Aastha Nu Address: આ મંદિર જમીનની સપાટીથી 15 ફૂટ નીચે બાંધવામાં આવ્યું છે. તેના નિર્માણમાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આજનું આસ્થાનું એડ્રેસ છે નાલાસોપારાના વાઘોલીમાં આવેલું ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્રેસ’ (Aastha Nu Address) જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
મુંબઈમાં ઠેરઠેર ગણેશોત્સવ માટેની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે તમને એક અનોખા ગણેશ મંદિરના એડ્રેસ પર લઇ જવા છે. નાલાસોપારા વેસ્ટથી વાઘોલીમાં અંડર ગ્રાઉન્ડ ગણપતિ મંદિર આવેલું છે. હા, આ મંદિર જમીનથી ૧૫ ફીટની નીચે આવેલું છે.
ADVERTISEMENT
ઈચ્છાપૂર્તિ ગણેશ તરીકે પણ આ મંદિર જાણીતું છે
વાઘોલી ગણપતિ મંદિર, જેને અન્ડર ગ્રાઉન્ડ ગણપતિ મંદિર (Aastha Nu Address) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુંબઈ નજીક નાલાસોપારા પશ્ચિમના વાઘોલીમાં આવેલું છે. તે એક અનોખું મંદિર છે જે જમીનની સપાટીથી 15 ફૂટ નીચે બાંધવામાં આવ્યું છે. આ મંદિરના સ્થાપત્યની વાત કરવામાં આવે તો તેના નિર્માણમાં મોટેભાગે લાકડાંનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરને ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં આવતાં ભક્તોની તમામ મનોકામનાઓ બાપ્પા પૂર્ણ કરતા હોવાના અનેક પુરાવાઓ છે.
શું કહે છે આ મંદિરનો ઈતિહાસ?
આ મંદિર (Aastha Nu Address)ના ઈતિહાસની વાત કરીએ તો સૌ પ્રથમવાર આ મંદિર વર્ષ ૨૦૦૧માં લોકોના પ્રકાશમાં આવ્યું. ખેતીકામ સાથે જોડાયેલા જનાર્દન નાયક ફુલારે નામના ભાઈને ખોદકામ વખતે 15 ફીટ નીચે ગણેશ મૂર્તિ મળી આવી હતી. હાલમાં આ મંદિર જયવંત નાઈક અને કિશોર નાઈક બંધુના ફુલારે ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ સંચાલિત છે.
મંદિરનું સ્થાપત્ય પણ ધ્યાનાકર્ષક છે
મંદિરનું બાંધકામ પણ સુઘડ અને અતિ આકર્ષક છે. ગણેશ મૂર્તિ સુધી પહોંચવા માટે દાદરા ઊતરીને જવું પડે છે. કારણકે મંદિર ભૂગર્ભમાં આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં ભાવિકો ધ્યાન અને પૂજા-અર્ચના કરી શકે છે. ગર્ભગૃહ જમીનની નીચે હોવાથી બહારનો કોલાહલ બહુ આવતો નથી. એટલે ધ્યાન માટે આ બેસ્ટ પ્લેસ છે. આ મંદિરમાં ખાસ કરીને મંગળવારે ભક્તોની મોટી ભીડ ઉમટે છે. મંદિરની આસપાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલે આ મંદિરના પરિસરમાં પગ મૂકતાં જ ધન્યતાની અનુભૂતિ થાય છે. વિવિધ ફૂલછોડ પણ અહીં ઉગાડવામાં આવ્યા છે.
વાઘોલી વિસ્તાર જ છે અતિ રળિયામણો
વાઘોલીનો વિસ્તાર જ હરિયાળીથી શોભતો છે. વાઘોલી વિસ્તારની વાત કરીએ તો આ શબ્દમાં જ `વાઘ` છે. વાઘોના ગામ તરીકે આ સ્થળની ગણના થાય છે. એક સમયે આ ભૂમિ વનથી આચ્છાદિત હતી. અહીં વાઘ મુક્તપણે વિહરતા હતા. અર્નાળા, કળંબ, રાજોડીના સમુદ્રકિનારે મોટા પ્રમાણમાં ટૂરિસ્ટો આવતા હોવાથી હવે તેઓ વાઘોલી તરફ પણ વળતાં થયાં છે. આમ, વાઘોલીમાં આવેલ આ ભૂગર્ભ ગણેશ મંદિર અનેક લોકોની આસ્થાનું એડ્રેસ બન્યું છે. મંદિરને ભલે માંડ બે દાયકા થયા હોય પરંતુ આ મંદિર સાથે લોકોની અનન્ય શ્રદ્ધા જોડાઈ ગઈ છે.
જાણી લો રાજ્યમાં બીજું આવું ભૂગર્ભ મંદિર ક્યાં છે?
મહારાષ્ટ્રમાં એવાં મંદિર (Aastha Nu Address) શોધવા બેસીએ કે જે જમીનથી નીચે હોય. તો આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ મળી આવે છે. નાલાસોપારાના આ મંદિર સિવાય યવતમાળના કલમ નામના ગામમાં એક આવું જ અન્ડરગ્રાઉન્ડ મંદિર આવેલું છે.

