સર્જરી દ્વારા ટ્યુમર નીકળી જાય પણ ફરીથી રોગનું રીઅકરન્સ રોકવા રેડિયેશનનો સહારો લેવાય છે જેની સાઇડ-ઇફેક્ટ ઘણી ભારે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ કૅન્સર એક બિહામણો શબ્દ છે. ચિકિત્સાશાસ્ત્રની દૃષ્ટિએ કૅન્સર આજે પણ એક પડકાર છે.
આપણું શરીર અબજો કોષોનું બનેલું છે. આ કોષો ચોક્કસ સમયે વૃદ્ધિ પામે અને વૃદ્ધ થતાં આપમેળે મરી પણ જાય. જ્યારે આ કોષોમાંથી કોઈ કોષનો આનુવંશિક કોડ એટલે કે DNA ખોરવાય ત્યારે કૅન્સરની શરૂઆત થઈ કહેવાય. આવા કોષો મરતા નથી પરંતુ અટક્યા વગર વધતા રહે છે. શરીરમાં ફેલાયેલા આવા તમામ કોષો એકત્રિત થઈને એક ગાંઠ અથવા ટ્યુમરનું સ્વરૂપ ધારણ કરે. આ ટ્યુમરનું કદ ધીમે-ધીમે વધે જેના કારણે શરીરના રૂટીન કામકાજમાં અવરોધ પેદા થાય. કૅન્સરના કોષો જ્યારે મજબૂત થઈ જાય છે પછી એ આજુબાજુના ટિશ્યુને નુકસાન પહોંચાડે. પછી લોગી અથવા લિમ્ફ દ્વારા એ ફેફસાં-લિવર-હાડકાં જેવા શરીરના અન્ય ભાગોમાં પ્રસરે છે. ત્યાં એ ટ્યુમરનું સ્વરૂપ ધારણ કરે છે. આને કૅન્સરનો ફેલાવો અથવા મેડિકલ ટર્મિનોલૉજીમાં મેટાસ્ટેસિસ કહે છે.
ADVERTISEMENT
કૅન્સર ડિટેક્ટ કરવા માટે અત્યાર સુધી એ ભાગની બાયોપ્સી થતી. હવે લિક્વિડ બાયોપ્સીમાં માત્ર બ્લડ કે યુરિનના સૅમ્પલ લઈ એનું પરીક્ષણ થાય છે. કૅન્સર કોશિકાઓ લોહીમાં DNA છોડે છે જેને આ ટેસ્ટ ઓળખી લે છે. આગળ વધીને હવે AI અને જનીનની ઓળખ દ્વારા પણ કૅન્સરની તપાસ શક્ય છે.
સર્જરી દ્વારા ટ્યુમર નીકળી જાય પણ ફરીથી રોગનું રીઅકરન્સ રોકવા રેડિયેશનનો સહારો લેવાય છે જેની સાઇડ-ઇફેક્ટ ઘણી ભારે છે. વાસ્તવમાં કૅન્સરની બીમારીને જીવનશૈલી સાથે સીધો સંબંધ છે. અમેરિકન કૅન્સર સોસાયટીનાં કેટલાંક રિસર્ચ સ્પષ્ટ દર્શાવે છે કે લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો કરવાથી કૅન્સરના ખોફને ઘણો નબળો અને નજીવો કરી શકાય છે.
તેમણે સૂચવેલા બે કારગત નીવડેલા ઉપાયો વિશે વાત કરવી છે.
પહેલું, દિવસના છેલ્લા ભોજન અને ઊંઘ વચ્ચે બે-ત્રણ કલાકનો ગૅપ રાખવાથી (અન્ય દવા વગર) અમુક પ્રકારના કૅન્સરનું ૨૦થી ૩૦ ટકા જેટલું જોખમ ઘટે છે. જૈનોના રાત્રિભોજન ત્યાગ (ચૌવિહાર)ને અહીં એક ક્લિનિકલ ટ્રીટમેન્ટનો દરજ્જો મળતો દેખાય છે. બીજું, સપ્તાહમાં એક વાર ઉપવાસ કરવાથી કૅન્સરનું જોખમ ઘણું ઘટે છે. અગાઉથી કૅન્સર હોય તો એ વધી શકતું નથી. કૅન્સરના કોષો પોતે જીવિત રહેવા માટે ગ્લુકોઝ પર આધાર રાખે છે. ઉપવાસ કરવાથી શરીરમાં ગ્લુકોઝની માત્રા ઘટે છે જે કૅન્સર સામેની લડતમાં દરદીને સીધો ફાયદો કરાવી આપે છે.
મહાવીર જગતના ઉપવાસને મેડિકલ જગત પણ જ્યારે ઑથેન્ટિકેટ કરે ત્યારે ધર્મના અનુયાયીને ગૌરવની લાગણી થાય પણ શ્રદ્ધા તો દરેકની એ દિશામાં પ્રગટે છે અને વધે છે. એવું સ્પષ્ટ લાગે કે આવનારાં વર્ષોમાં ધર્મ માત્ર એક વિચારસરણી ન રહેતાં, જીવનશૈલીનો એક ભાગ બનીને રહેશે.
