આજના પડતર દિવસ પાસેથી પણ આપણે જીવનમાં ઘણું શીખવા જેવું છે. એ શીખવાડે છે કે આ સમય થોડી વાર માટે થોભી જવાનો, પોતાની જાતને રીચાર્જ કરવાનો અને નવી ઊર્જા સાથે આગળ વધવાનો છે
પ્રતીકાત્મક તસવીર
જીવનમાં બ્રેક લેવો ખૂબ જરૂરી છે. એ કોઈ લક્ઝરી નથી પણ જરૂરિયાત છે. સતત કામ, જવાબદારી અને ભાગદોડ વચ્ચે આપણું તન અને મન બન્ને થાકી જાય છે. એવામાં થોડા સમય માટે થોભવું, પોતાની જાતને સમય આપવો ખૂબ જરૂરી બની જાય છે. આપણે જ્યારે બ્રેક લઈએ ત્યારે આપણું મગજ સ્પષ્ટ રીતે વિચારી શકે છે. આપણે વસ્તુઓને નવા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ અને એ નક્કી કરી શકીએ છીએ કે આપણા માટે ખરેખર શું જરૂરી છે? આજે આપણે ૧૭ વર્ષનો અનુભવ ધરાવતા લાઇફ કોચ જિતેન્દ્ર ગુપ્તા પાસેથી જાણીએ જીવનમાં બ્રેક લેવો કેમ જરૂરી છે, એ કઈ રીતે લઈ શકાય અને એનાથી જીવનમાં કઈ રીતે નવી એનર્જી સાથે આગળ વધી શકાય.
જીવનમાં બ્રેકનું મહત્ત્વ
ADVERTISEMENT
ગાડી ચલાવતી વખતે આપણે વચ્ચે-વચ્ચે બ્રેક મારીએ છીએ જેથી એ વધુ ગરમ ન થાય અને સારી રીતે ચાલે. મશીનને પણ આપણે નૉનસ્ટૉપ ન ચલાવી શકીએ કારણ કે વચ્ચે-વચ્ચે એને પણ મેઇન્ટેનન્સની જરૂર પડે છે જેથી એ એની પૂર્ણ ક્ષમતામાં કામ કરી શકે. એવી જ રીતે માનવ શરીર પાસેથી પણ જો નૉનસ્ટૉપ કામ કરાવવામાં આવે તો તે બીમાર પડી શકે. એટલે એને પણ રેગ્યુલરલી બ્રેક આપવો જરૂરી છે. આમ તો કુદરતે આપણને બધાને ઊંઘ આપી છે, જે આપણા શરીર માટે એક નૅચરલ બ્રેકની જેમ કામ કરે છે. જોકે એ સિવાય પણ આપણને જીવનમાં કૉન્શિયસ બ્રેકની જરૂર હોય છે. સવારે ઊઠો, આખો દિવસ કામ કરો અને રાત્રે ઘરે આવીને સૂઈ જાઓ. આ ચક્ર ફરીથી રિપીટ કરો. આ જીવન નથી. જીવન શું છે, એનો ઉદ્દેશ શું છે એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે. એ માટે જીવનમાં બ્રેક લેવો, થોડા થોભીને આત્મમંથન કરવું, શરીરમાં એક નવી ઊર્જા ભરવી અને એ પછી જીવનમાં ફરી આગળ વધવું ખૂબ જરૂરી છે.
પંચ કોષોને રિજુવિનેટ કરો
હ્યુમન સિસ્ટમ પાંચ ભાગમાં વિભાજિત છે. બૉડી (શરીર), માઇન્ડ (માનસ), ઇન્ટેલેક્ટ (બુદ્ધિ), ઇમોશન (ચિત્ત) અને એનર્જી (પ્રાણ). આ દરેક સરખી રીતે કામ કરે એ માટે રેગ્યુલર બેઝિસ પર બ્રેક લઈને એને રિજુવિનેટ કરવાની એટલે કે નવજીવન, તાજગી, ઊર્જાથી ભરી દેવાની જરૂર પડે છે. શરીરને બ્રેક આપવા માટે આપણે ઊંઘ લઈએ. એ સિવાય આપણે દરરોજ ત્રણ વાર જમતા હોઈએ તો અઠવાડિયામાં વચ્ચે એક દિવસ ઉપવાસ લઈને પાચનતંત્રને બ્રેક આપી દઈએ. એટલે એ વધુ સારી રીતે કામ કરી શકે. આપણે જો પેટમાં જમવાનું નાખતા જ રહીએ તો એ પણ સરખી રીતે કામ કરવાનું બંધ કરી દેશે. એવી જ રીતે આપણું મગજ સતત કંઈ ને કંઈ વિચારતું રહે છે. એટલે રેગ્યુલર બેઝિસ પર થોડો સમય કાઢીને મેડિટેશન કરીને એને શાંત પાડવું જરૂરી છે. એવી જ રીતે આપણાં ઇમોશન્સને પણ વચ્ચે-વચ્ચે બ્રેક આપવો ખૂબ જરૂરી છે. ઘણી વાર આપણે કોઈએ કહેલી ખરાબ વાતો મનમાં લઈને બેસી જઈએ છીએ. એને કારણે પણ આપણી ઊર્જા બ્લૉક થઈ જાય છે. આપણે યોગ્ય રીતે વિચારી નથી શકતા અને આપણો ઘણોબધો સમય એમાં ખવાઈ જાય છે. એટલે આપણે જે વસ્તુઓ મનમાં પકડીને રાખી હોય એને છોડવી, માફ કરવું, ભૂલી જવું ખૂબ જરૂરી છે. ઇમોશન્સને ક્લિયર કરતાં રહેવાથી આપણા સંબંધો સારા રહે, ઊર્જા જળવાયેલી રહે અને કામમાં પણ સારી રીતે મન લાગે. એવી જ રીતે ઇન્ટેલેક્ટની વાત કરીએ તો એના થકી જ આપણે સારા-નરસાનો વિચાર કરીને નિર્ણય લેતા હોઈએ છીએ. એટલે ઇન્ટેલેક્ટને વિકસાવવા માટે પણ જીવનમાં બ્રેક લઈને રેગ્યુલર બેઝિસ પર આપણું જે જ્ઞાન છે એ વધારતા રહેવું જોઈએ. આપણું બ્રેઇન પણ એક સૉફ્ટવેર છે અને એને નૉલેજથી અપડેટ કરતા રહેવું જરૂરી છે. જીવનના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે ડીપ અને ફોકસ્ડ થિન્કિંગ જોઈએ જેથી તમે પરિસ્થિતિનું સારી રીતે આકલન કરી શકો. જીવનમાં અસરકારક રીતે નિર્ણયો લઈ શકીએ એ માટે નૉલેજ બેઝ વધારવો ખૂબ જરૂરી છે. એનર્જીની વાત કરીએ તો સવારથી લઈને સાંજ સુધી દૈનિક જીવનનાં કામો કરવામાં જ એ ખર્ચાઈ જતી હોય છે. એ ઊર્જાને બૂસ્ટ કરવા માટે સમય કાઢીને પ્રાણાયામ કરવા, કુદરતના ખોળે સમય પસાર કરવો, નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારો સાથે બદલી નાખવા, જીવનમાં એક ઉદ્દેશ સાથે આગળ વધવું વગેરે આપણને ઊર્જા સાથે જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે.
મનોમંથન ખૂબ જરૂરી
જીવનમાં રેગ્યુલર બેઝિસ પર રિફ્લેક્ટ થવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો એક જ ઘરેડમાં જીવન જીવતા હોય છે. એમાં ને એમાં જ દિવસો, મહિનાઓ, વર્ષો વીતતાં જાય છે. વચ્ચે-વચ્ચે બ્રેક લઈને મનોમંથન ન કરીએ તો ખબર નહીં પડે કે તેઓ જે કરી રહ્યા છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે કે તેમને દિશા બદલવાની જરૂર છે? જીવનમાં સમયાંતરે બ્રેક લઈને આ બધી વસ્તુ પર આત્મમંથન કરવામાં ન આવે તો જીવન એમનેમ જ પસાર થતું રહે છે. એટલે ડેઇલી, અઠવાડિયે, મહિને, ત્રણ મહિને, છ મહિને, વર્ષે તમારે સતત પોતાની જાતને સવાલો પૂછતા રહેવા જોઈએ. ડેઇલી રિફ્લેક્શન માટે તમે રાત્રે સૂતા પહેલાં પાંચ મિનિટ માટે સમય કાઢીને તમારી જાતને એ પ્રશ્ન પૂછી શકો કે આજે મેં કયું કામ સારી રીતે કર્યું? આજે મેં શું નવું શીખ્યું? શું મેં કોઈને દુઃખ પહોંચાડ્યું? વીકલી રિફ્લેક્શન માટે તમે અઠવાડિયામાં કોઈ એક દિવસ ફિક્સ કરીને જવાબ મેળવવાનો પ્રયત્ન કરી શકો છો કે શું મેં મારા લક્ષ્યની દિશામાં પગલાં ભર્યાં? મને કઈ વાતની પ્રેરણા મળી અને કઈ વાતે મને થકવી દીધો? મન્થ્લી રિફ્લેક્શનમાં તમે મહિનાના છેલ્લા દિવસે પોતાની જાતને સવાલ પૂછી શકો કે જે મહિનો વીત્યો એમાં મેં કેટલું અચીવ કર્યું? શું મેં કોઈ આદતમાં સુધાર કર્યો? ત્રણ મહિનાના અંતે તમે જુઓ કે શું મારી પ્રાયોરિટીઝ એ જ છે જે પહેલાં હતી? હું કઈ જગ્યાએ પોતાની જાતને ફસાયેલો અનુભવ કરી રહ્યો છું? મારા કામ અને અંગત જીવનમાં સંતુલન છે? છ મહિનામાં અંતે તમે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો કે શું મને કોઈ આદત, સંબંધ છોડવાની જરૂર છે? છેલ્લા છ મહિનામાં મેં કયા સબક શીખ્યા? વર્ષના અંતે તમે જુઓ કે તમારું વીતેલું વર્ષ કેવું રહ્યું? તમારી સૌથી મોટી ઉપલબ્ધિ કઈ રહી? તમે તમારી અંદર કયા ગુણો વિકસિત કર્યા? એવું શું છે જે ન કરી શક્યા? કેમ ન કરી શક્યા? જો તમે રિફ્લેક્ટ કરશો, એના પર કામ કરશો તો જ તમે કૉન્સ્ટન્ટ ઇમ્પ્રૂવમેન્ટ કરી શકશો. જીવનમાં ગ્રોથ કરી શકશો. ઘણા એવા લોકો છે જેઓ જીવન એમનેમ જ વિતાવી દે છે. એ પછી ઉંમર નીકળી જાય ત્યારે રોવા બેસે કે તેમને જીવનમાં જે કરવું હતું એ તો કરી જ ન શક્યા, જે જોઈતું હતું એ તો મળ્યું નહીં, જીવનમાં મેં કંઈ પ્રાપ્ત જ નથી કર્યું. મારું આખું જીવન બરબાદ થઈ ગયું. એટલે જીવનમાં આપણે રેગ્યુલર બેઝિસ પર બ્રેક લઈને શરીરના પંચ કોષોને રિજુવિનેટ કરતા રહીએ અને રિફ્લેક્ટ થતા રહીએ તો જીવનમાં આપણે વધુ કાર્યક્ષમ રહી શકીશું, જીવનમાં નિર્ણયો સારી રીતે લઈ શકીશું, આપણા સંબધો સારા રહેશે, આપણું સ્વાસ્થ્ય સુધરશે, આપણે વધુ આનંદિત રહીશું, જીવનમાં સતત પ્રગતિ કરતા રહીશું તેમ જ આનંદિત, શાંતિપૂર્ણ અને પરિપૂર્ણ જીવન જીવતા રહીશું.

