નજરદોષ બહુ સામાન્ય ઘટના છે; અન્યની ઈર્ષ્યા નજરદોષ બનીને વ્યક્તિને અશાંત કરવા ઉપરાંત તેની શારીરિક, માનસિક અને સામાજિક પ્રગતિ અટકાવવાનું કામ કરે છે
જો વારંવાર નજર લાગતી હોય તો શું કરવું?
શાસ્ત્રો મુજબ ‘ગુપ્તતા’ પણ એક સુરક્ષા છે. તમારી અતિશય ખુશી, સફળતા કે ધન-સંપત્તિનું પ્રદર્શન દરેકની સામે ન કરવું જોઈએ. સંયમ રાખવાથી નજર લાગવાની શક્યતા ઘટી જાય છે.
નજર લાગવી એને બહુ સામાન્ય ઘટના માનવામાં આવે છે. લોકજીવનમાં એવી માન્યતા પ્રચલિત છે કે જે વ્યક્તિ હંમેશાં હસતી, સુખી અને ખુશ દેખાતી હોય તેને નજરદોષ જલદી લાગે છે. શાસ્ત્રોમાં જે ‘નજર લાગવી’ કહેવાયું છે એનો સીધો અર્થ છે નકારાત્મક એટલે નેગેટિવ ઊર્જાના પ્રભાવમાં આવવું. જ્યારે ઈર્ષ્યા કરનારાઓ આજુબાજુમાં વધી જાય, જ્યારે તમારી ખુશી કે સફળતા વિશે જાણ્યા પછી તમને મોઢા પર કશું કહી ન શકે ત્યારે તેનામાં રહેલી નેગેટિવ એનર્જી સામેની વ્યક્તિની આભા એટલે કે ઑરા પર અસર દેખાડવાનું શરૂ કરે છે. આ જ કારણોસર કદાચ શાસ્ત્રોમાં કહેવાયું છે કે સુખ હોય કે ખુશી, એ દરેક સામે વ્યક્ત કરવી કે રજૂ કરવી ન જોઈએ. સાથોસાથ એ પણ કહેવાનું કે દરેક તબક્કામાં બહુ ખુશ રહેવાનો પ્રયાસ કરીને પણ અન્ય કોઈની ઈર્ષ્યાને આમંત્રણ આપવું જોઈએ નહીં. ઘણી વખત દુખી રહેનારા આ જ કારણે અંગત જીવનમાં સૌથી વધારે સુખી બની જાય છે. નજર દોષથી બચવાના કેટલાક પ્રભાવી અને શાસ્ત્રોક્ત ઉપાય જાણવા જેવા છે.
ADVERTISEMENT
મંત્રો, શક્તિશાળી રક્ષણ
હનુમાન ચાલીસા, મહામૃત્યુંજય, ગાયત્રી મંત્ર અને રામ રક્ષા સ્તોત્રની આવી સિચુએશનમાં બહુ પ્રભાવી અસર જોવા મળે છે. હનુમાન ચાલીસાનું પઠન કે શ્રવણ નકારાત્મક શક્તિને નજીક આવવા નથી દેતી તો ગાયત્રી મંત્ર આંતરિક ઊર્જાને મજબૂત બનાવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ આત્મવિશ્વાસ પ્રબળ બનાવવાની સાથોસાથ નકારાત્મકતા દૂર રાખે છે, જ્યારે રામ રક્ષા સ્તોત્ર શારીરિક બીમારીઓથી રક્ષણ આપે છે. માનસિક શાંતિ માટે ઓમકારનું સરળ એવું ઓમ નમઃ શિવાયનું સ્મરણ પણ ખૂબ લાભદાયી અસર દેખાડે છે.
ધારણ કરો રક્ષક
કાળો દોરો એમાં સૌથી બેસ્ટ છે. જેને વારંવાર દૃષ્ટિદોષ આવતો હોય એવું દેખાતું હોય તે વ્યક્તિના પગના અંગૂઠામાં અભિમંત્રિત કાળો દોરો બાંધવો જોઈએ. આ જે કાળો દોરો છે એ નકારાત્મક ઊર્જાને શોષવાનું કામ કરે છે. યાદ રહે, નકારાત્મકતા હંમેશાં પગ કે કપાળની બરાબરમાં રહેલા આજ્ઞાચક્રના માધ્યમથી દાખલ થવી શરૂ થાય છે અને પગમાં પણ અંગૂઠો એનો સૌથી મોટો વાહક છે. અંગૂઠા પર કાળો દોરો બાંધવા ઉપરાંત દૃષ્ટિદોષ લાગુ પડતો હોય એવી વ્યક્તિએ નિયમિત કેસર, ચંદન કે કુમકુમનો ચાંદલો કરવો જોઈએ. ઘણા એ ચાંદલો કરે છે પણ એની સાઇઝ ખૂબ નાની હોય છે, જેને લીધે જોઈતું પરિણામ નથી મળતું. ચાંદલો તમે આસ્થાથી કરો છો તો એ આસ્થાને સૌંદર્ય સાથે સરખાવવાની જરૂર નથી. જરૂરિયાત મુજબનો અને સામેવાળાનું ધ્યાન પડે ત્યારે એને સૌથી પહેલાં તમારા આજ્ઞાચક્ર પર ચાંદલો દેખાવો જોઈએ. જો એવું થાય તો એ દૃષ્ટિદોષ આપે તો પણ એને રિઝલ્ટ નહીં મળે અને તમે તન, મન, ધનથી સુરક્ષિત રહેશો.
સાથે રાખો પંચમુખી હનુમાનજી
પંચમુખી હનુમાનજીનું સૌથી મોટું જો કોઈ કામ હોય તો એ છે વ્યક્તિને દૃષ્ટિદોષથી દૂર રાખવાનું. પંચમુખી હનુમાનજીની નાની મૂર્તિ સાથે રાખો કે પછી એમનું મળતું લૉકેટ ગળામાં પહેરવાનું રાખો. હા, એ મૂર્તિ કે લૉકેટને દરરોજ અભિમંત્રિત કરવું જોઈએ અને એ માટે હનુમાનજીનો જ શાસ્ત્રોક્ત મંત્ર વાપરવો જોઈએ. જો ડર હોય કે આ પ્રકારે લૉકેટ કે મૂર્તિ રાખવાથી એને અસાધના લાગી શકે તો એને બદલે પંચમુખી રુદ્રાક્ષ પહેરવાનું પણ રાખી શકાય. આ જે પંચમુખી રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષને પણ અભિમંત્રિત કરવો જરૂરી છે, જે માટેનું શ્રેષ્ઠ અનુમોદન ઓમકાર છે. પહેરવામાં આવતા આ રુદ્રાક્ષની સામે રોજ સવારે ઓમકારની માળા કરવી કે પછી ૧૦૮ વખત ઓમકારનો જાપ કરો.
બ્લૅક વસ્ત્રોનો વપરાશ
જેમને વારંવાર નજર લાગતી હોય તેમણે કાળા કલરનાં કપડાં પહેરવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. કાળો કલર નેગેટિવિટીને રોકવાનું કામ કરે છે. દૃષ્ટિદોષ એની આરપાર જઈ શકતો નથી. જો કાળાં કપડાં પહેરવા પર કોઈ પ્રકારની બાધા હોય તો આંતરવસ્ત્રોમાં કાળા કલરનો ઉપયોગ કરવો જોઈએ. મહિલાઓએ કાળા કલરનાં કપડાં ઉપરાંત કાળા કલરના કાજળનો ટીકો પણ કરવો જોઈએ, જે જમણા કાનની પાછળ કરવામાં આવે તો એનાથી દૃષ્ટિભેદ દૂર રહે છે અને નકારાત્મક ઊર્જા મનમાં પ્રવેશતી નથી.


