Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > દયા પરિસ્થિતિ પર આધારિત છે, પણ કરુણા સ્વભાવગત લોહીમાં છે

દયા પરિસ્થિતિ પર આધારિત છે, પણ કરુણા સ્વભાવગત લોહીમાં છે

Published : 18 February, 2026 11:40 AM | IST | Mumbai
Morari Bapu

કરુણા દુર્ગમ છે, દયા સુગમ છે. દયા તો તમે દેખાદેખીમાં પણ દાખવો છો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


દયા અને કરુણામાં ફેર છે. તમે બજારમાં જઈ રહ્યા હો અને કોઈ પડી ગયું હોય, બેભાન થઈ ગયું હોય અને તમને દયા આવી જાય. પણ માત્ર બે મિનિટ પૂરતી. એની આવરદા લાંબી નથી હોતી. આ બે મિનિટ પૂરતી દયા દર્શાવી તમે ત્યાંથી તમારા કામે જતા રહો છો. કહેવાનો મતલબ એટલો કે દયા ત્યાં સુધી સીમિત રહે છે, પરંતુ એ જ દયા જ્યારે કાર્યરત થઈ જાય અને આગળ વધે ત્યારે એ કરુણા બની જાય છે. જો તમે રસ્તે પડેલી એ બેભાન થઈ ગયેલી વ્યક્તિને તમારા ઘરે લઈ જાઓ, તેની સારવાર કરો, તમારું કામ થોડી વાર અટકી જાય તો એની ચિંતા કર્યા વિના માણસાઈના ધર્મને આગળ ધપાવો તો એ દયા દયા નહીં રહેતાં કરુણા બને છે. દયા કદાચ દિલમાં રહે છે, જ્યારે કરુણા આખી કાયામાં નિવાસ કરે છે.

કરુણા દુર્ગમ છે, દયા સુગમ છે. દયા તો તમે દેખાદેખીમાં પણ દાખવો છો. મહાનગરોમાં ટ્રાફિક સિગ્નલ પર મહેમાનોની હાજરીમાં ભિખારીને પૈસા આપવા પડે તો એ મજબૂરી છે, કરુણા નથી. કરુણા કઠિન છે. દયારૂપી દાન પ્રતિષ્ઠા માટે પણ થઈ શકે છે. દાન ક્યારેક બદલો ઇચ્છે છે, કરુણા બદલો નથી ઇચ્છતી. બદલાની અપેક્ષા કરુણાનો દોષ છે. કરુણાનું અપમાન છે. એટલે મારી વ્યાસપીઠ કહે છે કે કરુણા દુર્ગમ છે.



તમે પિક્ચર જોવા જાઓ અને પડદા પર એવાં દૃશ્યો આવી જાય કે જેમાં ગરીબી અને ભૂખમરો દેખાતાં હોય તો થિયેટરમાં બેઠેલા લોકોની આંખમાં આંસુ આવી જાય છે, દયા પ્રગટ થઈ જાય છે; પણ શો પૂરો થઈ જાય, તમે ઘરે જાઓ ત્યાં ઝૂંપડપટ્ટીની આસપાસ કોઈ ભૂખ્યું બેઠું હોય અને તમે તેને ‘જા, જા... આઘો જા’ કહીને હાંકી કાઢો તો તમારામાં દયા ભલે હોય, પરંતુ કરુણા નથી. કરુણા હોત તો સિનેમા-સ્ક્રીનની વાત પર સાવધાન રહ્યા હોત અને અહીં ગરીબના છોકરાને જોઈને રડી પડ્યા હોત.


ગાંધીજીમાં દયા કરતાં કરુણા વધારે હતી. એ જ કારણે ગાયનો વાછરડો કષ્ટ ભોગવતો હતો એટલે તેને મારી નાખવાની વાત કહી હતી.

દયા પરિસ્થિતિજન્ય છે. કોઈ પ્રસંગ પર આધારિત છે. કરુણા સ્વભાવગત લોહીમાં હોય છે. કુળમાં અને જીવ સાથે જોડાયેલી હોય છે. ક્યારેક કરુણા કુળમાં વારસાગત પણ ઊતરી આવે છે. દયા સમાન કોઈ ધર્મ નથી. બહુ જ મોટો ધર્મ છે દયા, પણ દયા કરનારાઓ કૃપા કરી શરૂઆતથી ભલે દયા કરો, પણ પછી કરુણા કરવાની. 


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 11:40 AM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK