Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > માણો એક અનોખા ગામને જ્યાંની રહેણીકરણી અને જીવનશૈલી પ્રાચીન વૈદિકકાળમાં લઈ જાય છે

માણો એક અનોખા ગામને જ્યાંની રહેણીકરણી અને જીવનશૈલી પ્રાચીન વૈદિકકાળમાં લઈ જાય છે

Published : 05 April, 2026 12:41 PM | IST | Mumbai
Laxmi Vanita

શ્રીકાકુલમ જિલ્લામાં ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે.


આધુનિક સમયમાં લોકો વીજળી વગરની કલ્પના જ ન કરી શકે. એક ટચથી ઘેરબેઠાં પીત્ઝા, પાસ્તા, પરાઠા આવી જાય ત્યાં ખેતી કરવાનો વિચાર પણ ન આવે. આવા સમયમાં આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલું કુર્માગ્રામ વૈદિક વિલેજ પ્રાચીન સભ્યતા અને જીવનશૈલીને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રાચીન જીવનશૈલીનો નજારો તાદૃશ કરતા આ ગામમાં ખેતી, ગૌસેવા અને દૈનિક જરૂરિયાતો સ્થાનિક સ્તરે પૂરી કરવામાં આવે છે અને ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. લોકોથી છુપાયેલા આ ગામને એક વખત માણવા જેવું તો ખરું જ

આધુનિક યુગમાં ટેક્નૉલૉજી, ઉદ્યોગ અને ઇનોવેશનના ઝડપી વિકાસે માનવજીવનને સુવિધાસભર તો બનાવ્યું છે; પણ સાથે-સાથે એ પ્રકૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂળથી માણસને ધીમે-ધીમે દૂર લઈ જઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે માનવજીવન સરળ, પ્રકૃતિ સાથે સંકળાયેલું અને વૈદિક મૂલ્યો પર આધારિત હતું જેમાં જીવનનું કેન્દ્ર ધર્મ, સંસ્કાર અને આંતરિક શાંતિ હતાં; પરંતુ મશીનો, શહેરીકરણ અને મટીરિયલિઝમ સંસ્કૃતિના વધારા સાથે આ પ્રાચીન જીવનશૈલી ધીમે-ધીમે અદૃશ્ય થવા લાગી અને એના સ્થાને તનાવ, અશાંતિ અને પર્યાવરણ સંકટો ઊભાં થયાં. આજે જ્યારે આધુનિક જીવનની મર્યાદાઓ સ્પષ્ટ થઈ રહી છે ત્યારે માનવ ફરી એક વખત પોતાના મૂળ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યો છે. એવા જીવન તરફ જે વધુ પ્રાકૃતિક, સંતુલિત અને અર્થપૂર્ણ હોય. આ સંદર્ભમાં આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલું કુર્માગ્રામ જેવું વૈદિક ગામ એક નવી દિશા દર્શાવે છે જ્યાં પ્રાચીન જ્ઞાન અને આધુનિક સમયની જરૂરિયાતો વચ્ચેનું સંતુલન સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જ્યાં લોકો સાંજે દીવાની જ્યોતનો ઉપયોગ કરે છે, પરિવહન માટે ગાડાંનો ઉપયોગ કરે છે અને ભોજન છાણાંવાળા ચૂલા પર બનાવે છે. આજે મુલાકાત લઈએ દક્ષિણ ભારતના આ અનોખા ગામની જે લોકોની નજરથી છુપાયેલું છે.



પ્રાચીન જીવનશૈલીની સંકલ્પના


શ્રીકાકુલમ જિલ્લામાં ૬૦ એકર વિસ્તારમાં કુર્માગ્રામ વૈદિક વિલેજમાં લગભગ ૮૦ પરિવારો રહે છે. કુર્માગ્રામનું ધ્યેય આત્મનિર્ભરતા, ઑર્ગેનિક ખેતી, ગૌઆધારિત અર્થતંત્ર અને સંસ્કૃત તથા વૈદિક શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનું છે. આ પ્રોજેક્ટ નંદા ગોકુલમ ગૌશાલા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ૨૦૧૮માં શરૂ કરવામાં આવ્યો હતો. આ વિચારધારા અભય ચરણારવિન્દ ભક્તિવેદાંતસ્વામી પ્રભુપાદના ઉપદેશોથી પ્રેરિત છે અને આધ્યાત્મિક માર્ગદર્શન ભક્તિવિકાસસ્વામી દ્વારા આપવામાં આવે છે. આ ગામનો મુખ્ય હેતુ એક એવું આદર્શ મૉડલ ઊભું કરવાનો છે જે આખા વિશ્વ માટે અનુસરવા યોગ્ય બને અને આધુનિક સમાજની સમસ્યાઓનો ઉકેલ વૈદિક જીવનશૈલી દ્વારા આપે. પ્રદૂષણ, ગ્લોબલ વૉર્મિંગ, બેરોજગારી, આરોગ્યની સમસ્યાઓ, માનસિક તનાવ અને આધુનિક ટેક્નૉલૉજી પરની નિર્ભરતા જેવી સમસ્યાઓ સામે એક સરળ, પ્રાકૃતિક અને આત્મનિર્ભર જીવનપદ્ધતિ પ્રસ્તુત કરવી એ એનો મુખ્ય ઉદ્દેશ છે. આ માટે સમુદાયમાં ઑર્ગેનિક ખેતી, ગૌશાળા, વૈદિક ગુરુકુળ શિક્ષણ અને વર્ણાશ્રમ ધર્મ પર આધારિત જીવનશૈલી અપનાવવામાં આવી છે.


અન્ન, શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો ગામમાં જ કુદરતી ખેતી દ્વારા ઉગાડવામાં આવે છે જેથી ખોરાક શુદ્ધ અને રાસાયણિકમુક્ત રહે. રસોઈ માટે લાકડાં અથવા ગાયનાં ઉપલાં જેવા પરંપરાગત ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે.


વૈદિક જીવનશૈલી

કુર્માગ્રામમાં અપનાવવામાં આવેલી વૈદિક જીવનશૈલી સંપૂર્ણપણે સરળ, કુદરતી, પારંપરિક અને ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત છે જેમાં માનવજીવનને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરવાનું મુખ્ય લક્ષ્ય છે. અહીં લોકો આધુનિક સુવિધાઓ જેમ કે વીજળી, ગૅસ, ઇન્ટરનેટ અથવા મશીન-આધારિત જીવનશૈલીનો ત્યાગ કરીને સંપૂર્ણપણે પ્રાકૃતિક અને સ્વાવલંબન પર આધારિત જીવન જીવતા થયા છે. ઘરો માટી, પથ્થર અને લાકડાંથી બનાવવામાં આવે છે અને રસોઈ માટે લાકડાં અથવા ગાયનાં છાણાંનો ઉપયોગ થાય છે, જ્યારે નહાવા-ધોવા માટે રાસાયણિક સાબુને બદલે કુદરતી સાધનો અપનાવવામાં આવે છે. આ જીવનશૈલીમાં કૃષિ અને ગૌસેવા કેન્દ્રસ્થાને છે જ્યાં લોકો પોતાનું અનાજ, શાકભાજી અને દૈનિક જરૂરિયાતો કુદરતી ખેતી દ્વારા પૂરી કરે છે તથા કપડાં પણ હૅન્ડલૂમ દ્વારા જાતે તૈયાર કરે છે. આ સાથે વૈદિક શાસ્ત્રો જેમ કે ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત અને રામાયણના નિયમિત અધ્યયન દ્વારા જીવનમાં નૈતિકતા, શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિ વિકસાવવામાં આવે છે. દૈનિક જીવનમાં વહેલી સવારે ઊઠીને જપ, ધ્યાન અને ભક્તિ જેવી પ્રવૃત્તિઓ કરવી તેમ જ દિવસભર શારીરિક શ્રમ અને સાધનાથી જોડાયેલું જીવન જીવવું આ જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. આ પ્રણાલીનો મુખ્ય હેતુ ભૌતિક સુખસગવડો નહીં પરંતુ સેલ્ફ-રિયલાઇઝેશન એટલે કે આત્મસાક્ષાત્કાર અને ઉચ્ચ વિચાર તરફ આગળ વધવાનો છે જેથી વ્યક્તિ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક અને આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બની શકે. ટૂંકમાં સમજીએ તો સિમ્પલ લિવિંગ, હાઈ થિન્કિંગ.


વર્ણાશ્રમ કૉલેજમાં વિદ્યાર્થીઓને તેમના સ્વભાવ અને ક્ષમતાના આધારે વર્ણાશ્રમ ધર્મ મુજબ જીવન જીવવાની તાલીમ આપવામાં આવે છે. આ શિક્ષણપ્રણાલી આધુનિક ડિગ્રીઆધારિત સિસ્ટમથી વિપરીત એક એવું મૉડલ રજૂ કરે છે જે જીવનમૂલ્યો, ધર્મ અને પ્રયોગાત્મક જ્ઞાન પર આધારિત છે.

સેલ્ફ-સસ્ટેઇનિંગ કમ્યુનિટી મૉડલ

કુર્માગ્રામમમાં આત્મનિર્ભર સમુદાય (Self-Sustaining Community Model)નો હેતુ સંરક્ષણનો પણ છે. અહીં આધુનિક સિસ્ટમ પર ઓછામાં ઓછી નિર્ભરતા રાખવાની છે. જે પણ કૃષિ થાય છે એમાં સ્થાનિક બીજોના ઉપયોગ અને ખેતીની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા જમીનની ઉપજક્ષમતા અને પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે. આ મૉડલમાં શ્રમ અને ઉત્પાદન વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યાં દરેક સભ્ય કૃષિ, ગૌસેવા, હસ્તકળા અથવા શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે જેથી બહારની બજાર-વ્યવસ્થાઓ પર નિર્ભરતા ઓછી થાય. પરિવહન માટે પણ વાહનોને બદલે પશુશક્તિ આધારિત એટલે કે બળદગાડાં કે ગાડાં જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ઈંધણનો ખર્ચ ઘટાડે છે અને પર્યાવરણને નુકસાનથી બચાવે છે. પાણી માટે કુદરતી કૂવો, વરસાદી પાણીસંગ્રહ અને પરંપરાગત સિંચાઈપદ્ધતિઓ અપનાવવામાં આવે છે; જ્યારે ઊર્જા અને સંસાધનોનો ઉપયોગ ન્યૂનતમ રાખીને પર્યાવરણ સાથે સંતુલન જાળવવામાં આવે છે. આ રીતે કુર્માગ્રામનો આત્મનિર્ભર સમુદાય મૉડલ આધુનિક અર્થતંત્રથી વિપરીત એક વિકલ્પરૂપ પ્રણાલી રજૂ કરે છે જેમાં સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક ઉપયોગ અને આધ્યાત્મિક કેન્દ્રિત જીવન દ્વારા વ્યક્તિ અને સમાજ બન્નેને સ્થાયી, સંતુલિત અને સ્વતંત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સાંસ્કૃતિક-આધ્યાત્મિક મૂલ્યોનું પુનઃ રોપણ

કુર્માગ્રામની સંપૂર્ણ રચના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનઃ રોપણ પર આધાર રાખે છે જેમાં પ્રાચીન વૈદિક પરંપરાઓને જીવંત અને વ્યાવહારિક રૂપમાં ફરી સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીં જીવન માત્ર ભૌતિક જરૂરિયાતો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભગવાન પ્રત્યેની ભક્તિ, ધર્મ અને આત્મજાગૃતિ તરફ દોરવામાં આવે છે. દૈનિક જીવનમાં હરિનામ સંકીર્તન, જપ, યજ્ઞ અને વૈદિક સંસ્કારોને મહત્ત્વ આપવામાં આવે છે જેના દ્વારા વ્યક્તિના આંતરિક શુદ્ધીકરણ અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન મળે છે. આ સાથે સંસ્કૃત ભાષા અને વૈદિક ગ્રંથોનો અભ્યાસ અહીંના જીવનનો અભિન્ન ભાગ છે. ગુરુકુળ પદ્ધતિ દ્વારા બાળકોને માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં પરંતુ સંસ્કાર, શિસ્ત અને ધર્મમૂલ્યો પણ શીખવવામાં આવે છે જેથી આગામી પેઢી આ સંસ્કૃતિને આગળ લઈ જઈ શકે. આ ગામમાં તહેવારો, સંસ્કારો અને પરંપરાગત વિધિઓને સામૂહિક રીતે ઊજવવામાં આવે છે. અહીં વર્ણાશ્રમ કૉલેજ પણ તૈયાર કરવામાં આવી છે જેનો હેતુ આધુનિક શિક્ષણથી અલગ એક સંસ્કારસભર અને જીવનકેન્દ્રિત શિક્ષણવ્યવસ્થા ઊભી કરવાનો છે. આ કૉલેજમાં શિક્ષણ માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું મર્યાદિત નથી પરંતુ વ્યક્તિના સ્વભાવ, ફરજ અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને તેમના સ્વભાવ અને ક્ષમતાના આધારે વર્ણાશ્રમ ધર્મ મુજબ જીવન જીવવાની તાલીમ આપવામાં આવે છે જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા વર્ણો તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ જેવા આશ્રમોની વ્યવસ્થાનો વ્યાવહારિક અભ્યાસ કરાવવામાં આવે છે. આ કૉલેજમાં અભ્યાસક્રમમાં સંસ્કૃત, વૈદિક શાસ્ત્રો, કૃષિ, ગૌસેવા, હસ્તકળા અને નેતૃત્વ-કૌશલ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે જેથી વિદ્યાર્થીઓ જીવનનાં તમામ પાસાંઓમાં આત્મનિર્ભર બની શકે. આ રીતે કુર્માગ્રામની આ શિક્ષણપ્રણાલી આધુનિક ડિગ્રી આધારિત સિસ્ટમથી વિપરીત એક એવું મૉડલ રજૂ કરે છે જે જીવનમૂલ્યો, ધર્મ અને પ્રયોગાત્મક જ્ઞાન પર આધારિત છે.


આ ગામમાં શ્રમ અને ઉત્પાદન વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે જ્યાં દરેક સભ્ય કૃષિ, ગૌસેવા, હસ્તકળા અથવા શિક્ષણ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે જેથી બહારની બજારવ્યવસ્થાઓ પર નિર્ભરતા ઓછી થાય.

ઓછું જાણીતું ગામ

આ અનોખું અને પ્રયોગાત્મક વૈદિક ગામ હજી સુધી મુખ્ય પ્રવાહમાં સંપૂર્ણ રીતે ઓળખ પામ્યું નથી, પરંતુ એની જાણકારી મુખ્યત્વે વિશિષ્ટ આધ્યાત્મિક સર્કલ, ગુરુઓ અને સંકળાયેલી સંસ્થાઓ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે. સામાન્ય જનતા સુધી એની પહોંચ મોટા પાયે મીડિયા અથવા સરકારી માધ્યમો દ્વારા નહીં પરંતુ પ્રવચનો, આધ્યાત્મિક માર્ગદર્શન અને મૌખિક પ્રસાર દ્વારા થાય છે જેને કારણે એ એક નાના પ્રોજેક્ટ તરીકે ઊભરી આવે છે. સોશ્યલ મીડિયામાં આવું ગામ યુનિક લાગે એટલે લોકો વધારે ને વધારે શૅર કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 12:41 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK