Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આવા આઇડિયા લડાવશો તો દિવાળીમાં ઘરની સજાવટ માટે બહારથી કશું નહીં લાવવું પડે

આવા આઇડિયા લડાવશો તો દિવાળીમાં ઘરની સજાવટ માટે બહારથી કશું નહીં લાવવું પડે

Published : 25 October, 2024 04:19 PM | Modified : 25 October, 2024 07:40 PM | IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

ઘરમાં હોય એ જ વસ્તુઓથી બનાવો ઘરને ફેસ્ટિવલ-રેડી

દિવાળીમાં ઘરની સજાવટ માટે કોઈ નવી ચીજો લાવ્યા વિના ઘરમાં જે ચીજો છે એનાથી જ તૈયાર કરી દઈ શકશો

Diwali 2024

દિવાળીમાં ઘરની સજાવટ માટે કોઈ નવી ચીજો લાવ્યા વિના ઘરમાં જે ચીજો છે એનાથી જ તૈયાર કરી દઈ શકશો


દિવાળી એટલે આપણા ઘરને એકદમ સુંદર સજાવવાની મોસમ. ખૂણેખૂણો સાફસફાઈ કરી લઈએ અને પછી ઇચ્છા કરીએ કે ઘરનો ખૂણેખૂણો શણગારી દઈએ. આજે અમે લઈને આવ્યા છીએ એવા આઇડિયા કે ઘરની બહારથી સજાવટની કોઈ નવી ચીજો લાવ્યા વિના ઘરમાં જે ચીજો છે એનાથી જ તૈયાર કરી દઈ શકશો


કાચની ક્રૉકરીની કલાત્મકતા



ગ્લાસ જાર


બધાના ઘરમાં કાચની ક્રૉકરી હોય જ છે. નાના બાઉલ, મોટા બાઉલ, નાના ગ્લાસ, મોટા ગ્લાસ, ડિશ વગેરે. આ બધાનો સજાવટમાં સરસ ઉપયોગ થઈ શકે છે. મોટા બાઉલમાં પાણી ભરીને એમાં ગલગોટાનાં ફૂલની પાંદડીઓ, ગુલાબની પાંદડીઓ કે સફેદ જુઈ કે સાયલીનાં સુગંધી ફૂલો ગોઠવો. નાના-નાના બાઉલમાં પાણી ભરી એમાં ફ્લોટિંગ દીવા ગોઠવો. નાના બાઉલની દોરી અથવા મોતીના બ્રૅકેટમાં મૂકી એમાં ઇલેક્ટ્રિક દીવા કરી લટકાવો. એકસરખા નાના ગ્લાસમાં રંગીન પાણી ભરો એમાં મોતી, પથ્થર, ક્રિસ્ટલ, પાંદડીઓ નાખો અને ઉપર થોડું તેલ નાખો અને ફ્લોટિંગ વાટ મૂકી સુંદર વૉટર દીવાની સજાવટ બહુ સુંદર રોશનીની આભા સર્જે છે. મોટા ફૅન્સી ગ્લાસમાં રંગીન પાણી ભરી એવા જ રંગનું એક-એક ફૂલ ગોઠવી ડાઇનિંગ ટેબલ કે એન્ટ્રન્સ પાસે કે ટીવી યુનિટ પાસે હારબંધ ગોઠવો, બહુ એલિગન્ટ દેખાવ મળશે. કોઈ એકદમ મોટું કે જુદી જ ડિઝાઇનનો સ્ટૅન્ડવાળું ક્રૉકરી બાઉલ હોય તો એમાં માત્ર રંગીન પાણી અને ફ્લોટિંગ દીવા પણ સિમ્પલ અને સરસ લાગે છે.

કાચની બૉટલ્સમાં ફૅરીલાઇટ્સ


બૉટલ્સમાં ફૅરીલાઇટ્સ.

કાચની બૉટલ્સમાં જુદા-જુદા રંગની ફૅરીલાઇટ્સ બહુ સરસ લાગે છે. કાચના જારને અડધા ગ્લાસ પેઇન્ટથી રંગી એમાં દીવા ગોઠવો. કાચના જારમાં  ફૅરીલાઇટ ગોઠવી દોરી સાથે લટકાવી આકર્ષક રીતે લટકાવી પણ શકાય. કાચનું મોટું બાઉલ પાણીથી ભરીને એમાં રંગીન ફૂલોથી રંગોળી રચી શકાય. કાચના જારમાં રંગીન પાણી ભરી કે એને મેટલિક રંગોથી રંગી નાખી એમાં ફૂલો ગોઠવો.

પૂજાની વસ્તુઓ

ગ્લાસ જારના લટકણથી વૉલ  દીપી ઊઠશે.

પૂજાની દીવીઓ કે કોડિયાંમાં દીવા પ્રગટાવીને રંગોળીમાં સરસ રીતે ગોઠવી શકાય. અખંડ દીવાના કાચ પર થોડા થોડા અંતરે સ્ટોન લગાવી કલાત્મક દેખાવ આપી જ્યાં હવા આવતી હોય એવા સ્થાને બારીમાં કે તુલસીજીના છોડ પાસે મૂકી શકાય. નાના-નાના બાજઠ ગોઠવી એના પર ટેબલ પર કે રંગોળીની વચ્ચે દીવા ગોઠવવાથી અલગ જ ઉઠાવ આવે છે.

દુપટ્ટા, સાડી અને બંગડીઓ

બાંધણીના દુપટ્ટાથી લટકણ ઇફેક્ટ.

બંગડી મદદથી સુંદર લટકણ બનાવી શકાય, બંગડીઓને એમ સીલમાં ફિટ કરી ગોઠવી સ્ટૅન્ડ બનાવી એના પર કોડિયાં ગોઠવવાથી કલાત્મક દીવા સ્ટૅન્ડ બની જશે. બંગડીઓને રંગોળીમાં ગોઠવી એમાં જુદા-જુદા રંગ કે ફૂલોની પાંદડી ભરી શકાય. એકદમ સરસ હેવી કુંદનવાળી બંગડી અને સરસ પાતળા કાપડનો દુપટ્ટો લઈ ઘરના પડદાના ટાઇબૅક્સ બનાવી લગાવો. ફેસ્ટિવલમાં પડદાને પણ ફેસ્ટિવલ લુક મળી જશે. 

ઘરને શણગારવા માટે આપના કબાટમાં પડેલા દુપટ્ટા અને સાડીઓનો કલાત્મક ઉપયોગ જુદી-જુદી રીતે કરી શકાય છે.

જુદા-જુદા રંગના એકસરખા દુપટ્ટા તાર કે પાઇપ પર પાસે-પાસે લટકાવી એમાં થોડાં ફૂલનાં કે મોતીનાં લટકણ ઉમેરવાથી એક સરસ વૉલ ડેકોરેશન કે બૅકડ્રૉપ તૈયાર થઈ જાય છે અને ત્યાં સુંદર રંગોળી કે પૂજાની ગોઠવણ બહુ સુંદર લાગે છે અને અનેક રંગોથી વાતાવરણ સુંદર અને રંગીન બનાવે છે. જુદા-જુદા રંગના બાંધણીના દુપટ્ટા સુંદર રીતે ગાંઠ બાંધી લગાવવાથી લટકણરૂપે સરસ લાગે છે.

લહેરિયા અને ગલગોટાનું ડેકોરેશન

બારી પાસે રેગ્યુલર પડદા હટાવી સાડીઓને પડદા તરીકે લટકાવી દો. ટેબલ પર પણ ટેબલ ક્લોથના સ્થાને કોઈ હેવી દુપટ્ટો પાથરો.

કોઈ સાવ ખાલી પ્લેન વૉલ હોય તો કોઈ સરસ નેટ કે ટ્રાન્સપરન્ટ મટીરિયલની સાડીને દીવાલ પર હુકની મદદથી સુંદર રીતે લટકાવો અને એમાં જોડે લાઇટિંગ લગાવો. સાડીથી દીવાલ ચમકી ઊઠશે.

એન્ટ્રન્સ પાસે કે પૅસેજ પાસે એક સિમ્પલ પ્લેન સાડી સરસ રીતે લટકાવી એક બાજુ બાંધો અને સાથે ખોટાં ફૂલોનું લાંબું લટકણ બહુ સુંદર ઉઠાવ આપે છે.

બે કે ત્રણ એકસરખી સ્ટાઇલના દુપટ્ટા મંદિરના દરવાજા પાસે સુંદર રીતે સજાવો અને જોડે ગલગોટાનાં લટકણ એકદમ સરસ લાગે છે. દરવાજા પાસે બે પ્લાન્ટ્સ ગોઠવી એમાં લાઇટિંગ ગોઠવો.

સેન્ટર ટેબલ પર એક સરસ દુપટ્ટો પાથરો, સોફા પરના કુશનને જુદા-જુદા પ્લેન દુપટ્ટામાં કલાત્મક રીતે રૅપ કરીને ગાંઠવાળા કુશન કવરની ઇફેક્ટ આપી ગોઠવો.

એકદમ હેવી વર્કવાળા દુપટ્ટાને દીવાલ પર ચારે બાજુ હુક લગાવી સેફટી પિનની મદદથી સ્ટ્રેટ લગાવી દો, એક સરસ ટ્રેડિશનલ વૉલ ડેકોર રેડી થઈ જશે.

ફટાફટ ઘરની વસ્તુઓ કાઢો અને તમારા સુંદર ઘરને દિવાળી ઊજવવા અને મહેમાનોને આવકારવા એકદમ તૈયાર કરી દો.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 07:40 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK