Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના ૪ જણનું તેહરાનમાં અપહરણ

ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના ૪ જણનું તેહરાનમાં અપહરણ

Published : 28 October, 2025 07:10 AM | IST | Sabarkantha
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ચારમાંથી એક કપલ છે, તેમને બંધક બનાવીને બે કરોડની ખંડણીની માગણી કરવામાં આવી: નગ્ન કરી, માર મારી, વિડિયો ઉતારીને પરિવારને મોકલ્યો : હર્ષ સંઘવીથી અમિત શાહ સુધી કરવામાં આવી રજૂઆત

તેહરાનમાં બંધક બનાવવામાં આવેલાં અજય ચૌધરી અને તેની પત્ની પ્રિયા.

તેહરાનમાં બંધક બનાવવામાં આવેલાં અજય ચૌધરી અને તેની પત્ની પ્રિયા.


વિદેશ જવાની ઘેલછા ઘણી વાર કેવી ભારે પડે છે એના બનાવો અવારનવાર સામે આવતા હોય છે ત્યારે વધુ એક આવો બનાવ ઉત્તર ગુજરાતના માણસા તાલુકામાં બન્યો છે. માણસા તાલુકાનાં બે ગામના ચૌધરી સમાજના એક કપલ સહિત ૪ યંગસ્ટર્સનું ઈરાનના તેહરાનમાં અપહરણ કરીને તેમને બંધક બનાવવામાં આવ્યાં છે. મહિલાને છોડીને બાકીનાને નગ્ન કરી, માર મારી, તેમનો વિડિયો ઉતારી તેમના પરિવારને મોકલીને બે કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાની વાત બહાર આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કેસમાં ગામના સરપંચથી લઈને સ્થાનિક વિધાનસભ્યે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને તમામ બંધકોને ભારત પાછા લાવવાની રજૂઆત કરી છે.

બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામનાં અજય ચૌધરી અને તેની પત્ની તેમ જ અનિલ ચૌધરી અને બદપુરા ગામનો નિખિલ ચૌધરી ૧૯ ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા જવા નીકળ્યાં હતાં. દિલ્હીનો એજન્ટ હતો અને દિલ્હીથી બૅન્ગકૉક, દુબઈ થઈને તેઓ તેહરાન પહોંચ્યાં હતાં. ત્યાં ઍરપોર્ટ પરથી તેમનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યાં હતાં. અપહરણકર્તાઓએ ૩ પુરુષોને માર મારી, એનો વિડિયો બનાવીને રવિવારે સાંજે પરિવારને મોકલ્યો હતો અને પૈસાની માગણી કરી છે. આ ઘટનાની જાણ થતાં માણસા વિસ્તારના વિધાનસભ્ય જયંતી પટેલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે વાત કરીને ચારેય લોકોને છોડાવીને ભારત પાછા લાવવા માટે રજૂઆત કરી હતી.’



ગુજરાત સહિત આખા દેશમાંથી લોકો જીવને જોખમમાં મૂકીને બે નંબરના રસ્તે વિદેશ જતા હોવાના અસંખ્ય દાખલા સામે છે ત્યારે આ કેસમાં પણ આ લોકો બેનંબરી રીતે જતા હોય એવી શંકા સેવાઈ રહી છે. આ ચારેય જણની ઉંમર ૨૫થી ૩૫ વર્ષની છે. કિડનૅપરનું નામ બાબા હોવાનું પણ સામે આવ્યું છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે અપહરણકર્તાઓએ એવી પણ ધમકી આપી છે કે જો પૈસા નહીં મળે તો તમામ બંધકોની કિડની કાઢી લેવામાં આવશે. જે રીતે પરિવારજનોને વિડિયો મોકલ્યા છે એ જોતાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે અને કેટલાક સભ્યોની માનસિક હાલત કફોડી થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2025 07:10 AM IST | Sabarkantha | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK