Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > હે જળદેવ, તમને ઝાઝી બધી ખમ્મા, હવે બસ કરો બાપ

હે જળદેવ, તમને ઝાઝી બધી ખમ્મા, હવે બસ કરો બાપ

Published : 06 September, 2026 03:06 PM | Modified : 06 September, 2026 03:08 PM | IST | Tiruchirappalli
Alpa Nirmal

તામિલનાડુમાં ૯ ગ્રહને સમર્પિત ૯ પ્રાચીન શિવાલયો, બારેય રાશિ અને ૨૭ નક્ષત્રનાં મંદિરો છે. પાંચ મહાભૂતોનાં અલગ શિવમંદિરોમાં જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરતા થિરુવનૈકોઈલના જમ્બુકેશ્વર મંદિરે ભોલેનાથને ખમૈયા કરવાની પ્રાર્થના કરીએ.

  આ મંદિરમાં શિવની એકપાદ ત્રિમૂર્તિ છે જેમાં શિવજીમાંથી બ્રહ્મા અને વિષ્ણુ નીકળતા હોય એવું દેખાય છે.

તીર્થાટન

આ મંદિરમાં શિવની એકપાદ ત્રિમૂર્તિ છે જેમાં શિવજીમાંથી બ્રહ્મા અને વિષ્ણુ નીકળતા હોય એવું દેખાય છે.


૨૦૨૬નું વર્ષ શરૂ થયું ત્યારથી દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં પૂર, બરફનાં તોફાન, ચક્રવાત જેવા અનેક જળપ્રલયો થયા છે. આપણે ત્યાં પણ આસામ, કેરલમમાં થયેલા ક્લાઉડ-બસ્ટિંગ અને ઍક્સેસ રેઇને કાળો કેર વર્તાવ્યો છે. એ સમાચારોમાંથી માંડ કળ વળી ત્યાં નેપાલ-તિબેટ બૉર્ડર પર ગ્લેશિયર કૉલેપ્સ થવાથી આવેલા પૂરનો પ્રલય તો ભારતના નાગરિકોને પણ ભરખી ગયો. આ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારો અને હા, આપણા મુંબઈમાં પણ દર વર્ષે અધિક વર્ષા કેટલાક જાન લઈ જ લે છે. એવા ટાણે આપણે જમ્બુકેશ્વર મહાદેવને દંડવત્ કરીને પ્રાર્થના કરીએ કે હે જળદેવ, તમે શાંત થાઓ, તમને ઝાઝી બધી ખમ્મા, હવે બસ કરો બાપ.
lll
જંબુકેશ્વરમ્ તામિલનાડુ રાજ્યના તિરુચિરાપલ્લી જિલ્લામાં આવેલું નીરનું પ્રતિનિધિત્વ કરતું મંદિર છે. ઑબ્વિયસલી, જંબુકેશ્વર શિવજી છે અને પાર્વતીમાતા અહીં અખિલંદેશ્વરીદેવી છે. દંતકથા પ્રમાણે પાર્વતીમાતાએ તેમના તપની મજાક કરી. નટરાજને એ ગમ્યું નહીં અને તેમણે પત્નીને પૃથ્વી પર જઈને તપસ્યા કરવાનો નિર્દેશ કર્યો. પતિનો આદેશ તથા દેવી પાર્વતી અખિલંદેશ્વરીનું રૂપ ધારણ કરી થિરુવનૈકોઈલની આ ભૂમિ પર આવ્યાં અને જાંબુવનમાં રહી કઠિન તપ આદર્યું. તપ દરમ્યાન તેમણે જાંબુ પર્વત પરથી વહેતી કાવેરી નદીના જળથી શિવલિંગ બનાવ્યું અને એની પૂજા પ્રારંભ કરી. દીર્ઘ તપસ્યાના અંતે શિવજી અહીં પ્રગટ થયા અને અખિલંદેશ્વરીમાતાને દર્શન આપ્યાં તથા જ્ઞાન પ્રદાન કર્યું. માતા પાર્વતીએ જળમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું હોવાથી એને સ્થાનિકો અપ્પુલિંગમ્ (જેનો અર્થ થાય જલલિંગ) પણ કહે છે અને આ જ કારણસર આ લિંગ પંચમહાભૂતોમાંથી એક જળને રિપ્રેઝન્ટ કરે છે.
આ કથા ઉપરાંત અહીં ઑર એક કહાની પણ પ્રચલિત છે. વળી એ ‘નલયિરા દિવ્ય પ્રબન્ધમ’ નામના તામિલ ધાર્મિક સૂત્રમાં પણ આલેખાયેલી છે. એ સૂત્ર અનુસાર કૈલાસવાસીના બે શિષ્ય માલ્યવાન અને પુષ્પદંત શિવજીના અન્ય ગણ સાથે કૈલાસમાં જ નિવાસ કરતા હતા. ત્યાં દિવ્ય વાતાવરણ હોવા છતાં આ બેઉ શિષ્યોને એકબીજા સાથે જામતું નહીં. તેઓ કોઈ ને કોઈ વાતે આપસમાં લડતા જ રહેતા. આવી એક લડાઈના અંતે માલ્યવાને પુષ્પદંતને પૃથ્વી પરના હાથી બનવાનો શ્રાપ આપ્યો અને વળતા જવાબમાં પુષ્પદંતે માલ્યવાનને કરોળિયો બનવાનો શ્રાપ આપ્યો. પૂર્વભવના વેરભાવના કારણે ફરી તેઓ હાથી અને કરોળિયો બનીને થિરુવનૈકોઈલ આવ્યા અને માતા અખિલંદેશ્વરીએ બનાવેલા શિવલિંગની પૂજા કરવા લાગ્યા. હાથી નજીકની કાવેરી નદીમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરી લિંગમનો અભિષેક કરતો અને કરોળિયો ખુલ્લામાં રહેલું આ શિવલિંગ સૂર્યપ્રકાશ, વૃક્ષોનાં ખરેલાં પાંદડાં, ધૂળ આદિથી બચે એ માટે એના પર જાળું નિર્માણ કરતો. આમ બેઉ શિવગણ પોતાના આરાધ્યદેવની પૂજા કરતા. એક દિવસ હાથીએ લિંગ પર બનેલું કરોળિયાનું જાળું જોયું અને સફાઈ કરવા અર્થે એ સ્પાઇડર વેબ ફાડી નાખીને શિવલિંગ પર પાણીથી અભિષેક કર્યો. અગેઇન, આ પ્રક્રિયા અનેક દિવસો સુધી ચાલતી રહી. એક દિવસ કરોળિયાએ હાથીને પોતે બનાવેલું જાળું તોડતાં જોયો અને ક્રોધે ભરાઈને તે હાથીની સૂંઢમાં ઘૂસી ગયો અને એને ડંખ મારી-મારી મોતને ઘાટ ઉતારી દીધો. જંબુકેશ્વરે આ આખી ઘટના જોઈ એટલે બેઉની ઊંડી ભક્તિથી પ્રસન્ન થઈને શ્રાપમાંથી મુક્ત કરી દીધા.
જોકે હાથીનું તો મૃત્યુ થઈ ગયું હતું, પણ માલ્યવાનને હાથીની હત્યાનું પાપ લાગ્યું હતું. આથી તે નેક્સ્ટ જન્મમાં રાજા કોચેનગોટ ચોલ (અર્થાત્ લાલ આંખો ધરાવતો રાજા) બન્યો અને ધાર્મિક વૃત્તિના કોચેનગોટે કુલ ૭૦ મંદિરોનું નિર્માણ કરાવ્યું, જેમાંથી જમ્બુકેશ્વરનું આ મંદિર પણ એક છે. એ પછી અગિયારમી-બારમી સદીમાં કોચેનગોટ ચોલના જ, વંશના ચોલ રાજાઓએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બાદમાં હોયસલ રાજા સોમેશ્વરે એનું વિસ્તરણ કરાવીને ૭ માળનું સુંદર રાજગોપુરમનું નિર્માણ કરાવ્યું તથા મંદિરની અંદર અને આજુબાજુ અનેક દેવ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી તેમ જ દેવાલયો પણ બનાવડાવ્યાં. સત્તરમી સદીના મધ્યમાં આ વિસ્તારમાં ફ્રાન્સ અને અંગ્રેજ સૈનિકો વચ્ચે અનેક યુદ્ધો થયાં (યાદ રહે, નજીક આવેલું પૉન્ડિચેરી ફ્રેન્ચ વસાહત હતી). આથી આ મંદિર પણ અનેક વખત ફ્રેન્ચ અને બ્રિટિશ સૈનિકોના તાબામાં આવતું-જતું રહ્યું. એમાં ક્ષતિગ્રસ્ત પણ થયું. છતાં ઓગણીસમી સદીમાં વેલ્લાર, ગયુકોટ્ટઈ, નાગરથર જાતિના સ્થાનિક ભક્તોએ મંદિરનું ખૂબ ધ્યાન રાખ્યું. એટલે છેક બીજી શતાબ્દીમાં બનેલું આ વિશાળ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. દોઢ સ્ક્વેર કિલોમીટરમાં વિસ્તારેલા આ મંદિરનાં બે ગોપુરમ (પ્રવેશદ્વાર) ૭૩ ફુટ અને ૧૦૦ ફુટ છે. એક મોટો લંબચોરસ હૉલ છે જેમાં ૭૯૬ સ્તંભ છે. પરિસરમાં બારમાસી ઝરણાંઓથી ભરેલું નાનકડું તળાવ છે. મુખ્ય મંદિરને અડીને બીજાં અનેક મંદિરોનો સમૂહ છે તો ગર્ભગૃહની ઉપર શિખર હોવા સાથે એની આજુબાજુ પરિક્રમા માર્ગ છે. ચોરસ ગર્ભગૃહની મધ્યમાં ૩ ફુટ ઊંચું સ્વયંભૂ જલલિંગમ છે જેનો ઉપરનો વર્ણ તામ્ર છે અને નીચે બ્લૅક ગ્રેનાઇટ છે. ગર્ભગૃહની વિશેષતા એ છે કે લિંગની નજીકથી કુદરતી રીતે એક જળધારા નીકળે છે જેથી લિંગની ઉપર એક વસ્ત્ર વીંટાળવામાં આવે છે જે કાયમ ભીનું જ રહે છે. ગર્ભગૃહની ૩ બાજુએ દીવાલ છે જેમાં ૯ કાણાં ધરાવતી નાની બારી છે અને ગર્ભગૃહનું પ્રવેશદ્વાર પણ અત્યંત નાનું હોવા સાથે અંદર એકમાત્ર દીપક બળતો હોવા છતાં શિવલિંગ અત્યંત તેજસ્વી અને પ્રકાશમાન દેખાય છે. કહે છે કે શિવલિંગની નીચેથી સ્વયંભૂ પ્રકાશનો લિસોટો નીકળે છે. આ ઉપરાંત ગર્ભગૃહમાં જ આ શિવલિંગની ઉપર સફેદ જાંબુના વૃક્ષની એક ડાળખી પણ છે જે નદીની ધાર પર ઊગી છે. ચોમાસાની સીઝનમાં તો નદીની સરવાણી એવી હૃષ્ટપુષ્ટ થઈ જાય છે કે આખું શિવલિંગ એમાં ડૂબી જાય છે. ગર્ભગૃહની બહાર ભોલેબાબાનો ફેવરિટ કાંસ્યનો નંદી પણ છે અને મંદિરના રંગમંડપની દીવાલ પર હાથી અને કરોળિયાની કથાનું પટ્ટચિત્ર કોતરેલું છે.
મંદિરના પરિસરમાં દેવી અખિલંદેશ્વરીનું મંદિર છે જેમાં પણ એક શિવલિંગ પણ છે. આ સ્થળે શંકર ભગવાન અને અખિલંદેશ્વરી (પાર્વતીમાતા) ગુરુ-શિષ્યાના રૂપમાં હોવાથી અન્ય મંદિરોની જેમ અહીં તિરુકલ્યાણમ (શિવ-પાર્વતીનો વિવાહ ઉત્સવ) નથી થતો. શંકરાચાર્યજીએ અહીં પ્રસન્ના ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી છે જે પણ અત્યંત સુંદર અને મનમોહક છે.
થિરુવનૈકોઈલ ગામ તિરુચિરાપલ્લી જંક્શનથી ફક્ત ૧૦ કિલોમીટર દૂર છે. ત્યાં જવા રેલવે-સ્ટેશનથી બસ અને રિક્ષા મળી જાય છે. કાવેરી નદીના કિનારે વસેલું આ ટાઉન તામિલનાડુ રાજ્યનું ઇન્ડસ્ટ્રિયલ અને એજ્યુકેશનલ હબ છે. મુંબઈથી અહીં જવા ડાયરેક્ટ હવાઈ અને રેલ-સર્વિસ છે. આ ઉપરાંત આખા શહેરમાં સેંકડોની સંખ્યામાં હોટેલો અને હજારોની સંખ્યામાં રેસ્ટોરાં છે એટલે રહેવાનો અને જમવાનો કોઈ પ્રૉબ્લેમ જ નથી. બાય ધ વે, આ તિરુચિરાપલ્લી એટલે ફૉર્મર ટ્રિચી ટાઉન જ હોં.

 જળલિંગની પૂજા કરતાં અખિલંદેશ્વરી દેવી સ્ત્રી હોવાથી આજે પણ બપોરની પૂજા વખતે અહીંના મુખ્ય પૂજારી મહિલાનો વેશ-શણગાર ધરીને શિવલિંગ તથા ગાયની પૂજા કરે છે. પર્ટિક્યુલર આ સમયની પૂજામાં અનેક ભક્તો અહીં આવે છે.



 મંદિરની બહારની દીવાલ પચીસ ફુટ ઊંચી અને બે ફુટ પહોળી છે. ભાવિકો કહે છે કે એના નિર્માણ વખતે સ્વયં નીલકંઠ મજૂરના વેશમાં આવ્યા હતા અને દીવાલ બનાવવામાં મદદ કરી હતી.


 આવડા વિશાળ મંદિરના ગર્ભગૃહનો દરવાજો ફક્ત ૪ ફુટ ઊંચો અને અઢી ફુટ પહોળો છે. કહે છે કે કોચેનગોટ ચોલ રાજાએ પાછલા જન્મના શત્રુ હાથી સાથેની શત્રુતાને ધ્યાનમાં રાખીને નાનું દ્વાર બનાવડાવ્યું જેથી હાથી એના આરાધ્યદેવ પાસે આવી ન શકે.

જમ્બુકેશ્વર નામની પાછળ શિવલિંગથીયે પુરાની કહાની છે


કહેવાય છે કે જમ્બુ નામના ઋષિએ એક વખત ભગવાન શિવને વેન્ન નાવલ નામનું ફળ અર્પિત કર્યું. ભગવાને એ આરોગ્યું અને એનું બી કાઢીને ફેંકી દીધું. જમ્બુ મુનિ એ ઠળિયો પ્રભુનો પ્રસાદ માનીને ગળી ગયા અને એ સંતના મસ્તક પર નાવલનું વૃક્ષ ઊગવા લાગ્યું. શિવભક્ત જમ્બુએ પ્રભુને તેમની નીચે નિવાસ કરવાની પ્રાર્થના કરી. ભોલેબાબાએ એ સ્વીકારી લીધી અને આ ઘટનાનાં અનેક વર્ષો બાદ અખિલંદેશ્વરી અહીં આવ્યાં અને તપસ્યા કરી, જમ્બુ વૃક્ષની નીચે શિવલિંગની સ્થાપના કરી ત્યારથી મહાદેવ અહીં બની ગયા જમ્બુકેશ્વર.
આ જળલિંગ પાણી રિલેટેડ સમસ્યાઓ તો સૉલ્વ નથી કરતું, પરંતુ કહે છે માતા અખિલંદેશ્વરીના આશીર્વાદથી ભક્તોને બુદ્ધિ અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થવા સાથે લગ્ન અને સંતાનની મનોકામના પણ પૂરી થાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 પહેલાં આ તીર્થસ્થાન થિરુઆનઈકા નામે જાણીતું હતું. તામિલ ભાષામાં થિરુ મીન્સ પવિત્ર, આનઈ અર્થાત્ હાથી અને કા એટલે વન.
 પંચમહાભૂતને સમર્પિત અન્ય મંદિરોમાં પૃથ્વીનું તત્ત્વ પ્રતિનિધિત્વ કરતું મંદિર છે એકંબરેશ્વર, જે કાંચીપુરમમાં છે. ચિદંબરમમાં આવેલું નટરાજ મંદિર આકાશ તત્ત્વને સમર્પિત છે. અરુણાચલેશ્વર અગ્નિ તત્ત્વને રિપ્રેઝન્ટ કરે છે, જે તિરુવનમલાઈમાં છે અને વાયુ તત્ત્વને સમર્પિત મંદિર પાડોશી રાજ્ય આંધ્રમાં શ્રીકાલહસ્તી રૂપે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 03:08 PM IST | Tiruchirappalli | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK