દિવસ અને રાત વચ્ચેનો સમયગાળો એવા સંધ્યાકાળે કેટલીક દિનચર્યા ન કરવા વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે, જો એનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખાકારી વધે છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં સમયનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. દિવસના ૨૪ કલાકમાંથી કેટલાક સમયગાળા એવા છે જે વિશેષ ઊર્જા ધરાવે છે. એમાંનો એક મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ સમય એટલે સંધ્યાકાળ. સંધ્યાકાળ એટલે જ્યારે અજવાળું પૂરું થતું હોય અને અંધકારનો પ્રારંભ થતો હોય એ સમયગાળો.
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર સંધ્યાકાળ પરિવર્તનનો સમય છે. આ સમયે વાતાવરણમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની ઊર્જાઓ સક્રિય થાય છે. જો એ સમયે દિનચર્યામાં થોડી પણ અસાવધાની રહી જાય તો ઘરમાં દરિદ્રતા, બીમારી અને અશાંતિ પ્રવેશે છે એટલે જોવાનું એ છે કે કઈ પ્રકારની દિનચર્યા સંધ્યાકાળે રાખવી નહીં. જોકે એ પહેલાં સંધ્યાકાળનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજવું જોઈએ.
ADVERTISEMENT
સંધ્યાકાળ અને વિજ્ઞાન
સંધ્યાકાળ એટલે દિવસ અને રાતનો સંધિકાળ. શાસ્ત્રોમાં આ સમયને પવિત્ર ગણાવ્યો છે, કારણ કે એ સમયે પ્રકૃતિ પોતાની દિશા બદલે છે. સાયન્સની દૃષ્ટિએ પણ સૂર્યાસ્ત સમયે વાતાવરણમાં તાપમાન અને વાયુનું દબાણ બદલાય છે, જેને લીધે સૂક્ષ્મ બૅક્ટેરિયા અને વાઇરસ વધુ સક્રિય થાય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ સાંજના સમયે લક્ષ્મી અને પિતૃઓ પૃથ્વી પર ભ્રમણ કરે છે. જે ઘરમાં એ સમયે પવિત્રતા, સકારાત્મકતા અને ધાર્મિક વાતાવરણ હોય ત્યાં લક્ષ્મી કાયમી વાસ કરે છે અને જ્યાં અસ્વચ્છતા-અશિસ્ત હોય ત્યાં દરિદ્રતા પ્રવેશ કરે છે.
આ જ કારણોસર શાસ્ત્રોમાં સાંજના સમયે કેટલાંક કામો કરવાની ના પાડવામાં આવી છે. એમાં સૌથી પહેલાં આવે છે નિદ્રા કરવી.
ક્યારેય સૂવું નહીં
સૂર્યાસ્ત સમયે સૂવાની શાસ્ત્રોમાં સ્પષ્ટ ના પાડવામાં આવી છે. વાસ્તુમાં એને દોષ ગણાવ્યો છે તો જ્યોતિષશાસ્ત્ર મુજબ સાંજે સૂવાથી રાહુ અને શનિ દૂષિત થાય છે. એને કારણે પાચનતંત્ર નબળું પડવાથી માંડીને અનિદ્રા કે આળસની સમસ્યા ઊભી થઈ શકે છે. હા, ઘરમાં બીમાર, વૃદ્ધો કે પ્રેગ્નન્ટ સ્ત્રી હોય તેઓ આરામ કરી શકે છે; પણ જે સ્વસ્થ છે, જેને કોઈ તકલીફ નથી, યુવા કે આધેડ છે તેમણે સાંજના સમયે ક્યારેય સૂવું ન જોઈએ.
સંધ્યા સમયે ભોજન ગ્રહણ કરવાની પણ ના પાડવામાં આવી છે.
ભોજન ન લેવું
સંધ્યાકાળે ભોજન કરવાની મનાઈ છે. સાયન્ટિફિકલી સૂર્યાસ્ત સમયે પાચનશક્તિ મંદ હોય છે એટલે એ સમયે ખાધેલું અન્ન પચતું નથી અને પેટની બીમારીઓ થઈ શકે છે તો જ્યોતિષશાસ્ત્ર મુજબ સંધ્યા સમયે ભોજન કરવાથી દરિદ્રતા આવવાની શક્યતા રહે છે. ભોજન સૂર્યાસ્ત પહેલાં અથવા સાંજે પૂજાપાઠ કર્યા પછી જ કરવાનું શાસ્ત્રોમાં સૂચન કરવામાં આવ્યું છે.
સાંજના સમયે ઘર સાફ ન કરવું જોઈએ.
સાંજે સાફસફાઈ નહીં
સાંજના સમયે ઘરમાં સાવરણી ન કાઢવી જોઈએ કે ઘરનો કચરો કે એંઠવાડ બહાર ન ફેંકવો જોઈએ. શાસ્ત્રો કહે છે કે સંધ્યાકાળે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. એ જ સમયે જો ઘરનો કચરો કે ધૂળ બહાર ફેંકો તો ઘરમાં પ્રવેશતી લક્ષ્મીનું અપમાન થાય છે. આજે પણ નાનાં શહેરોમાં સાંજના સમયે ઘરમાં સાવરણી કાઢવાની કે એંઠવાડ નહીં ફેંકવાની પ્રથાનું પાલન કરવામાં આવે છે.
સાંજના સમયે લક્ષ્મીને જાકારો આપવાની પણ મનાઈ છે.
નાણાકીય લેવડદેવડ નહીં
સાંજના સમયે કોઈને નાણાં કે ધન આપવું નહીં એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, કારણ કે આ લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો સમય છે. એવા સમયે ઘરમાંથી લક્ષ્મીને બહાર મોકલવી એ લક્ષ્મીનું અપમાન છે. હા, જો સંધ્યા સમયે અટવાયેલાં નાણાં કે ધન આવે તો એને શુભ માનવામાં આવે છે. પહેલાંના સમયમાં વેપારીઓ સાંજના સમયે જ ઉઘરાણી કરતા. એ ઉઘરાણી ઘરમાં બરકત લાવવાનું કામ કરે છે.
સાંજના સમયે શું ખાસ કરવું?
ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય એ માટે સંધ્યાકાળે દીવો અને ધૂપ અવશ્ય કરવો જોઈએ. જો શક્ય હોય તો રોજ સંધ્યા સમયે ગૂગળ કે કપૂરનો ધૂપ આખા ઘરમાં ફેરવવો પણ જોઈએ. એનાથી સૂક્ષ્મ જીવાતોથી પણ મુક્તિ મળે છે તો સાથોસાથ ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે. સાંજના સમયે ઘરનાં બારીબારણાં થોડો સમય માટે અચૂક ખુલ્લાં રાખવાં જોઈએ. આ લક્ષ્મીજીના આગમનનો સમય છે એટલે શાસ્ત્રોમાં આ સૂચન કરવામાં આવ્યું છે તો સાથોસાથ સાંજના સમયે ઘરમાં મંત્ર-જાપ કરવો જોઈએ જે લક્ષ્મીના આગમનને વધાવવાની સાથોસાથ માનસિક શાંતિ આપે છે.
