હરિહરપુરના ઇતિહાસની શરૂઆત કોઈ યુદ્ધ, રાજવંશ કે કિલ્લાથી નહીં પરંતુ એક સંગીતસભાથી થાય છે. લોકવાયકા મુજબ આશરે ૩૦૦ વર્ષ પહેલાં હરિનામ દાસ અને સરનામ દાસ નામના બે વિખ્યાત ગાયક નવા આશ્રયની શોધમાં આઝમગઢ પહોંચ્યા.
ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરથી આશરે ૨૦ કિલોમીટર દૂર વસેલું હરિહરપુર એક સામાન્ય દેખાતું ગામ છે જેની ઓળખ સંગીતથી બનેલી છે. ગામની સવાર તબલાંના તાલ, હાર્મોનિયમના સૂર અને રિયાઝથી શરૂ થાય છે.
ભારતમાં ચિત્ર-વિચિત્ર ગામો છે. ક્યાંક આખું ગામ સર્પોની પૂજા કરે છે, ક્યાંક દરેક ઘર વાંસની કળાથી ઓળખાય છે તો ક્યાંક લોકો સદીઓથી એક જ હસ્તકલાને જીવંત રાખી રહ્યા છે. જોકે ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરથી આશરે ૨૦ કિલોમીટર દૂર વસેલું હરિહરપુર એક સામાન્ય દેખાતું ગામ છે જેની ઓળખ કોઈ ખેતી, વેપાર કે ઐતિહાસિક કિલ્લાથી નહીં પરંતુ સંગીતથી બનેલી છે. અહીં સંગીત માત્ર એક કળા કે વ્યવસાય નથી, જીવનશૈલી છે. ગામની સવાર તબલાંના તાલ, હાર્મોનિયમના સૂર અને રિયાઝથી શરૂ થાય છે. એવું કહેવાય છે કે અહીં લગભગ દરેક પરિવારમાં કોઈ ને કોઈ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલું છે. કોઈ ગાયક છે, કોઈ તબલાંવાદક તો કોઈ સારંગી કે સિતારવાદક. એક એવા સમયમાં જ્યારે શાસ્ત્રીય સંગીતનો રસ ઘટી રહ્યો છે ત્યારે હરિહરપુર સદીઓ જૂની સંગીત-પરંપરાને જીવંત રાખીને ભારતની સાંસ્કૃતિક ધરોહરનું અનોખું પ્રતીક બનીને ઊભું છે. આ ગામમાં સંગીત વારસામાં મળે છે અને દરેક નવી પેઢી એને પોતાના શ્વાસ સાથે આગળ વધારે છે. આજે આ ગામની મુલાકાત લઈએ જ્યાં લોકો બાળકનું નામ પૂછવા કરતાં પહેલાં પણ તે કયું વાદ્ય વગાડતાં શીખે છે એ પહેલાં પૂછે છે.
ADVERTISEMENT
૩૦૦ વર્ષ જૂનો ઇતિહાસ છે
હરિહરપુરના ઇતિહાસની શરૂઆત કોઈ યુદ્ધ, રાજવંશ કે કિલ્લાથી નહીં પરંતુ એક સંગીતસભાથી થાય છે. લોકવાયકા મુજબ આશરે ૩૦૦ વર્ષ પહેલાં હરિનામ દાસ અને સરનામ દાસ નામના બે વિખ્યાત ગાયક નવા આશ્રયની શોધમાં આઝમગઢ પહોંચ્યા. તેમણે શાસક આઝમ શાહના દરબારમાં પોતાની સંગીતસાધનાનો એવો પરિચય આપ્યો કે રાજાએ તેમને ૯૮૯ વીઘા જમીન ભેટમાં આપી અને અહીં વસીને સંગીતની પરંપરા આગળ વધારવાની વિનંતી કરી. આ કથા આજે પણ હરિહરપુરની ઓળખનો અભિન્ન ભાગ છે. એ જમીન પર માત્ર એક વસાહત ઊભી થઈ નહોતી, ગુરુ-શિષ્ય પરંપરાનું એવું કેન્દ્ર વિકસ્યું જ્યાં સંગીત પુસ્તકો કરતાં વધુ ઘરના આંગણે શીખવાતું હતું. એક પેઢી બીજી પેઢીને રાગ, તાલ અને લયનો વારસો સોંપતી ગઈ. વર્ષો બાદ આ પરંપરાએ ‘હરિહરપુર ઘરાના’ તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી અને ગામને ભારતના શાસ્ત્રીય સંગીતના નકશા પર એક વિશિષ્ટ સ્થાન અપાવ્યું. સંગીતના વિદ્યાર્થી ન હોય તો તેમને ઘરાના શું છે અને આ સંગીત સાથે ઘરાના જોડાય તો એનો અર્થ શું થાય એ પ્રશ્ન થાય.

૨૦૨૨માં હરિહરપુર ઘરાનાને સમર્પિત સંગીત મહાવિદ્યાલય એટલે કે સંગીત ઍકૅડેમીની જાહેરાત થઈ, ૨૦૨૩માં એનો શિલાન્યાસ થયો અને ત્યાર બાદ આશરે ૨૧.૭૯ કરોડ રૂપિયાના ખર્ચે મહાવિદ્યાલયનું નિર્માણ પૂરું થયું.
હરિહરપુર ઘરાના શું છે?
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઘરાના એટલે માત્ર એક પરિવાર નહીં, સંગીતની એવી પરંપરા જેમાં ગાયકી, વાદન કે નૃત્યની આગવી શૈલી પેઢી દર પેઢી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા આગળ વધે છે. દરેક ઘરાનાની પોતાની અલગ ઓળખ, રજૂઆતની રીત અને સંગીતને સમજવાનો વિશિષ્ટ અભિગમ હોય છે. જેમ જયપુર, ગ્વાલિયર અને બનારસ ઘરાના ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પ્રસિદ્ધ છે એમ હરિહરપુર ઘરાના પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. પૂર્વી ઉત્તર પ્રદેશની લોકસંગીત પરંપરા અને બનારસની શાસ્ત્રીય શૈલીના સમન્વયથી વિકસેલા આ ઘરાનામાં ખાસ કરીને ઠૂમરી, દાદરા, કજરી, ચૈતી, હોરી અને પૂરબી અંગની ગાયકી વિશેષ સ્થાન ધરાવે છે. હરિહરપુર ઘરાનાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સંગીત કોઈ વિદ્યાલયમાં જન્મ્યું નથી. એ ઘરના આંગણામાં, પરિવારના વડીલોના માર્ગદર્શન હેઠળ અને રોજિંદા રિયાઝમાંથી વિકસ્યું છે. એટલે જ હરિહરપુર ઘરાના માત્ર સંગીતની એક શૈલી નહીં, ૩ સદીથી જીવંત રહેલી સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો રાગ અને ઘરાના એક જ વસ્તુ નથી. જો રાગને એક જ વાર્તા માનીએ તો ઘરાના એ વાર્તા કહેવાની અલગ-અલગ શૈલી છે. એક જ ગીતને કદાચ તમે ૩ કે ૪ જુદા-જુદા સૂરોમાં સાંભળ્યું હશે. ગીતોનો રાગ ભલે એક જ હોય, પરંતુ અલગ-અલગ ઘરાનાના ગાયકો એને પોતાની આગવી શૈલીથી ગાય છે. એટલે ઘરાના ગીત બદલતું નથી, પરંતુ એને રજૂ કરવાની રીતને વિશિષ્ટ બનાવે છે.
સંગીતનો સુવર્ણકાળ વીસરાતો ગયો
હરિહરપુરનો સાચો સુવર્ણકાળ વીસમી સદીની શરૂઆત સુધી માનવામાં આવે છે. ગામના વરિષ્ઠ સંગીતકારોના જણાવ્યા અનુસાર ૧૯૩૫ પહેલાં હરિહરપુરની દરેક ગલીમાંથી રાગ, તાલ અને લયના સૂર સંભળાતા હતા. એ સમય દરમ્યાન ગામ માત્ર ગાયન પૂરતું સીમિત નહોતું, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ત્રણેય વિદ્યાઓ ગાયન, વાદન અને નૃત્યનું જીવંત કેન્દ્ર હતું. પંડિત વસુદેવ મિશ્રા, પંડિત મુન્નન મિશ્રા, પંડિત રાખલ મિશ્રા અને પંડિત રામસજીવન મિશ્રા જેવા ગાયકોએ હરિહરપુર ઘરાનાને વિશિષ્ટ ઓળખ આપી. તબલાંમાં પંડિત ફુન્નન મિશ્રા, પંડિત લખ્ખીનારાયણ મિશ્રા, પંડિત મન્નીલાલ મિશ્રા અને પંડિત વિશ્વનાથ મિશ્રા જેવા ઉસ્તાદો તૈયાર થયા; જ્યારે સારંગીના ક્ષેત્રે પંડિત લુરુ મિશ્રા, પંડિત સાંવલા મિશ્રા, પંડિત દેવીપ્રસાદ મિશ્રા, પંડિત શ્યામબિહારી મિશ્રા અને પંડિત રાજકેશ્વર મિશ્રાએ આ પરંપરાને નવી ઊંચાઈ આપી. કથક નૃત્યમાં પણ જોખુ મિશ્રા અને શિવજી મિશ્રા જેવા કલાકારો હરિહરપુરમાંથી જ ઊભા થયા. સંગીતની દુનિયાના લોકો આ નામોના મહત્ત્વને સમજે છે. ગામમાં એક અલિખિત પરંપરા હતી કે લગભગ દરેક સંગીતકાર પોતાના ઓછામાં ઓછા એક સંતાનને ગાયન, વાદન અથવા નૃત્યની તાલીમ અવશ્ય આપે.

ગામમાં રહેલા પરિવારો ગુરુ-શિષ્ય પરંપરા મુજબ નવી પેઢીને તાલીમ આપતા રહ્યા છે.
૧૯૩૫ પછી હરિહરપુરના ઇતિહાસે નવો વળાંક લીધો. રાજ્યાશ્રય ઘટતાં અને જીવનનિર્વાહની નવી તકોની શોધમાં અનેક કલાકારો દેશનાં વિવિધ શહેરોમાં સ્થાયી થવા લાગ્યા. પંડિત રાખલ મિશ્રા કલકત્તા ગયા, પંડિત રામસજીવન મિશ્રા બિહારના આરા પહોંચ્યા, સારંગીવાદક પંડિત દેવીપ્રસાદ મિશ્રા મુઝફ્ફરનગરમાં સ્થાયી થયા; જ્યારે અન્ય અનેક કલાકારો દિલ્હી, મુંબઈ, ભાગલપુર, ગયા અને મુઝફ્ફરપુર તરફ વળ્યા. આ જ સમયગાળામાં હરિહરપુરમાં ૧૯૩૬માં જન્મેલા પદ્મવિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રાના પિતા તબલાંવાદક બદરીપ્રસાદ મિશ્રા રોજગારને કારણે મુઝફ્ફરપુરમાં રહેવા લાગ્યા. થોડાં વર્ષો બાદ તેઓ નાના છન્નુલાલને પણ પોતાની સાથે લઈ ગયા. બાળપણનો પ્રારંભિક સમય હરિહરપુરમાં વિતાવ્યા પછી છન્નુલાલ મિશ્રાએ વારાણસીમાં સંગીતની ઊંડી સાધના કરી અને આગળ જતાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયકોમાં સ્થાન મેળવ્યું. ૨૦૨૦માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ હરિહરપુરમાંથી નીકળેલા કલાકારોએ દેશભરના સંગીતમંચો પર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો અને સાથે-સાથે હરિહરપુર ઘરાનાનું નામ પણ દૂર-દૂર સુધી પહોંચાડ્યું. જો આ ગામ એટલું જ યુનિક હોય તો પછી આ ગામ વિશે લોકોને અત્યારે શા માટે જાણ થઈ રહી છે?

પદ્મવિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રા હરિહરપુર ઘરાનાના સૌથી પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓમાંના એક માનવામાં આવે છે. તેમની સફળતાએ હરિહરપુર ઘરાનાના સંગીતવારસાને દેશ અને દુનિયાના શાસ્ત્રીય સંગીતપ્રેમીઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સુવર્ણકાળ ફરી લાવવાનો પ્રયાસ
કલાકારોના સ્થળાંતર બાદ હરિહરપુરના સૂર ભલે દેશનાં અલગ-અલગ શહેરોમાં પહોંચી ગયા હોય, ગામમાં સંગીતની પરંપરા ક્યારેય તૂટી નહીં. મોટાં શહેરોમાં વસેલા સંગીતકારોએ પોતાના ઘરની પરંપરા જાળવી રાખી, જ્યારે ગામમાં રહેલા પરિવારો ગુરુ-શિષ્ય પરંપરા મુજબ નવી પેઢીને તાલીમ આપતા રહ્યા. રોજગાર માટે કેટલાક કલાકારોએ ભજન, લોકગીતો અને અન્ય સંગીતપ્રકારો પણ અપનાવવા પડ્યા. છતાં હરિહરપુર ઘરાનાની મૂળ શાસ્ત્રીય પરંપરા જીવંત રહી. ૨૦૧૧ પછી આ ગામ ફરી ચર્ચામાં આવવા લાગ્યું જ્યારે ઇન્ડિયન ટ્રસ્ટ ફૉર રૂરલ હેરિટેજ ઍન્ડ ડેવલપમેન્ટ (ITRHD)એ હરિહરપુરના સંગીતવારસાના દસ્તાવેજીકરણ અને સંવર્ધનનું કાર્ય શરૂ કર્યું. ત્યાર બાદ હરિહરપુર સંગીત અકાદમીની સ્થાપના કરવામાં આવી, જ્યાં બાળકોને નિયમિત તાલીમ આપવાની વ્યવસ્થા ઊભી થઈ. ગામના યુવા કલાકારોને આઝમગઢ, લખનઉ અને દિલ્હી જેવાં શહેરોમાં યોજાતા સંગીત મહોત્સવોમાં રજૂઆત કરવાની તક મળવા લાગી જેને કારણે હરિહરપુર ઘરાનાને ફરી રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવા લાગી. આ પ્રયાસોને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે ૨૦૨૨માં હરિહરપુર ઘરાનાને સમર્પિત સંગીત મહાવિદ્યાલય એટલે કે સંગીત ઍકૅડેમીની જાહેરાત થઈ, ૨૦૨૩માં એનો શિલાન્યાસ થયો અને ત્યાર બાદ આશરે ૨૧.૭૯ કરોડ રૂપિયાના ખર્ચે મહાવિદ્યાલયનું નિર્માણ પૂરું થયું. આ જ કારણ છે કે હરિહરપુર ફરી એક વાર માત્ર એક ગામ નહીં, ભારતની જીવંત સંગીત-પરંપરાના પ્રતીક તરીકે ચર્ચાના કેન્દ્રમાં આવવા લાગ્યું.
