Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જેને સરળતા છોડવી જ નથી તેને કોઈ વાતની ચિંતા જ નથી

જેને સરળતા છોડવી જ નથી તેને કોઈ વાતની ચિંતા જ નથી

Published : 18 March, 2026 05:49 PM | IST | Mumbai
Morari Bapu

યુવા વર્ગ માટે સંતોષ, સરળતા અને દોષ ન જોવાની ભાવના કેટલી જરૂરી? જાણો ભક્તિ અને જીવનને સંતુલિત રાખવાના મહત્વપૂર્ણ પાઠ. દાતાએ જે આપ્યું એ યોગ્ય છે તો ભક્તિ થઈ ગઈ કહેવાય અને આ વાત યુવા વર્ગે સમજવી બહુ જરૂરી છે. 

પ્રતિકાત્મક તસવીર - એઆઈ

સત્સંગ

પ્રતિકાત્મક તસવીર - એઆઈ


બધાને સારા જોવા, બધામાં સારું જોવું, સહુમાં તે સંકળાયેલો છે એ ભાવ પુષ્ટ કરવો. શું યુવા વર્ગ માટે આ જરૂરી નથી? અત્યંત જરૂરી છે અને આ ભાવ જ જીવને માણસ બનાવવાની દિશામાં લઈ જાય છે.
અરે, પોતાનો સ્વધર્મ નિભાવતાં-નિભાવતાં પોતાનો કામધંધો કરતાં-કરતાં ઘણું મોટું કામ તમે કરી લીધું, પરંતુ એ કાર્ય કરવાને પરિણામે જે મળ્યું એનાથી સંતુષ્ટ થવું શું યુવા વર્ગ માટે જરૂરી નથી? મારું કહેવું એવું નથી કે તમે મોટું કામ ન કરો. કરો, ઘણું મોટું કામ કરો અને કલ્પનાઓની પણ આગળ જાઓ; પણ સાહસ અને મહેનત પછી જે મળે, જેટલું મળે એનાથી માનસ સંતોષ પામે કે ચાલો ઠીક છે, મેં મોટું સાહસ કર્યું, જે મળ્યું એ કર્યું, દાતાએ જે આપ્યું એ યોગ્ય છે તો ભક્તિ થઈ ગઈ કહેવાય અને આ વાત યુવા વર્ગે સમજવી બહુ જરૂરી છે. 
સંતોષ પામો અને બીજા લોકોના દોષો ન જુઓ. દોષ જોતાં થઈ જશો તો ક્યારેય સંતોષને પામી નહીં શકો. આજે મોટા ભાગના સંબંધો આ દોષ કાઢતા રહેવાની નીતિને લીધે જ સંતોષના ઓડકાર સુધી પહોંચતા નથી એટલે સંતોષ પામો અને ક્યારેય કોઈના દોષો ન જુઓ.
ગોસ્વામીજીએ કહ્યું છેઃ નવમ્ સરલ સબ સન છલ હીનાની.
સરળ રહેવું, છળ છોડવું. 
આ ભક્તિનાં લક્ષણો છે અને આ લક્ષણો ગોસ્વામીજીએ દર્શાવ્યાં છે. ખાસ કરીને કોઈ એમ ન કહે કે ભક્તિની ચર્ચા માત્ર યુવા વર્ગ માટે જ કેમ? એટલા માટે આ ચર્ચા યુવા વર્ગ માટે છે કે ભૂમિકા સાથે જ આપણે આ વિષય પર વાત શરૂ કરી હતી કે આ બન્ને વાત યુવા વર્ગ માટે આવશ્યક છે. સરળ રહેવાનો સૌથી મોટો લાભ એ કે તમારે કશું વિચારવાનું જ નથી. તમારે તો પ્રવાહ સાથે, તમારામાં રહેલી નિર્દોષતા સાથે આગળ વધતા જવાનું છે. 
ચિંતા કરશે તે જેને છળ કરવું છે. વિચારોમાં તે રહેશે જેને છળ રમવું છે. પ્રયત્નશીલ તે રહેશે જેને છળનો આશરો લેવો છે, પણ જેને છળ જોઈતું જ નથી, જેને સરળતા છોડવી જ નથી તેને કોઈ વાતની ચિંતા જ નથી. તે તો સહજ ભાવ સાથે આગળ વધે છે અને એ સહજ ભાવમાં રહેલી સરળતા જ તેને ઈશ્વરની સમીપ લાવીને મૂકી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 05:49 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK