કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે, જ્યાં આધુનિક ટેક્નૉલૉજીથી દેશની લગભગ ૩૮૦ ભાષાઓ, લિપિઓ અને ભાષાકીય વિરાસતની અનોખી સફરનો અનુભવ કરાવવામાં આવે છે.
જ્યાં શબ્દોમાં ખોવાઈ જવાય એવું ભારતનું પહેલું ભાષાસંગ્રહાલય
ભાષા માત્ર અભિવ્યક્તિનું સાધન નથી; સંસ્કૃતિ, ઇતિહાસ અને ઓળખનો જીવંત વારસો છે. કલકત્તાની ઐતિહાસિક નૅશનલ લાઇબ્રેરીમાં ગયા મહિને શરૂ થયેલું ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે જ્યાં આધુનિક ટેક્નૉલૉજી દ્વારા ભારતની લગભગ ૩૮૦ ભાષાઓ, એમની લિપિઓ અને હજારો વર્ષના વિકાસની અનોખી સફર કરાવવામાં આવે છે. પરંપરાગત સંગ્રહાલયોથી અલગ અહીં શબ્દોને વાંચવા કે સાંભળવાનો નહીં, અનુભવવાનો મોકો મળે છે
ઇતિહાસનાં અઢળક પાનાં, ભવ્ય કૉલોનિયલ અને ક્લાસિકલ સ્થાપત્યો, રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યિક વિરાસત, દુર્ગાપૂજાની ભવ્યતા, કલા-સંસ્કૃતિના અનોખા રંગો વગેરેને લીધે કલકત્તા વર્ષોથી ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે. અહીંનો દરેક ખૂણો એક વાર્તા કહે છે અને દરેક ઇમારત ઇતિહાસનો એક જીવંત અધ્યાય છે. હવે આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરને વધુ એક અનોખું આકર્ષણ મળ્યું છે. ૨૦૨૬ની ૧૯ જુલાઈએ કલકત્તાની ઐતિહાસિક નૅશનલ લાઇબ્રેરીના બેલ્વેડિયર એસ્ટેટમાં ભારતના પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય ‘શબ્દલોક’નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. દેશની ભાષાકીય અને સાહિત્યિક વિરાસતને આધુનિક ટેક્નૉલૉજી દ્વારા જીવંત રીતે રજૂ કરવા તથા નવી પેઢીને ભારતની ભાષા-સંસ્કૃતિ સાથે જોડવાના હેતુથી શરૂ કરાયેલું આ સંગ્રહાલય હવે કલકત્તાના સાંસ્કૃતિક નકશા પર એક નવા આકર્ષણ તરીકે ઉમેરાયું છે. અહીં શબ્દો માત્ર વાંચવામાં કે સાંભળવામાં નથી આવતા, એમને અનુભવી પણ શકાય છે.
ADVERTISEMENT
ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય
કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં ભાષાસંગ્રહાલય ‘શબ્દલોક’ શરૂ કરવામાં આવ્યું છે. ભારતની ભાષાકીય વિવિધતા, લિપિઓના વિકાસ અને સાહિત્યિક વારસાને આધુનિક ટેક્નૉલૉજી દ્વારા રજૂ કરવાનો આ સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ છે. ૧૨ રૂમ અને ૯ વિષયવાર ગૅલરીઓમાં ફેલાયેલું ‘શબ્દલોક’ ભાષાના વિકાસની હજારો વર્ષ લાંબી સફર રજૂ કરે છે. સૌથી નોંધપાત્ર વિશેષતાઓમાંની એક એ છે કે એ માત્ર ભારતની બાવીસ અનુસૂચિત ભાષાઓ સુધી મર્યાદિત નથી. અહીં મુલાકાતીઓને ભારતની લગભગ ૩૮૦ ભાષાઓની અદ્ભુત સફર કરાવવામાં આવે છે, જેમાં ૨૦૧૧ની વસ્તીગણતરીમાં નોંધાયેલી ૧૨૧ ભાષાઓ ઉપરાંત આજે લુપ્ત થઈ ગયેલી અથવા લુપ્તપ્રાય ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘શબ્દલોક’ ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય છે એટલે કે અહીં મુલાકાતીઓ માત્ર પ્રદર્શન જોતા નથી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ઑગ્મેન્ટેડ રિયલિટી (AR), વર્ચ્યુઅલ રિયલિટી (VR), હોલોગ્રામ, પ્રોજેક્શન મૅપિંગ, ટચ-સેન્સર સ્ક્રીન અને અન્ય આધુનિક ટેક્નૉલૉજીની મદદથી ભાષાના ઇતિહાસ અને વિકાસનો જીવંત અનુભવ કરી શકે છે. જોકે સવાલ એ થાય કે દેશનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય સ્થાપવા માટે કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીની જ પસંદગી શા માટે કરવામાં આવી?
નૅશનલ લાઇબ્રેરીની પસંદગી કેમ?
ભારત વિશ્વની કેટલીક સૌથી સમૃદ્ધ અને ઐતિહાસિક લાઇબ્રેરીઓનું ઘર છે. મુંબઈની એશિયાટિક સોસાયટી લાઇબ્રેરી એની ભવ્ય ગ્રીક શૈલીની ઇમારત અને ઐતિહાસિક હસ્તપ્રતો માટે પ્રસિદ્ધ છે, જ્યારે તામિલનાડુના તંજાવુરમાં આવેલી સરસ્વતી મહાલ લાઇબ્રેરી એશિયાની સૌથી પ્રાચીન કાર્યરત લાઇબ્રેરીઓમાંની એક માનવામાં આવે છે. બિહારની ખુદા બખ્શ ઓરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી પર્શિયન, અરબી અને ઉર્દૂની દુર્લભ હસ્તપ્રતો માટે વિશ્વભરમાં જાણીતી છે, જ્યારે ચેન્નઈની કોનેમારા પબ્લિક લાઇબ્રેરી ભારતની ૪ રાષ્ટ્રીય ડિપોઝિટરી લાઇબ્રેરીઓમાં સ્થાન ધરાવે છે. એમ છતાં ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય ‘શબ્દલોક’ કલકત્તાની નૅશનલ લાઇબ્રેરીમાં જ સ્થાપવામાં આવ્યું છે એની પાછળ અનેક ઐતિહાસિક અને વ્યવહારુ કારણો જવાબદાર છે.
સૌથી મહત્ત્વનું કારણ એ છે કે નૅશનલ લાઇબ્રેરી ભારતની સૌથી મોટી લાઇબ્રેરી છે જ્યાં દેશની વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થયેલાં લાખો પુસ્તકો, હસ્તપ્રતો, સામયિકો અને દુર્લભ ગ્રંથોનો વિશાળ સંગ્રહ છે. ડિલિવરી ઑફ બુક્સ ઍન્ડ ન્યુઝપેપર્સ (પબ્લિક લાઇબ્રેરીઝ) ઍક્ટ હેઠળ દેશના પ્રકાશકો માટે પોતાની કૃતિની નકલ અહીં જમા કરાવવી ફરજિયાત હોવાથી એ ભારતીય ભાષાઓના સૌથી સમૃદ્ધ ભંડાર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત કલકત્તા ભારતની સાહિત્યિક અને બૌદ્ધિક પરંપરાનું કેન્દ્ર રહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને સત્યજિત રાય જેવી વિભૂતિઓ સાથે જોડાયેલું આ શહેર લાંબા સમયથી ભાષા, સાહિત્ય અને પ્રકાશનનું અગત્યનું કેન્દ્ર રહ્યું છે. તેથી ભાષાને સમર્પિત રાષ્ટ્રીય સંગ્રહાલય માટે કલકત્તા કરતાં વધુ યોગ્ય સ્થળ બીજું કોઈ ન માની શકાય. આ મ્યુઝિયમને લીધે જો આજની પેઢીને નૅશનલ લાઇબ્રેરી વિશે જાણ થઈ રહી હોય તો એનો ઇતિહાસ જાણી લેવો જોઈએ.
નૅશનલ લાઇબ્રેરીનો ઇતિહાસ
કલકત્તાની નૅશનલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા માત્ર દેશની સૌથી મોટી જાહેર લાઇબ્રેરી જ નથી, ભારતના બૌદ્ધિક અને સાંસ્કૃતિક ઇતિહાસની પણ સાક્ષી છે. એની શરૂઆત ૧૮૩૬માં કલકત્તા પબ્લિક લાઇબ્રેરી તરીકે થઈ હતી. આ લાઇબ્રેરી નાગરિકોના દાન અને સભ્યપદના આધારે સંચાલિત થતી હતી અને એ સમયના વિદ્વાનો તથા સાહિત્યપ્રેમીઓ માટે મહત્ત્વનું જ્ઞાનકેન્દ્ર હતી. પછી ૧૯૦૩માં બ્રિટિશ શાસન દરમ્યાન લૉર્ડ કર્ઝને વિવિધ સરકારી પુસ્તકાલયોને એકીકૃત કરીને ઇમ્પીરિયલ લાઇબ્રેરીની સ્થાપના કરી. થોડાં વર્ષો બાદ કલકત્તા પબ્લિક લાઇબ્રેરીને પણ એમાં ભેળવી દેવામાં આવી જેના પરિણામે દેશનો સૌથી સમૃદ્ધ પુસ્તકસંગ્રહ ધરાવતી લાઇબ્રેરીનું નિર્માણ થયું. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી ઇમ્પીરિયલ લાઇબ્રેરીને રાષ્ટ્રીય ઓળખ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ૧૯૫૩ની પહેલી ફેબ્રુઆરીએ મૌલાના અબુલ કલામ આઝાદે એનું સત્તાવાર ઉદ્ઘાટન નૅશનલ લાઇબ્રેરી તરીકે કર્યું. ત્યારથી એ ભારતની રાષ્ટ્રીય લાઇબ્રેરી તરીકે કાર્યરત છે.
આ લાઇબ્રેરી બેલ્વેડિયર એસ્ટેટમાં આવેલી છે. આ ભવ્ય ઇમારત અઢારમી સદીમાં નિર્માણ પામી હતી અને એક સમયે બ્રિટિશ ભારતના બંગાળના લેફ્ટનન્ટ ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન હતી. વિક્ટોરિયન સ્થાપત્ય અને વિશાળ હરિયાળો પરિસર ધરાવતી આ ઇમારત આજે કલકત્તાના સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકોમાંની એક ગણાય છે. આજે નૅશનલ લાઇબ્રેરીમાં કરોડો પુસ્તકો, હસ્તપ્રતો, દુર્લભ ગ્રંથો, સામયિકો, અખબારો અને વિવિધ ભારતીય તથા વિદેશી ભાષાઓનાં પ્રકાશનોનો વિશાળ સંગ્રહ છે. ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંશોધન માટે પણ એ અગ્રણી સંસ્થા માનવામાં આવે છે. આ જ ઐતિહાસિક પરિસરમાં હવે ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષાસંગ્રહાલય ‘શબ્દલોક’ શરૂ થતાં નૅશનલ લાઇબ્રેરીને એક નવું સાંસ્કૃતિક આકર્ષણ પણ મળ્યું છે.
અહીં શું અનુભવ કરશો?
સામાન્ય રીતે બાળકો કે મોટેરાંઓ મ્યુઝિયમમાં ઓછો રસ ધરાવતાં હોય છે, પરંતુ આધુનિક ટેક્નૉલૉજીએ મ્યુઝિયમને એક અનોખી જગ્યા બનાવી દીધી છે. મુલાકાતીઓ અહીં ભાષાઆધારિત કોયડાઓ ઉકેલી શકે છે, નવા શબ્દભંડોળથી પરિચિત થઈ શકે છે, ભારતના ઇતિહાસનાં મહત્ત્વપૂર્ણ ભાષણો સાંભળી શકે છે તેમ જ ભાષાએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના ઘડતરમાં ભજવેલી ભૂમિકાને જાણી શકે છે. મ્યુઝિયમના સૌથી આકર્ષક વિભાગોમાંનું એક એનું વિશેષ સાઉન્ડ પ્લૅટફૉર્મ છે. અહીં નિર્ધારિત ફૂટપ્રિન્ટ પર ઊભા રહેવાથી મુલાકાતીઓ ભારતીય ઇતિહાસ અને સાહિત્યની અમર ક્ષણોને સાંભળી શકે છે. એમાં કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલમ’ના ‘ભારત એક શોધ’માં સમાવાયેલા અંશો તેમ જ પંડિત જવાહરલાલ નેહરુના ઐતિહાસિક ‘Tryst with Destiny’ ભાષણનો પણ સમાવેશ થાય છે. વિશ્વ ઝડપથી ડિજિટલ બની રહ્યું છે ત્યારે ‘શબ્દલોક’ એ યાદ અપાવે છે કે ટેક્નૉલૉજી માત્ર ભવિષ્યનું સાધન નથી, એ ભૂતકાળને પણ જીવંત રાખી શકે છે. કદાચ આ જ સંગ્રહાલયની સૌથી મોટી સફળતા છે અને નવી પેઢીને પોતાની ભાષા અને વારસા સાથે ફરી એક વાર જોડવાનો પ્રયાસ છે.
૧૫ ઑગસ્ટ સુધી નિઃશુલ્ક પ્રવેશ, એ પછી ૭૫ રૂપિયા
૧૯ જુલાઈએ ખુલ્લું મૂકવામાં આવેલું ‘શબ્દલોક’ મ્યુઝિયમ દર મંગળવારથી રવિવાર સુધી સવારે દસથી સાંજે ૬ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે, જ્યારે દર સોમવારે બંધ રહે છે. ૧૫ ઑગસ્ટ સુધી અહીં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ પ્રતિ મુલાકાતી ૭૫ રૂપિયાની પ્રવેશ-ફી વસૂલ કરવામાં આવશે. જોકે સ્કૂલોના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશની સુવિધા યથાવત્ રહેશે. આ સંગ્રહાલય નૅશનલ લાઇબ્રેરીના ઐતિહાસિક પરિસરમાં આવેલું છે.
