° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


તમારે ગુડ બનવું છે કે પછી ગ્રેટ બનવું છે?

05 September, 2021 08:18 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

કાકા બેઠા એટલે કાકાની સાથે એ પણ સામે જ બેઠો. તેની આંખોનો પ્રભાવ એવો કે તમને વાત કરવાનું મન થયા વિના રહે નહીં.

તમારે ગુડ બનવું છે કે પછી ગ્રેટ બનવું છે?

તમારે ગુડ બનવું છે કે પછી ગ્રેટ બનવું છે?

વય તો એ બાળકની માંડ ૧૦ વર્ષની, એકાદ વર્ષ ઓછું હશે પણ વધારે નહીં એની ગૅરન્ટી. જન્મે એ જૈન નથી અને ભણતર એનું ગુજરાતી સ્કૂલમાં ચાલુ નથી છતાં આજે એ પહેલી વાર પોતાના કાકા સાથે ઉપાશ્રયમાં આવ્યો છે. આંખમાં નિર્દોષતા તો છે જ પણ એ નિર્દોષતાની સાથોસાથ તેની આંખોમાં ભારોભાર કુતૂહલ પણ છે. જૈન સાધુનાં દર્શન તેની માટે પહેલી જ વખતનાં છે. કાકા પગે લાગ્યા એટલે એ પણ પગે લાગ્યો. કાકા બેઠા એટલે કાકાની સાથે એ પણ સામે જ બેઠો. તેની આંખોનો પ્રભાવ એવો કે તમને વાત કરવાનું મન થયા વિના રહે નહીં.
‘તું શું ભણે છે?’
‘પાંચમું ધોરણ...’ 
જે આત્મવિશ્વાસ તેની આંખોમાં દેખાતો હતો એ જ આત્મવિશ્વાસ તેના જવાબમાં પણ નીતરતો હતો.
‘આગળ ક્યાં સુધી ભણવાનો છે?’ 
‘અત્યારથી તો શી ખબર પડે? હજી તો ઘણું ભણવાનું છેને?’
‘પણ ભાઈ, ભણીને શું થવું એ તો ખબર હોયને?’ 
‘હા પણ મેં હજી એ દિશામાં વિચાર્યું નથી.’
તેના જવાબોની જે સ્પષ્ટતા હતી એ વિચારોની સ્પષ્ટતા હતી.
‘મોટો થઈને શું બનવાનો?’
‘ક્રિકેટર...’
‘ક્રિકેટર?’ સામાન્ય રીતે આવો જવાબ સાંભળવા મળતો નહીં એટલે મને આશ્ચર્ય થયું, ‘ક્રિકેટર થઈને બહુ બધા પૈસા કમાવવા લાગે છે?’
‘ના...’
‘તો છાપામાં ફોટો આવે એવું કરવું લાગે છે?’
‘ના...’
‘તો પછી ક્રિકેટર કેમ બનવું છે, કારણ શું ક્રિકેટર બનવાનું?’
એ છોકરાએ જે જવાબ આપ્યો એ જવાબમાંથી જ આજના આ લેખની પ્રેરણા મળી એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય.
‘દુનિયામાં આપણા ભારત દેશનું નામ અત્યારે બગડેલું છે. બીજા દેશના લોકો ભારતનું નામ ગણતરીમાં લેતા નથી. હું એવો જોરદાર ક્રિકેટર બનીશ કે એ લોકોને ભારતનું નામ લેવું જ પડે. આપણે જે દેશમાં રહેતા હોઈએ એ દેશનું નામ બગડેલું હોય એ કેમ ચાલે, મારે દેશનું નામ મોટું કરવું છે ને એની માટે મારે ક્રિકેટર બનવું છે.’
એક નાનકડા બાળકના મનમાં વસેલા દેશ માટેના આ પ્રેમની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. જોકે એ સ્તબ્ધતાને છુપાવીને એના મનને ચકાસવાની પ્રક્રિયાના ભાગરૂપે તેની સાથેની પ્રશ્નોત્તરી મેં ચાલુ રાખી. 
‘વાત તો સારી છે તારી પણ મને લાગતું નથી કે કહે છે એવો જોરદાર ક્રિકેટર તું બની શકે.’
‘કેમ?’
‘તારું શરીર તો જો...’
‘કેમ કેવું છે ?’
‘વજનદાર છે, સ્પોર્ટસમૅનનું શરીર આવું કેવી રીતે...’
તેણે કોઈ પણ જાતના ક્ષોભ વિના સીધો જ જવાબ આપ્યો.
‘અરે, એમાં વાંધો નહીં. આજે ઘણા ખેલાડીઓ છે કે જેનું વજન વધારે છે, પહેલવાન છે અને છતાં પણ એ ક્રિકેટ રમે છે.’ પોતાના જવાબથી પોતાને જ સંતોષ ન થયો હોય એમ તેણે પોતાના બન્ને હાથને જોયા અને પછી કહ્યું, ‘ને તોયે એવું લાગશે કે વજનને લીધે હું ક્રિકેટ નહીં રમી શકું તો શરીર ઉતારી દઈશ પણ બનીશ ગ્રેટ ક્રિકેટર, ને રમીશ ક્રિકેટ જો જો તમે...’
‘હમં...’ તેની દૃઢતા અને બૌદ્ધિકતા જોઈને મેં તેને પૂછ્યું, ‘એક સવાલનો સાચેસાચો જવાબ આપીશ?’
‘પૂછો... સાચું જ બોલતાં આવડે 
છે મને...’
પરાણે વહાલા લાગતાં એ બાળકને મેં પૂછ્યું.
‘તને ગ્રેટ બનવું ગમે કે પછી ગૂડ?’
‘સમજાયું નહીં મને...’
‘સમજાવુંને...’ મેં તેને પાસે બોલાવ્યો, ‘દુનિયાને આપણે ગમીએ, દુનિયા આપણા વખાણ કરે અને આપણી સાથે રહેવા માગે એને ગ્રેટ બન્યા કહેવાય અને ભગવાનને આપણે ગમીએ, ભગવાન આપણને જોઈને રાજી થાય એને ગુડ બન્યા કહેવાય...’
‘એમ, એવું હોય...’
‘હા...’
‘તો તો હું ગુડ બનીશ. ભગવાનને ન ગમીએ અને બીજા બધાને ગમીએ એ કંઈ સારું ન કહેવાય. ભગવાનને ગમીએ તો બધાને ગમીએ, ને એવા જ બનવાનું હોય આપણે...’
જવાબ આપી દીધા પછી તેણે 
સામે જોયું.
‘મહારાજસાહેબ, હું તમને એક 
વાત પૂછું?’
‘શું?’
‘આપણે ગુડ બની જઈએ અને 
એ પછી આપણે ગ્રેટ બનીએ તો ચાલે કે નહીં?’
‘ચાલેને.’
‘બસ, તો મારું આ નક્કી. પહેલાં હું ગુડ બનીશ. એકવાર ગુડ બની જઈશ પછી હું ગ્રેટ બનવાનું કામ કરીશ... એવું કરીએ તો ભગવાનને પણ ગમેને?’
‘હા, ભગવાનને એવું બહુ ગમે...’
‘તો પહેલાં ભગવાનને ગમે એવું બનીશ ને પછી દેશને ગમે એવું કરીશ...’ 
કેવો નિર્દોષભાવ, કેવી વૈચારિકતા, કેવું ચાતુર્ય. આવું નિર્દોષ બાળપણ ભૂલું ન પડી જાય એ અંગે કોણ સાવધ છે એ પ્રશ્ન છે. પર્યૂષણ મહાપર્વના દિવસોમાં મહાવીરના સંતાન તરીકે સેવા-પૂજા અને તપ કરીએ પણ સાથોસાથ દેશના ભાવિ એવા બાળપણનું જતન અને ઘડતર પણ કરતાં જઈએ.

05 September, 2021 08:18 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

એટલું યાદ રાખજે કે તું સુખ દેવા માટે પરણી છે, સુખ લેવા માટે નહીં

પરણ્યાના એક જ વર્ષમાં ડૉક્ટર સાથે એ બહેનનું વ્યક્તિત્વ એટલું સમાઈ ગયું કે ઘરના વડીલો સહિત ડૉક્ટર-પતિએ તિજોરીની ચાવી, બૅન્કોની પાસબુક બધું તેમને સોંપી દીધું. 

25 October, 2021 01:10 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

મનમાંથી હુંકાર કાઢે એના હૈયે જ સમર્પણભાવ આવે

સાગર પણ સરિતાનું સ્વાગત કરવા ઘુઘવાટ કરીને ભરતીનાં પ્રચંડ મોજાંઓના બાહુ દ્વારા દૂર-દૂર સુધી સામૈયું લઈ જાય છે. જેમ સરિતા તથા સાગરની કુદરતી પ્રક્રિયા છે એમ સ્ત્રી-પુરુષની પણ કુદરતી પ્રક્રિયા છે.

24 October, 2021 12:17 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

24 October, 2021 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK