ય કોઈ વિવાદિત ચર્ચા માટે જવાનું બન્યું હોય અને એવા સમયે આ સંકેતો મળે તો જીતને નિશ્ચિત માનવી. હા, એ પણ યાદ રાખવું કે એ કાર્યમાં તમે સત્યની સાથે ચાલતા હોવા જોઈએ કારણ કે શુભ સંકેત હંમેશાં સાચી અને પ્રામાણિક વ્યક્તિને જ શુભ પરિણામ આપે છે.
સૌભાગ્ય કે મંગળકારી ચિહ્નો
ઉદાહરણ સાથે કહીએ તો સોળ શણગાર સાથે જતી સૌભાગ્યવતી સ્ત્રીનું સામે મળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો કુમારિકાનું મળવું ઘરમાં લક્ષ્મીજીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત અનાયાસ જ આંખ સામે સ્વસ્તિક, ઓમકાર, શંખ કે ત્રિશૂલ જેવી પ્રતિકૃતિ જોવા મળી જાય તો એને પણ શુભ માનવામાં આવે છે. મંદિર માટે ફૂલ કે હાર લઈ જતી વ્યક્તિનું સામે મળવું પણ શુભત્વ ધરાવે છે. આ પ્રકારનાં ચિહનો દેખાવું એ કાર્ય સફળતાની નિશાની છે.
સફાઈ કામદારનું મળવું
જો સવારે ઘરની બહાર નીકળો અને સફાઈ કામદાર સામે મળે તો તેને બક્ષિસ આપીને રાજી કરવા જોઈએ. આવું કરવું એ રાહુનું સન્માન કર્યા સમાન છે. સફાઈ કામદારનું સામે મળવું પણ ખૂબ જ શુકનવંતું માનવામાં આવે છે, કારણ કે તે કચરારૂપી નકારાત્મકતા દૂર કરવાનું કામ કરે છે જે દશાર્વે છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થવાનો સમય આવી ગયો છે અને દિવસ
દરમ્યાન તમારે નેગેટિવિટીનો કોઈ સામનો નહીં કરવો પડે. સફાઈ કામદારને ખુશ કરવાનો અર્થ છે કે દિવસ દરમ્યાન તમે મોટી સફળતાને આવકારી રહ્યા છો. અગાઉ અનેક વખત કહ્યું છે, આજે રિપીટ કરવાનું કે રાહુનું શુભ પરિણામ લૉટરી સમાન હોય છે.
દહીં કે દૂધ
જો કોઈ વ્યક્તિ આ સામગ્રી લઈને આવતી જોવા મળે તો માનવું કે દિવસ દરમ્યાન તમે નિર્વિઘ્ને કાર્ય પૂરું કરી શકશો. દૂધ સાથે કોઈ વ્યક્તિ જોવા મળે તો એ પ્રસિદ્ધિ મળવાના નિશાન સમાન પણ છે. જો દહીં સાથે વ્યક્તિ મળે તો એવું પણ કહી શકાય કે દિવસ દરમ્યાન શુકનવંતા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. દૂધ અને દહીંને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે એટલે એનો એક અર્થ એવો પણ થાય કે ઘરમાં સમૃદ્ધિ આવી શકે છે.


