વિશ્વનું પહેલું કાઉન્સેલિંગ સેશન યોજાયું હતું પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, જેમાં થેરપિસ્ટ હતા ભગવાન શ્રીકૃષ્ણ
પ્રતીકાત્મક તસવીર
યુદ્ધભૂમિ પર પોતાના જ લોકોને જોઈને પૅનિક અટૅકમાં સરી પડેલા અર્જુનને ડૉ. કૃષ્ણની ભૂમિકામાં આવી ગયેલા ભગવાન કૃષ્ણએ જે રીતે ટૉક-થેરપી દ્વારા કાઉન્સેલ કર્યો હતો એ આજે પણ પ્રસ્તુત છે. આજે ગીતા જયંતી છે ત્યારે મળીએ ભગવદ્ગીતા અને સાઇકોથેરપી વિષય પર PhD કરનારા અનોખા મનોચિકિત્સકને અને જાણીએ કે કઈ રીતે માનસિક ઊથલપાથલોને અટકાવવામાં ભગવાન કૃષ્ણની વાતોને અનુસરી શકાય
શ્રીમદ ભગવદ્ગીતા. દુનિયાનો એકમાત્ર ગ્રંથ જે યુદ્ધભૂમિ પર રચાયો અને જેની પૃષ્ઠભૂમિ અથવા તો એ રચાવા પાછળનું કારણ હતું અર્જુનનો વિષાદયોગ. આજે ગીતા જયંતી છે ત્યારે જાણીને સુખદ આાશ્ચર્ય થશે કે આજના ફાસ્ટ ફૉર્વર્ડ આધુનિક યુગનો પર્યાય બનેલાં તનાવ, ચિંતા અને હતાશાની લાગણીઓમાંથી વ્યક્તિને બહાર લાવવાનું રહસ્ય ભગવદ્ગીતામાં છુપાયેલું છે. ગીતા સર્વકાલીન પ્રસ્તુત ગ્રંથ છે અને હ્યુમન સાઇકોલૉજી અને વ્યક્તિને પીડા આપતાં તમામ પરિબળોને સૂક્ષ્મતા સાથે સમજીને ભગવાન કૃષ્ણએ એનો ઉકેલ અર્જુનને કહેલી વાતોમાં મળે છે. ૫૦ કરતાં વધુ વર્ષથી સાઇકિયાટ્રિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. મહેશ પરિખને MBBS અને સાઇકિયાટ્રીના અભ્યાસ દરમ્યાન અને પોતાના અનુભવો વખતે કંઈક ખૂટતું લાગતું હતું. એ દરમ્યાન ભારતીય તત્ત્વજ્ઞાન પ્રત્યેના તેમના આકર્ષણથી ભગવદ્ગીતા સાથે વધુ ઘરોબો બંધાયો અને એમાં જ તેમણે ‘ભગવદ્ગીતા ટીચિંગ્સ ઍન્ડ મૉડર્ન મૅન (ઍપ્લિકેશન ઇન સાઇકોથેરપી)’ વિષય પર PhD કર્યું અને જાણે કે મનમાં રહેલા બધા જ પ્રશ્નોનું સમાધાન મળી ગયું. ચાર-પાંચ વર્ષમાં PhDની થીસિસ બનાવતી વખતે કરેલા રિસર્ચમાં ગીતાના દરેક શ્લોકમાં કંઈક ખાસ છે એવો અનુભવ કરનારા ડૉ. મહેશ પરીખ પાસેથી જાણીએ કે શું કામ આજના સમયમાં વધી રહેલાં સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને પૅનિકનેસમાં ગીતાના શ્લોક, ગીતાની સમજણ અને ગીતાનું આચરણ લાઇફ-સેવર બની શકે અને વ્યક્તિને માનસિક સ્વસ્થતા બક્ષી શકે.
ADVERTISEMENT
વાસ્તવિક વાતો
ગીતાનો પ્રથમ અધ્યાય ‘અર્જુન વિષાદયોગ’ તરીકે ઓળખાય છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો યુદ્ધના મેદાનમાં શસ્ત્રો હેઠાં મૂકી દેવાં, પરસેવો છૂટવો, ધ્રુજારી થવી અને મન ભ્રમિત થઈ જવું - આ બધાં આજના પૅનિક અટૅક કે તીવ્ર ડિપ્રેશનનાં લક્ષણો છે. જ્યારે વિશ્વનો મહાન યોદ્ધા અર્જુન પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવાની દ્વિધામાં સંપૂર્ણપણે તૂટી ગયો ત્યારે તેના રથના સારથિ શ્રીકૃષ્ણ તેના થેરપિસ્ટ બન્યા. દ્રૌપદીના ચીરહરણ વખતે ચમત્કાર દેખાડનારા કૃષ્ણએ અર્જુન સામે ચમત્કારોની વાત નથી કરી. મારાથી યુદ્ધ નહીં કરી શકાય એવું કહેનારા અર્જુનનું કૃષ્ણએ કોઈ પણ દૈવત્વના દાવાઓ કર્યા વિના કાઉન્સેલિંગ કર્યું. અર્જુન તારે લડવું જ જોઈએ અને શું કામ લડવું એનાં કારણો અને લડવામાં બાધક બની રહેલા અર્જુનના બેચેન મન પાછળની ભ્રમણાઓને તેમણે નિવારી. આ સંદર્ભે ડૉ. મહેશ કહે છે, ‘સાઇકોથેરપીની જરૂર ત્યારે પડે છે જ્યારે વ્યક્તિ પોતાની પરિસ્થિતિઓને દુખનું કારણ સમજે છે અને સંજોગોને દોષ આપે છે. તમારા ડિસ્ટર્બન્સ પાછળ પરિસ્થિતિ જવાબદાર નથી. પરિસ્થિતિ તમને અસર કરી ગઈ, કારણ કે તમે નબળા હતા. પરિસ્થિતિથી એ નબળાઈઓ બહાર આવી. જેમ કે તમે પથરો માર્યો અને કાચ તૂટી ગયો. એ જ પથરો તમે દીવાલ પર માર્યો અને કંઈ જ ન થયું. હવે તમે જ કહો કે એક જ પથરો બે જુદી જગ્યાએ અથડાય છે અને પરિણામ જુદું આવે છે એટલે પ્રૉબ્લેમ પથરામાં નહીં એ જગ્યામાં છે. કાચ નબળો હતો અને પથરાના ઘાને સહી ન શક્યો. મનથી દીવાલ જેવા બનવાનું કે ગમે એવા પથરા આવે તો પણ આપણને એની અસર ન થાય. મનને આવી મજબૂતી આપવાનું કામ ભગવદ્ગીતા કરે છે. એક વાત યાદ રાખવાની છે કે સમસ્યા પ્રૉબ્લેમમાં નહીં પ્રૉબ્લેમ પ્રત્યેના આપણા ઓરિએન્ટેશનમાં છે, આપણા દૃષ્ટિકોણમાં છે. ગીતા તમારા નજરિયાને સુધારે છે. સામાન્ય રીતે તમે પરિસ્થિતિનો વિરોધ કરો કે સામાને સુધારવાના પ્રયાસ કરો તો સંઘર્ષ થાય. દુનિયાને કે કોઈ વ્યક્તિને બદલવાની ઝંખના એ મિશન ઇમ્પૉસિબલ છે અને એ તમને સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને પૅનિકનેસ આપશે. બીજી બાજુ તમે એ પરિસ્થિતિથી તમારામાં જન્મેલા રીઍક્શનને દબાવવાની કોશિશ કરો છો જે તમને લાંબા ગાળે સાઇકોસોમેટિક રોગો આપશે. ટૂંકમાં, બન્ને પરિસ્થિતિમાં અસર તમારી હેલ્થે ચૂકવવી પડે છે. હવે વિચાર કરો કે બન્નેને બદલે તમે જો એ પરિસ્થિતિથી ડિસ્ટર્બ જ ન થાઓ એવો દૃષ્ટિકોણ કરી નાખો તો? તમને એની સાથે લડવાનું કે એને મનોમન દબાવવાનું મન જ ન થાય તો? ભગવદ્ગીતા આ રીતે તમારા દૃષ્ટિકોણને, તમારા ઓરિએન્ટેશનને બદલે છે.’
કયા શ્ળોક છે ખાસ?
આમ તો દરેક શ્ળોકની પોતાની ખાસિયત છે. ડૉ. મહેશ કહે છે, ‘ગીતામાંથી હું શીખ્યો કે ફીલિંગ્સ અને ઇમોશન્સ જુદી બાબતો છે. આ વાત આખા વિશ્વમાં ક્યાંય સમજાવાઈ નથી. એને લગતો બીજા અધ્યાયમાં ચૌદમો શ્લોક છે... માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત... એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુ:ખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે. તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમ જ ઉનાળાની ઋતુઓની સમાન આવનજાવન કરે છે. હે ભરતવંશી! મનુષ્યે એમને અસ્વસ્થ થયા વિના સહન કરતાં શીખવું જોઈએ.’ એમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે તમને અનુકૂળ હોય એ સુખની અનુભૂતિ કરાવશે અને પ્રતિકૂળ હશે એ દુખની અનુભૂતિ કરાવશે. આપણે આગ્રહ રાખીએ કે મને ગમે એ જ થવું જોઈએ. આગ્રહ ઊભો થયો એટલે ડિસ્ટર્બન્સ ઊભાં થાય છે. સુખ અને દુખ બન્નેને સ્વીકારી શકો, બન્નેની ઉપર ઊઠી શકો. સુખ અને દુખ લાગણીઓ છે, જ્યારે એમાં સ્થિરતા રાખવી એ ઇમોશનલ સ્ટેબિલિટી છે.’
બધા પ્રૉબ્લેમનું મૂળ
ભગવાન શ્રીકૃષ્ણ ત્રીજા અધ્યાયના ૩૭મા શ્ળોકમાં બધાં જ પાપોના મૂળનું વર્ણન કરે છે. કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ। મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા : એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ ક્રોધમાં પરિવર્તિત થાય છે, એ આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ સમાન છે. અહીં ડૉ. મહેશ કહે છે, ‘આપણા મેન્ટલ હેલ્થ-પ્રૉબ્લેમ પાછળનું સૌથી મોટું કારણ આગળ કહ્યું એમ આપણા આગ્રહ મુજબ થાય એ ઇચ્છા છે. ભગવાન કૃષ્ણ ૩૭, ૩૮ અને ૩૯ એમ ત્રણ શ્ળોકમાં વિસ્તારથી વર્ણન કરે છે કે દરેક સમસ્યાનું, દરેક તકલીફનું મૂળ છે કામ અને ક્રોધ. તમારી ઇચ્છાઓ રહેશે ત્યાં સુધી તકલીફ રહેશે. પ્રૉબ્લેમથી મુક્ત થવું હોય તો સમસ્યાથી મુક્ત થવું પડશે. એવી જ રીતે પૉપ્યુલર એવા કર્મના કેટલાક શ્ળોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને તું કર્મ કર, ફળની આશા છોડી દે એવું કહે છે જે પણ આજના સમયમાં પ્રોસેસ પર ફોકસ કરો, આઉટકમ પર નહીં એ મૅનેજમેન્ટમાં ભણાવાય છે. આમ જોવા જાઓ તો ભગવાન સંપૂર્ણ ગીતામાં ડિટૅચમેન્ટ, ઇચ્છામુક્તિ અને સેલ્ફ-ડિસિપ્લિનની વાત કરે છે જે મેન્ટલ હેલ્થને અપને આપ સુધારશે, કારણ આ ૩ બાબત અચીવ થયા પછી તમારો પરિસ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો હશે.’
તમને ખબર છે?
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ભગવદ્ગીતાને તેમનો ‘ગુજરાન મંત્ર’ ગણાવ્યો હતો.
માનસિક સ્વાસ્થ્યનિષ્ણાતો માને છે કે કૃષ્ણની થેરપી કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી સાથે ઘણું સામ્ય ધરાવે છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા અને ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રનો UNESCOના ‘મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સમાવેશ કરવામાં આવ્યો છે.
લગભગ ૭૫ ભાષાઓમાં ગીતાના લગભગ ૧૮૯૧ અનુવાદો થયા છે, જેમાં સેંકડો અંગ્રેજી અનુવાદોનો સમાવેશ થાય છે.
ગીતાનો પહેલો અંગ્રેજી અનુવાદ ૧૭૮૫માં ચાર્લ્સ વિલ્કિન્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે ગીતાને યુરોપિયન વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને પછીથી પશ્ચિમી વાચકો સમક્ષ રજૂ કરી.


