સ્ટેટ ઇલેક્શન કમિશને આવા ઉમેદવારોનો ડિટેઇલ્ડ રિપોર્ટ મગાવ્યો, કહ્યું કે આ રિપોર્ટને મંજૂરી ન મળે ત્યાં સુધી કોઈ કૅન્ડિડેટ વિજેતા નહીં ગણાય
વિરોધ
રાજ્યમાં ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ પાર પડવાની છે ત્યારે અનેક ઉમેદવારો બિનવિરોધ જીતી જતાં સ્ટેટ ઇલેક્શન કમિશને આ બાબતે તેમનો વિગતવાર રિપોર્ટ મગાવ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા મુજબ ૭૦ જેટલા ઉમેદવારો અત્યાર સુધી બિનવિરોધ જીતી ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૪૪, એકનાથ શિંદેની શિવસેનાના બાવીસ, અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના બે, જ્યારે અન્ય બે નાની પાર્ટીના કે અપક્ષ ઉમેદવારો હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્ટેટ ઇલેક્શન કમિશનના એક ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘જ્યારે પણ કોઈ ઉમેદવાર બિનવિરોધ જીતી જાય ત્યારે કમિશન એ માટેનો ડિટેઇલ્ડ રિપોર્ટ મગાવે છે અને એ રેગ્યુલર પ્રોસીજર છે. હાલ પણ એ રિપોર્ટ મગાવવામાં આવ્યા જ છે.’
ADVERTISEMENT
કુલ કેટલા ઉમેદવારો બિનવિરોધ જીતી ગયા છે એનો ચોક્કસ આંક જ્યારે તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હજી સુધી એ ફાઇનલ આંકડો અમારી પાસે આવ્યો નથી. જ્યાં સુધી એ ડિટેઇલ્ડ રિપોર્ટ સબમિટ ન કરાય અને અપ્રૂવ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર જીતેલો જાહેર કરાતો નથી.’
આ સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મેં અત્યાર સુધી ઘણી ચૂંટણીઓ જોઈ છે, પણ આટલા બધા ઉમેદવાર બિનવિરોધ ચૂંટાઈ આવે એવું ક્યારેય જોયું નથી.’
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ બાબતે BJP અને એના સાથીપક્ષોને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘ઉમેદવારોને ધમકાવીને તેમની પાસેથી બળજબરીથી ફૉર્મ પાછાં ખેંચાવાય છે. આ બીજુ કંઈ નહીં પણ સત્તાનો દુરુપયોગ છે.’
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)માં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મોટી સંખ્યામાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ થાણેના કોર્ટ નાકા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક સામે કાળી રિબન બાંધીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી તેમને પાંચ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ચૂંટણીના છેલ્લા દિવસે ૧૦૦ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો હતો એવા આરોપ MNSના નેતા અવિનાશ જાધવે કર્યા છે.
NOTAનું બટન દબાવવા મળશે?
ઘણાબધા ઉમેદવારો બિનહરીફ હોવાથી જે મતદારો NOTA એટલે કે નન ઑફ ધ અબવનું બટન દબાવવા માગતા હતા તેમણે સવાલ કર્યો છે કે અમારા મતદાન-હકનું શું? અમને બૂથ પર જઈને NOTA બટન દબાવવા મળશે કે નહીં? ટેક્નિકલી મતદાન ગુપ્ત રીતે જ કરવાનું હોય છે, કોને મત આપો છો એ જણાવવાનું હોતું નથી. બીજું NOTAની જોગવાઈ છે ખરી, પણ જો ઉમેદવારને મત મળે એ NOTA કરતાં ઓછા હોય તો પણ એ જીતેલો જ ગણાય છે. એથી આ બાબતે મડાગાંઠ સર્જાઈ છે.


